ઉનાળામાં ગરમીથી ત્રસ્ત અમદાવાદીઓ લીમડાના આશરે

અમદાવાદ, તા.29

ગ્લોબલ વોર્મીંગ અને ગ્રીન હાઉસ ગેસના પ્રકોપના કારણે આખી પૃથ્વી પર તાપમાન વધી રહ્યું છે. તેની સીધી અસર અમદાવાદને થઈ છે. ગરમ અમદાવાદ વધુ ગરમ બની રહ્યું છે. ઉનાળામાં રાહત આપે એ રીતે શહેરમાં વૃક્ષ આયોજન થતાં તાપમાનને નીચે લાવવા, ગરમી શોષી લઈ ઠંડક આપતા લીમડાને રોપવામાં પ્રાથમિકતા બતાવી છે. 10 લાખ વૃક્ષોમાં 3 લાખ નવા લીમડાના વૃક્ષ વાવવામાં આવ્યા છે જેના કારણે અમદાવાદનું તાપમાન 2 ડિગ્રી નીચે આવી શકે છે.

અમદાવાદમાં 2019ની ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા. તેથી અમદાવાદ મહાનગર પાલિકા (અમપા) દ્વારા આખા શહેરમાં 10 લાખ છોડ રોપવાનું નક્કી કરાયું અને બગીચા વિભાગ દ્વારા 28 ઓગસ્ટ સુધીમાં શહેરમાં 10.88 લાખ ઝાડ રોપાઈ ગયા છે. ગરમી ઓછી કરી આપતાં 3 લાખ લીમડા નાગરિકોએ પોતાના ઘરના કંપાઉન્ડમાં કે રસ્તાઓ પર રોપ્યા છે.

અમપાના પાર્કસ અને બગીચા વિભાગના ડાયરેક્ટ જિગ્નેશ પટેલ કહે છે. અમદવાદાનું ગ્રીન કવર 4.66 ટકા છે. 10 લાખ ઝાડ પૈકીના 60 ટકા વૃક્ષો પણ જો ટકી જાય તો શહેરનું ગ્રીન કવર 9 ટકાથી વધી જશે. ગરમી ભલે પડે પણ જે રીતે ઝાડની માત્રા શહેરમાં વધશે તેના કારણે આપણને 2 થી 3 ડીગ્રી જેટલું તાપમાન ઓછું ફીલ થશે.

કયા કયા ઝાડ રોપાયા?

10 લાખ ઝાડની આ ઝૂંબેશમાં લીમડો, ગરમાળો, ગુલમહોર, વજ, પીપડો, ખાટી આંબલી, કણઝી, સપ્તપર્ણી, મહોગોની, સ્પેથોડીયા અને રાયણ તેમજ તુલસી જેવા નાના પ્લાન્ટ પણ લગાવવામાં આવ્યા છે.

ક્યાં ક્યાં લાગ્યા?

સેન્ટ્રલ જેલ, અમ્યુકોના 300થી વધુ ખાલી પ્લોટ, સરકારી ઈમારતોના ખાલી પ્લોટ, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, શૈક્ષણિક સંકૂલોની જગ્યા જેવી કે, એલ ડી એન્જિનિયરીંગ, એલ.જે. કોલેજ. અમ્યુકોની શાળાઓ અને તેના સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની જગ્યાઓ.

અમદાવાદ 9મા ક્રમે

અત્યારે અમદાવાદ શહેરમાં ગ્રીન કવરની માત્રા 4.66 ટકા છે અને લગાવવામાં આવતા ઝાડની માત્રાના કારણે દર વર્ષે કવર વધશે અને 2021 સુધીમાં 9 ટકાથી વધી જશે. ગ્રીન કવરની બાબતમાં અમદાવાદ શહેર 9મા ક્રમે છે જ્યારે રાજ્યનું પાટનગર 32 ટકા સાથે પ્રથમ ક્રમે છે, બીજા ક્રમે ભાવનગર આવે છે.

મિલિયન ટ્રીઝ વૃક્ષારોપણની પૂર્ણાહૂતિ

ગૃહમંત્રી અમિત શાહે વૃક્ષારોપણ કર્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા અન્ય ઉપસ્થિત લોકોએ પણ વડના પ્લાન્ટનું વાવેતર કરી મિશન મિલિયન ટ્રીઝ અભિયાનની પુર્ણાહૂતી કરી હતી. અમિત શાહ કાર્યક્રમ સ્થળે પહોંચ્યા, તો ભાજપના કાર્યકરોએ કાશ્મીરના નારા લગાવ્યા હતા.

અમદાવાદમાં ત્રણ કાર્યક્રમો એક સાથે આયોજિત કરાયા છે. 10 લાખ 87 હજાર વૃક્ષો વાવી એક અભિયાનનું સમાપન થયું છે. અમદાવાદ જિલ્લામાં ૧૩૭૭૦૦૦ વૃક્ષો વાવવામાં આવ્યા. અમદાવાદ શહેર અને જિલ્લા મળી કુલ 24 લાખ 6૦ હજાર પ્લાન્ટ્સ રોપવામાં આવ્યા.

મીયાવાંકી પદ્ધતિથી પ્લાન્ટેશન

‘મિશન મિલિયન ટ્રીઝ’ પ્રોજેક્ટ અંતર્ગત અમપાના 40 પ્લોટમાં મીયાવાંકી પદ્ધતિથી રોપા વાવવામાં આવ્યા છે. જેમાં 1.29 લાખ મોટા વૃક્ષ અને 12,850 ફૂલછોડ લગાવવાયા છે. ઝોન પ્રમાણે વાત કરવામાં આવે તો મધ્યઝોનના 02, પૂર્વ ઝોનમાં 05 પ્લોટમાં મીયાવાંકી પદ્ધતિથી પ્લાન્ટેશન કરાયું છે. ગોતામાં ઉકતી તળાવ પાસે 25 હજાર પ્લોટ વૃક્ષ મીયાવાંકી પદ્ધતિથી લગાવવામાં આવ્યા છે.

101 ઓક્સિજન પાર્ક બનાવવાની જાહેરાત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમપાના બહુ મહત્વાકાંક્ષી એવા મિશન મિલિયન ટ્રીઝ પ્રોજેક્ટની પુર્ણાહૂતિ કરાવી હતી. આ પ્રોજેક્ટ અંતર્ગત 101 ઓક્સિજન પાર્ક બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 62,797 મોટા વૃક્ષો અને 5280 નાના ફૂલ-છોડ લગાવવામાં આવ્યા છે.