એસ.ટી. ટાટા બસ ખરીદી કૌભાંડમાં વાડજ પોલીસે દસ્તાવેજી પુરાવા સાથે તપાસ શરૂ કરી

અમદાવાદતા.04

ગુજરાત રાજ્ય પરિવહન વ્યવહાર નિગમ સાથે ટાટા મોટર્સ દ્વારા નક્કી કરાયેલા મોડલ કરતાં ઉતરતી કક્ષાના મોડેલની બસ આપીને રૂ.99 કરોડની છેતરપીંડી કરવામાં આવી હોવાના દસ્તાવેજી પુરાવા પોલીસે માંગીને તપાસ શરૂ કરી છે. છેતરપીંડીનો સીધો ગુનો હોવા છતાં તેમને સિવિલ ગુનો બતાવીને ટાટાને બચાવવા માટે ગૃહ વિભાગનું દબાણ હોવાનું પોલીસના વલણ પરથી સ્પષ્ટ થાય છે.

એસટી વિભાગ દ્વારા શહેરના વાડજ પોલીસ સ્ટેશનમાં અરજી આપી ફરિયાદ કરી છે. અમદાવાદ પોલીસે તપાસ ન કરવા માંગતા હોય તેમ અરજી રાખી મૂકી હતી. હવે તમામ વિગતો જાહેર થઈ જતાં ફરિયાદ લેવાના બદલે ન્યાયાધિશની જેમ પોલીસે એસ ટી નિગમ પાસેથી પુરાવા માંગ્યા છે.

આ સંજોગોમાં સૂત્રો એવું માની રહ્યાં છે કે, ભાજપના નેતાઓ અને પ્રધાનો બસની ખરીદીમાં સામેલ હોવાનું તથા એસટીના અધિકારીઓને છાવરવાના હેતુથી આ મામલે તપાસમાં ઢીલ રાખવામાં આવી રહી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

જનસત્તાનો અહેવાલ

જનસત્તા સમાચારપત્રએ 26મી ઓક્ટોબરે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો કે, 2160 રેડી બિલ્ટ મીની બસ આપવા ટેન્ડર બહાર પડાયા હતા જેમાં ટાટા મોટર્સ દ્વારા નક્કી કરાયેલા મોડેલ કરતાં હલકી કક્ષાના મોડેલની બસ આપીને રૂ.99 કરોડની છેતરપીંડી કરી હોવાનું 21 સપ્ટેમ્બર 2019ના રોજ જાહેર થયું હતું. એસટી નિગમના ખરીદ નિયામક અમરિષ એ. પટેલે કૌભાંડ જાહેર કર્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેથી સરકારમાં ટાટા કંપનીને બચાવવા માંગતા રાજકારણીઓ પડદા પાછળ ભૂંડી ભૂમિકા ન ભજવી શક્યા.

અહેવાલની અસર

વાડજ પોલીસ સ્ટેશનમાં પીઆઈ જે. એ. રાઠવાએ કહ્યું હતું કે, ‘એસટી નિગમ દ્વારા ફરિયાદ મળી છે. પ્રથમ દ્રષ્ટિએ તો સિવિલ કાયદા હેઠળ ગુનો હોય એવું લાગે છે. અમે જરૂરી દસ્તાવેજો મંગાવ્યા છે. તે આવ્યા બાદ તેમાં ગુનાહિત કૃત્ય હશે તો સત્તાવાર ફરિયાદ કરીને છેતરપીંડીનો ગુનો લગાડીને જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

અધિકારીઓ રજા પર ઉતરી ગયા

એસટી નિગમે ટાટા મોટર્સ સામે ફરિયાદ કરવાની સૂચના આપવામાં આવતાં કેટલાંક અધિકારીઓ રજા પર ઊતરી ગયા છે. કારણ કે ગાંધીનગરમાં આ કૌભાંડ સાથે ભાજપના નેતા અને સરકારમાં ટોચનું સ્થાન ધરાવતાં નેતા સંડોવાયેલા હોવાનું માનવામાં આવે છે.

શું છે આખો મામલો?

વાહન વ્યવહાર પ્રધાન આર.સી.ફળદુ અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પોલીસ ફરિયાદ કરવાની સૂચના આપવી જોઈતી હતી તે કર્યું નથી. જામનગરની એક કંપનીના રાજકીય નેતા ટાટાના બચાવમાં આવી ગયા છે. આઈસર કંપનીની તે જ ક્ષમતાની ઓછા પૈસામાં 520 બસ લીધી છે. ટાટાની રૂ.19 લાખની બસ આઈસરની 18.50 લાખ જેટલી રકમથી ખરીદી છે. પહેલો લોટ 20 બસનો મોકલેલી આપ્યો હતો. કુલ 520 બસ રૂ.99.19 કરોડમાં ખરીદ કરવામાં આવી હતી. 20 બસ પરત મોકલી આપવામાં આવી હતી. સરકારે ટાટાના અધિકારીઓને ગાંધીનગર બોલાવ્યા પણ પગલાં ન લીધા.