ઓનલાઇન જુગાર રમવાની આદતે જીવ ગુમાવ્યોઃ 78 લાખ હારી જનારા યુવકનો આપઘાત

રાજકોટ, તા.૦૭ ગુજરાતના રાજકોટ જિલ્લામાં કૃણાલ મહેતા નામની વ્યક્તિએ બુધવારે રાત્રે મોટા માવામાં કુવામાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ઓનલાઈન જુગાર  રમીને ૭૮ લાખ રૂપિયા હારી ગયા બાદ યુકવે આત્મહત્યા કરી લીધી હતી. રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ  કૃણાલ મહેતાનો  મૃતદેહ સવારે મળી આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ વ્યક્તિ મોબાઇલ ફોન ઉપર પોકર ગેમ રમવામાં ૭૮ લાખ રૂપિયા હારી ગયો હતો. યુવકના નિવાસસ્થાનેથી આપઘાતની નોંધ મળી આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, પોતાના મિત્રો અને સંબંધીઓ પાસેથી ૭૮ લાખ રૂપિયા લીધા હતા. કૃણાલ મહેતાની વય ૩૯ વર્ષની આસપાસ છે. એક આઈટી કંપનીમાં કામ કરી રહ્યો હતો. આપઘાત કરનારા કૃણાલને  બે પુત્રો છે. કૃણાલ મહેતાના આપઘાતના કેસમાં તપાસ હજુ પણ ચાલી રહી છે. પોલીસના કહેવા મુજબ ગરબાના કાર્યક્રમમાં પોતાની પત્નિ અને બાળકો સાથે ભાગ લીધા બાદ બુધવારે મોડી રાત્રે તે ખુલ્લા કુવામાં પડ્યો હતો. તપાસમાં એવું પણ બહાર આવ્યું છેકે તે નશાની આદત ધરાવતો હતો. આપઘાતની રાતે તે પરિવારને ગરબા જોવા લઇ ગયો હતો અને પરત ફર્યા બાદ તમામ ઉઘી ગયાં હતા ત્યારે તેણે પાસેના કુવામાં ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી હોવાની શંકા સેવવામાં આવી રહી છે.