ગુજરાતના લોકોની સમસ્યાની દરકાર કરવા માટે વિધાનસભા કોંગ્રેસ પક્ષ દ્વારા લોક સરકારનું એક ડીઝીટલ પ્લેટફોર્મ ઉભું કરવામાં આવી રહ્યું છે. જેમાં લોકો ઘેર બેઠા પોતાની સમસ્યાને લોક સરકારને મોકલી શકશે. તેમજ આ સમસ્યાનું સમયસર ઉકેલ આવે તે માટેની દરકાર હવે વિધાનસભા વિપક્ષ કરશે તેમ વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ 12 ઓક્ટોબર 2018માં લોક સરકાર વેબ સાઇટને ખૂલી મૂકી હતી. તેમાં કોઈ મુખ્ય પ્રધાન કે પ્રધાન નહી હોય. જનતા પોતે મુખ્ય પ્રધાન અને પ્રધાન બનીને સરકાર સમક્ષ ન્યાય માંગશે. ત્યાર પછી લોક સરકાર રાજકીય વિવાદોમાં અટવાઈ ગઈ છે અને કોંગ્રેસના વિવાદો વધી ગયા છે. લોક સરકાર શું કરી રહી છે તે અંગે હવે પ્રજા પણ ભૂલી ગઈ છે.
ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજ્યમાં લોકસરકાર રચવાની જાહેરાત કરી હતી. લોક સરકાર એટલે લોકો વતી, લોકો માટે ચાલતી લોકશાહી સરકાર. લોક સરકારનો ઉદ્દેશ લોક સમસ્યાને સરકારના કાન સુધી પહોંચાડવા, લોક વેદનાને વાચા આપવા લોકો પ્રત્યે સરકારની જવાબદારી નક્કી કરવા, સરકારની નિષ્ફળતાને ઉજાગર કરવા, સરકારી યોજના સરળતાથી લોકો સુધી પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને પહોંચાડવાનો છે.આ સરકારમાં લોકશાહીનો મૂળ આધાર એવા લોકોની સદંતર અવગણના થઈ રહી છે. ‘લોક સરકાર’નો ઉદ્દેશ લોકશાહી પરંપરાને વધુ મજબુત બનાવી સમાજને સશક્ત બનાવવાનો હતો.
છેલ્લા 23 વર્ષની ભાજપની સરકારમાં લોક સમસ્યાની સદંતર ઉપેક્ષા થઈ રહી છે. તેમજ લોકો પ્રશ્નો આજે ભાજપ સરકારના રાજના તેમના તેમજ વણઉકલ્યા પડી રહ્યાં છે. સામાન્ય લોકો પાસે સરકારના અલગ-અલગ વિભાગાની ફરિયાદ ક્યાં કરવી તેની કોઈ જાણકારી નથી. પોતાની સમસ્યાની કયા વિભાગને રજૂઆત કે ફરિયાદ કરવી તેની પૂરતી સમજ નથી. પરિણામે સામાન્ય માણસ સરકારી વિભાગો વચ્ચે આંટાફેરા કરવા મજબુર બની ગયો છે. લોકોએ ચૂંટેલી પોતાની કહેવાતી સરકારના બહેરા કાને પ્રજાની સમસ્યા અથડાતી નથી. સરકાર પ્રજાના પ્રશ્નો બાબતે અસંવેદનશીલ બની ગઈ છે. પ્રજાનો અવાજ બુલંદ થવાને બદલે દબાવાઈ રહ્યો છે. લોકો જેમ તેમ કરીને સરકારી તંત્રમાં પોતાની ફરિયાદ દાખલ કરવામાં સફળ થાય તો પણ આ ફરિયાદનું શું થયું અને ફરિયાદનો નિકાલ કેટલા સમયમાં થશે તેની કોઈ જાણકારી નથી.
આ પરિસ્થિતિમાં હાલના સરકારી માળખામાં લોક સમસ્યાને વાચા આપવા અને લોકોની રજૂઆતોને સરકાર સુધી વિરોધ પક્ષના નેતા ‘લોક સરકાર’ (WWW.LOKSARKAR.IN) ના માધ્યમથી પહોંચાડશે. આ ઉપરાંત લોક સમસ્યાના ઉકેલ માટે સરકાર પર દબાણ ઉભું કરવામાં આવશે. તેમજ લોકોના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવશે.
જો કે આ પ્રયત્નો દ્વારા પણ સરકારની કામગીરીમાં અને લોક સમસ્યાના સમાધાનમાં કોઈ હકારાત્મક પ્રતિભાવ નહીં મળે અને રાજ્યની આંધળી અને બહેરી સરકાર પોતાની નિંદ્રામાંથી નહીં જાગે તો સરકાર વિરુદ્ધ જલદ આંદોલન પણ કરવામાં આવશે. લોક પ્રશ્નોને વાચા આપવા માટે લોક સરકાર રાજ્ય સરકાર સાથે બાથ ભીડશે અને ઝડપથી લોક પ્રશ્નોના ઉકેલ માટે કાર્યરત રહેશે.