કોર્પોરેટ ટેક્સના ઘટાડાની આડઅસર હેઠળ નાના દુકાનદારોનું મોટું ધોવાણ થશે

અમદાવાદ,તા.09

કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવાને પરિણામે સ્થાનિક સ્તરેથી જ ખરીદી કરીને સ્થાનિક લોકોની જરૂરિયાતને સંતોષતા નાના દુકાનદારોને મોટો ગેરલાભ થશે. સરકારે હજી પખવાડિયા પૂર્વે જ કોર્પોરેટ ટેક્સ 30 ટકાથી ઘટાડીને 22 ટકા કરી આપવાનો નિર્ણય લીધો છે. સરકાર દ્વારા કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો તેને પરિણામે વિદેશની કંપનીઓ તરફથી જોરદાર સ્પર્ધાનો સામનો કરી રહેલી કંપનીઓને ફાયદો થશે. તેમાંય ખાસ કરીને ભાવ વધારશે તો ગ્રાહક ગુમાવી દેશે તેવા ભયનો સામનો ન કરતી કંપનીઓને ખાસ્સો ફાયદો થવાની સંભાવના જોવામાં આવી રહી છે.

બીજા શબ્દોમાં કહીએ તો તેનાથી બહુ જ થોડી કંપનીઓને લાભ થશે, બહુધા તેની નકારાત્મક અસરનો શિકાર નાના દુકાનદારો બની જશે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે. નાના દુકાનદારો માટે વેરાની ચોરી કરીને ટકી રહેવું હવે કઠિન બની જશે તેથી તેમને માટે માઠાં દિવસોની શરૂઆત થઈ શકે છે. બીજું, એમએસએમઈ પર તેની વિપરીત અસર પડી શકે છે. કારણ કે એમએસએમઈ એટલે કે નાના અને મધ્યમ કદના ઉદ્યોગોના પ્રોડક્ટ્સને બદલે આયાતી પ્રોડક્ટ્સ તરફ કસ્ટમર્સ વળી શકે છે. ઉદાહરણ આપીને વાત કરવામાં આવે તો ડી માર્ટ જેવા રિટેઈલર્સને લાભ થઈ શકે છે. તેની સામે નાના દુકાનદારોનો ખાતમો બોલી જવાની સંભાવના રહેલી છે.હરીફોની તુલનાએ નબળી કંપનીઓના પણ બેન્ડ બજી જવાની શક્યતાઓ વધવા માંડી છે.

ઓર્ગેનાઈઝ રિટેઈલર્સ ભાવના ઘટાડાને પણ સહન કરી શકશે. તેમ કરીને પણ તેમનું ટર્નઓવર વધી જતાં તેમના નફામાં વધારો થશે. તેની સામે રિટેઈલર્સ એટલે કે છૂટક દુકાનદારોને તેમના પ્રોડક્ટ્સના ભાવ ઘટાડવાની ફરજ પડશે અને તેની અસર હેઠળ તેમના નફાના માર્જિન કપાઈ જશે. તેમ થતાં તેમને માઠાં દિવસોનો આરંભ થવાની સંભાવના રહેલી છે.

બીજી તરફ વિદેશી કંપનીો તરફથી સ્પર્ધાનો સામનો કરી રહેલી ભારતીય કંપનીઓને પણ વેરાના ઘટાડાનો લાભ થશે. ભારતના નિકાસકારોને પણ તેનાથી ખાસ કોઈ લાભ થવાની સંભાવના દેખાતી નથી. વિદેશી કંપનીઓ તરફથી સ્પર્ધાનો સામનો કરી રહેલી ભારતીય કંપનીઓને જ કોર્પોરેટ ટેક્સ ઘટાડાનો ખાસ લાભ થશે. આ ભારતીય કંપનીઓને ભારતમાંની જ અન્ય કંપનીઓ તરફથી ઓછામાં ઓછી સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે.

કોર્પોરેટ ટેક્સના અભ્યાસુઓનું કહેવું છે કે ઇક્વિટી પર ઓછું મળતર ધરાવતી કંપનીઓને નફો વધારવા માટે તેમના બિઝનેસમાં નવું વધારે રોકાણ કરવાની ફરજ પડશે. આ નવા રોકાણ કરીને કંપનીઓ તેમના નફામાં વધારો કરી શકશે. ઇક્વિટી પર ઓછું મળતર ધરાવતી પરંતુ વેરાના દરના ઘટાડાનો લાભ જાળવી રાખીને બિઝનેસ કરવાની ક્ષમતા ધરાવતી કંપનીઓના આંતરિક મૂલ્યમાં વધારો થશે. તેના રિટર્ન ઓન ઇક્વિટીમાં વધારો થશે.

રિટર્ન ઓન ઇક્વિટી ઊંંચો ધરાવતી કંપનીઓ પાસે સામાન્ય રીતે રોકડની રેલમછેલ હોય છે. બીજા શબ્દોમાં કહેવામાં આવે તો તેમને રોકડી આવક ઘણી જ સારી હોય છે. પરંતુ તેમના વિકાસ માટેના વિકલ્પ સીમિત હોય છે. તેઓ વધારાની રોકડને ડિવિડંડ તરીકે આપી શકે છે. તેમ જ શેરહોલ્ડરોને અન્ય લાભ પણ આપી શકે છે.