ખુલ્લા પીજી રૂમમાંથી બે મહિલાઓ ચાર મોબાઈલ ફોન ચોરીને ફરાર

અમદાવાદ, તા.2

વસ્ત્રાપુર નહેરૂપાર્ક વિસ્તારમાં આવેલા જલારામ પીજીના ખુલ્લા ફલેટમાંથી બે અજાણી મહિલાઓ ચાર મોબાઈલ ફોન ચોરી કરીને ફરાર થઈ ગઈ છે. ફલેટમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજમાં બંને આરોપી મહિલાઓ કેદ થઈ જતા વસ્ત્રાપુર પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ આરંભી છે.

મૂળ રાજકોટના રહિશ અને અમદાવાદમાં એસ.જી.હાઈ-વે પર ખાનગી કંપનીમાં નોકરી કરતા અમન દિલીપભાઈ રાજપરા (ઉ.21) અન્ય યુવકોની સાથે વસ્ત્રાપુર નહેરૂપાર્ક અપૂર્વ ફલેટમાં ચાલતા જલારામ પીજીમાં રહે છે. અપૂર્વ એપાર્ટમેન્ટના એક ફલેટમાં રહેતા યુવકો ગત સોમવારે મોડીરાતે મકાનનો દરવાજો ખુલ્લો રાખીને સૂઈ ગયા હતા. ગઈકાલે સવારે નવ વાગે અમન રાજપરા ઉંઘમાંથી જાગતા તેમનો મોબાઈલ ફોન ચોરી થયો હોવાની જાણ થઈ હતી. અમન રાજપરા ઉપરાંત તેમની સાથે પીજીમાં રહેતા ઉર્મિત દલસાણીયા, મોનિલ કોટેચા અને હર્ષિત સાવલીયાના મોબાઈલ ફોન ચોરી થઈ ગયા હતા.

ખુલ્લા મકાનમાંથી મોબાઈલ ફોન કોણ ચોરી ગયું તે જાણવા માટે એપાર્ટમેન્ટમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા સવારે સાડા છ વાગે આવેલી બે અજાણી મહિલાઓ કેમેરામાં કેદ થયેલી દેખાઈ હતી. પંજાબી ડ્રેસ પહેરીને આવેલી બે મહિલાઓ પૈકી ચશ્મા પહેરેલી મહિલાએ રૂમમાં પ્રવેશ કરી મોબાઈલ ફોન ચોરી કરી બંને મહિલાઓ સ્થળ પરથી ફરાર થઈ ગઈ હતી.