ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની નવેમ્બરમાં યોજાનારી ચૂંટણી ઓનલાઇન કરવાની કવાયત

અમદાવાદ,તા.1

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી આગામી દિવસોમાં યોજવામાં આવનાર છે. કુલ 26 બેઠકો માટે સમગ્ર ગુજરાતમાંથી 50 હજારથી વધારે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરતાં હોય છે. સામાન્ય રીતે જયારથી બોર્ડની ચૂંટણી શરૂ થઇ ત્યારથી ઓફલાઇન એટલે કે પરંપરાગત પધ્ધતિથી મતદાન કરવામાં આવે છે. પરંતુ આગામી દિવસોમાં યોજાનારી બોર્ડની ચૂંટણી ઓનલાઇન યોજવાની માંગણી સભ્યો દ્વારા કરવામાં આવી છે. બોર્ડ દ્વારા પણ ચૂંટણીમાં પારદર્શકતાં રહે તે માટે ઓનલાઇન મતદારો અને ઉમેદવારોની નોંધણી કરવાનુ નક્કી કરવામાં આવ્યુ છે. હાલમાં કેટલાક સંગઠનો દ્વારા બોર્ડની આ હિલચાલનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે પરંતુ કોઇપણ સંજોગોમાં બોર્ડ દ્વારા ઓનલાઇન ચૂંટણી પ્રક્રિયા કરવાની તૈયારી શરૂ કરતાં શિક્ષણ જગતમાં પહેલી વખત બોર્ડની ચૂંટણી ઓનલાઇન કરવામાં આવશે.માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી હાલમાં જૂની પધ્ધતિ પ્રમાણે કરવામાં આવે છે.

શું હતા ઓફલાઈન પધ્ધતિના ગેરફાયદા?

બોર્ડના પૂર્વ સભ્યો કહે છે જૂની પધ્ધતિમા ખાસ કરીને વાલીમંડળ અને સંચાલક મંડળના ઉમેદવારો અને મતદારોની નોંધણીમાં ભારે ધાંધલી કરવામાં આવતી હતી. સભ્યો કહે છે વાલીમંડળ સંવર્ગ માંથી ઉમેદવારી કરવા ઇચ્છતાં હોય તેવા ઉમેદવારનો સભ્ય જે તે સ્કૂલમાં અભ્યાસ કરતો હોવો જોઇએ. પરંતુ જેમના સંતાનો સ્કૂલમાં અભ્યાસ કરતાં નથી તેવા ઉમેદવારો વાલીમંડળમાંથી ઉમેદવારી નોંધાવતાં હતા. આ ઉપરાંત સંચાલક મંડળનો એક જ મત હોય છે. એટલે કે કોઇ એક ટ્રસ્ટ ચાર જુદી જુદી સ્કૂલો ચલાવતાં હોય તો પણ તેઓ એક જ મતદાર કે ઉમેદવાર બની શકતાં હોય છે. હાલની સ્થિતિ એવી છે કે ચાર સ્કૂલમાંથી ચાર મતદારોની નોંધણી કરાવી દેવામાં આવે છે. આ ઉપરાંત ઉમેદવારી કરવામાં પણ એક જ ટ્ર્સ્ટની જુદી જુદી સ્કૂલોમાંથી ઉમેદવારો ચૂંટણીમાં ઉભા રહે છે.

ઓનલાઈન પધ્ધતિથી શું ફાયદો થશે?

ઓનલાઇન મતદાર નોંધણી અને ઉમેદવાર નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવે તો કઇ સ્કૂલમાંથી કોણે અને કેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે તે તમામ લોકો જોઇ શકતાં હોય છે. જો કોઇ ટ્રસ્ટ કે સંચાલક ખોટુ કરવા પ્રયાસ કરે તો પણ ઓનલાઇન સીસ્ટમમાં તાકીદે ઝડપાઇ જાય છે. મેમ્બરો કહે છે હાલની પરંપરાગત રીતે થતી ચૂંટણીમાં ઓછામાં ઓછા 60 થી 70 લાખ રૂપિયાનો તોતિંગ ખર્ચ કરવામાં આવે છે તેના સ્થાને ઓનલાઇન ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવે તો આજ માત્ર 5થી 6 લાખ રૂપિયામાં ચૂંટણીની તમામ પ્રક્રિયા પૂર્ણ થઇ જાયતેમ છે.

બોર્ડના પૂર્વ સભ્યોની રજુઆત

બોર્ડના પૂર્વ સભ્યો દ્વારા તાજેતરમાં મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી અને બોર્ડને પત્ર લખીને કોઇપણ સંજોગોમાં નવેમ્બર માંયોજનારી બોર્ડની 26 બેઠકો માટેની ચૂંટણીની પ્રક્રિયા ઓનલાઇન કરવાની રજૂઆત કરવામાં આવી છે. જેનો બોર્ડે હકારાત્મક પ્રતિસાદ પણ આપ્યો છે.

બોર્ડની કયા કયા સંવર્ગની ચૂંટણીઓ યોજવામાં આવે છે

બોર્ડના પૂર્વ મેમ્બર કહે છે કે કુલ 26 બેઠકો માટે ચૂંટણી યોજવામાં આવે છે. જેમાં શિક્ષક મંડળ સંવર્ગ, ઉચ્ચત્તર શિક્ષકમંડળ સંવર્ગ,આચાર્ય સંવર્ગ, સંચાલક મંડળ સંવર્ગ, વાલી મંડળ સંવર્ગ, બી.એડ કોલેજ સંવર્ગ સહિતના જુદા જુદા સંવર્ગની મળીને 26 બેઠકોનો સમાવેશ થાય છે. દરેકની સંખ્યા પ્રમાણે બેઠકો ફાળવવામાં આવે છે. જે પ્રમાણે બેઠકો ફાળવવામાં આવે તે પ્રમાણે જે તે સંવર્ગમાંથી ઉમેદવારી નોંધાવવામાં આવે છે. તમામ સંવર્ગના મતદારોની સંખ્યા અંદાજે 50 હજારથી વધારે થાય છે.

સંચાલક મંડળ અને વાલીમંડળમાંથી ઓનલાઇન પ્રક્રિયાનો સૌથી વધુ વિરોધ

બોર્ડના સભ્યો કહે છે નવેમ્બરમાં યોજનારી બોર્ડની 26 બેઠકો માટેની ચૂંટણીમાં બોર્ડ દ્વારા ઓનલાઇન પધ્ધતિ દાખલ કરવાની તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. પરંતુ હાલમા સૌથી વધુ સંચાલક મંડળ અને વાલી મંડળ દ્વારા ઓનલાઇન સીસ્ટમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેનુ મુખ્ય કારણ એ છે કે આ બે સંવર્ગમાં સૌથી વધુ ગેરરીતિઓ થતી રહે છે. વાલીમંડળમાં ખરેખર જેમનાસંતાનો જે તે સ્કૂલમાં અભ્યાસ કરતાં હોય તેઓ જ ઉમેદવારી કરી શકે છે તેના બદલે સંતાનો સ્કૂલમા અભ્યાસ જ ન કરતાંહોવાછતાં કેટલાક સ્થાપિત હિતો વર્ષોથી વાલીમંડળમાંથી ઉમેદવારી નોંધાવતાં રહે છે. ઓનલાઇન પધ્ધતિ લાગુ થાય તો આસ્થાપિત હિતોને સૌથી મોટો ફટકો પડે તેમ છે. આજ રીતે સંચાલકો એક જ ટ્રસ્ટના નામે ચાલતી જુદી જુદી સ્કૂલોમાંથી પોતાનામતદારોના નામો નોંધાવીને ચોક્કસ ઉમેદવારોને જીતાડવા માટે પેંતરા રચતા હોય છે. આ બન્ને સંવર્ગને સૌથી મોટી તકલીફ હોવાથી તેઓ ઓનલાઇન પ્રક્રિયાનો વિરોધ કરી રહ્યા છે.