મહેસાણા, તા.10
મહેસાણા શહેરના ભરચક વિસ્તાર ગણાતા આઝાદચોકમાં આવેલા જૈન આયંબિલ ભવનમાં બુધવારે સવારે ઓળીની રસોઇ દરમિયાન ગેસની પાઇપમાં લાગેલી આગથી ગેસના બે બાટલા ફાટતાં સમગ્ર વિસ્તારમાં અફડાતફડી મચી ગઇ હતી. આ સમયે આયંબિલ ભવનમાં કામ કરી રહેલા 20થી વધુ વ્યક્તિઓ આગને જોઇ ગભરાઇને બહાર નીકળી ગયા બાદ બોમ્બ વિસ્ફોટની જેમ ગેસના બે બાટલા ફાટ્યા હતા, જેને લઇ તમામ કામદારોનો જીવ બચી ગયો હતો. બીજીબાજુ, બાટલા ફાટવાનો ધડાકો એટલો ભયંકર હતો કે 500 મીટર દૂર તોરણવાળી માતા ચોકથી લોકો અવાજ સાંભળીને અહીં દોડી આવ્યા હતા. બાટલા ફાટવાથી આયંબિલ ભવનનાં બારી-બારણાંનાં કાચ પણ ફૂટી ગયા હતા, જ્યારે વીજ વાયર બળી ગયા હતા. સદનસીબે જાનહાની ટળી હતી.
રસોઇ દરમિયાન બનેલી દુર્ઘટનાથી અફડાતફડી:
આઝાદચોકમાં આયંબિલ ભવનમાં સવારે 10 વાગે આયંબિલ કરતાં જૈનો માટે ઓળીની રસોઇ બની રહી હતી, તે સમયે એકાએક પાઇપ ફાટતાં લાગેલી આગમાં ગેસના બે બાટલા ધડાકાભેર ફાટયા હતા. જેને પગલે અહીં કામ કરતા માણસો જીવ બચાવીને બહાર દોડી ગયા હતા. જ્યારે બાટલા ફાટતા થયેલો ધડાકો છેક હૈદરીચોક અને તોરણવાળી ચોક સુધી સંભળાયો હતો. બાજુની સોસાયટીના રહીશો વગેરે બનાવ સ્થળે દોડી ગયા હતા. ગેસના બાટલા ફાટતાં ભવનનાં બારી-બારણાં, 12 ટ્યુબલાઇટો અને એલઇડી બળીને ખાખ થઇ ગઇ હતી. બારીના કાચ ફૂટીને રોડ પર ઉડ્યા હતા. ફાયર ફાઇટરની મદદથી આગને કાબુમાં લેવાઇ હતી. બનાવ સ્થળે પહોંચેલી પોલીસ કાર્યવાહી કરે તે પહેલાં જ આયંબિલ ભવનના ટ્રસ્ટી ભુપેન્દ્રભાઇએ જાનહાની થયેલી ન હોઇ ફરિયાદ આપવાનો ઇન્કાર કર્યો હતો.
આયંબિલ ભવનની બિલકુલ પાછળની દીવાલે મકાન ધરાવતા અલ્પેશભાઇ પ્રજાપતિએ કહ્યું કે, ગેસલાઇન, ગેસના બાટલા ગેરકાયદે લીધા છે. અનેક રજૂઆતો છતાં ધ્યાન આપ્યું નથી. બનાવ સમયે સૂઇ ગયો હતો અને ધડાકો સાંભળતાં જ બહાર દોડી ગયો હતો, મારા મકાનની દીવાલને તિરાડ પડી ગઇ છે, જો તે ધરાશાયી થઇ હોત તો હું તેના નીચે દબાઇને મરી જાત.
આ પ્રકારના બનાવ ટાળવા આટલી કાળજી જરૂરી છેઃ
ઘટનાને ટાળવા દર બે વર્ષે ઇન્સ્પેકશન કરાવવું જોઇએ, તેની સુરક્ષા પાઇપ ચેક કરીને બદલતાં રહેવું જોઇએ. ગેસ સિલિન્ડરની ડિલિવરી લેતી વખતે તે લીકેજ છે કે કેમ તેની ચકાસણી જરૂરી છે. રસોઇ થયા બાદ રેગ્યુલેટરનો કોક બંધ કરવો જોઇએ, સિલિન્ડરથી એક ફૂટ ઉપર સગડી રાખવી જરૂરી છે.
જાણવા મળ્યા મુજબ, રસોડામાં એકસાથે ગેસના 7 બાટલા પડ્યા હતા. જો તમામ ફૂટ્યા હોત તો મોટી જાનહાનિ થવાની શક્યતા હતી. કહેવાય છે કે, જૂનું બિલ્ડીંગ હોવાના કારણે નુકસાન ઓછું થયું છે. અહીં ફાયરની પણ સુવિધા ન હતી. ઘટના બાદ પેઢીના સંચાલકે ઇન્ડિયન ગેસમાં જાણ કરી હતી.
રસોઇયા સાગરભાઇએ જણાવ્યું હતું કે, આયંબિલ ભવનમાં 5 સગડા પર રસોઇ બની રહી હતી અને ગેસની પાઇપ ફાટતાં એકાએક ભડકા સાથે આગ લાગી. પાઇપ ઘણી જૂની હતી. ડોલ ભરીને પાણી રેડતાં આગ વધુ ભડકી. આ સમયે કામ કરતા 20થી વધુ વ્યક્તિ આગ જોઇને ડરી ગયા હતા. હું દોડવામાં અસમર્થ મહિલાને ઉંચકી બહારની તરફ ભાગ્યો ત્યારે કાન ફાડી નાખે તેવા બે ધડાકા થયા હતા. કોઇએ મને બનાવ માટે જવાબદાર ઠેરવી બે લાફા મારી દીધા હતા. આમાં મારો શું વાંક?.
સંસ્થાના ટ્રસ્ટી ભુપેન્દ્રભાઇ શાહે કહ્યું કે, પોલીસે જાણવા જોગ નોંધવા જાણ કરી હતી, પરંતુ કોઇ નુકસાની થઇ નથી અને વીમો પણ નથી. હું બનાવ સમયે હાજર ન હતો, પરંતુ જે પણ બનાવ બન્યો છે તે ગેસ લીકેજ હોવાના કારણે બન્યો છે. ગેસ લીકેજ થતાં આગ લાગી અને બે બાટલા ફાટ્યા હતા. – એએસઆઇ શહેર પોલીસ સ્ટેશન કિરીટભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, ઘટના અંગે સ્ટેશન ડાયરીમાં નોંધ કરી છે, તપાસ કરીશું
ટ્રસ્ટીએ વીમોના હોવાના કારણે ફરિયાદ આપી નથી. આ સંબંધે સ્ટેશન ડાયરીમાં નોંધ કરી છે અને તેને આધારે તપાસ કરીશું.