તાજા સમાચાર અનુસાર સૌરાષ્ટ્ર વિસ્તારમાં લશ્કરી ઇયળનો ઉપદ્રવ જોવા મળેલ છે. ખેડૂતોએ ઘઉંની વાવણી કરી છે અને કેટલાક ખેડૂતો કરી રહ્યા છે અને લશ્કરી ઇયળનો હુમલો જણાયો છે કે જે આગળ વિસ્તારમાં પણ ફેલાઇ શકે છે. આ લશ્કરી ઇયળ કે જે મકાઇમાં આવતી ચાર ટપકાં વાળી લશ્કરી ઇયળ કરતા થોડી જૂદા પ્રકારની છે, કહેવાય તો લશ્કરી ઇયળ (મીથીમીયા સેપરાટા). ઘઉંના વાવેતર સમય દરમ્યાન જે તાપમાન રહેવું જોઇએ તેના કરતા હાલ વિપરીપ તાપમાન જોવા મળે છે. હાલમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનનો ગાળો જે ઓછો રહેવો જોઇએ તેના કરતા વધારે રહે છે. આ વધારે પડતો રાત્રી-દિવસના તાપમાનનો તફાવત લશ્કરી ઇયળને વધવા ખૂબ અનૂકુળ રહ્યો. જો આ જ પરિસ્થિતિ રહેશે તો આનો પ્રકોપ વધવાની પુરે પુરી શક્યતા રહેલી છે, જેથી ઘઉં પકવતા ખેડૂતો ચેતતા રહે.
આ ઇયળો સમુહમાં રહી સેન્યની જેમ હુમલો કરી નુકસાન કરતી હોવાથી આનું નામ લશ્કરી ઇયળ પડી છે. આ ઇયળો દિવસે છોડની નીચે જમીનમાં કે તિરાડો કે નિદામણો વચ્ચે સંતાઇ રહે અને રાત્રી દરમ્યાન સતેજ થઇ પાકના પાન અને થડને ખાઇ નુક્સાન કરે છે. ખેડૂતો તરફથી મળતા સમચાર મુજબ આ ઇયળ એક ચોરસ ફૂટમાં ૬ થી ૧૦ની સંખ્યામાં જોવા મળી છે. જે ગામમાં આ ઇયળનો ઉપદ્રવ થયો હોય તો સામૂહિક ધોરણે પગલાં લેવાથી અસરકારક પરિણામ મેળવી શકાય છે.
જે વિસ્તારમાં આ ઇયળનો ઉપદ્રવ હોય ત્યાં પ્રકાશ પિજંર ગોઠવવું.
માદા ફૂદી સમુહમાં ઇંડા મૂકતી હોય છે, જો આવા ઇંડાના જથ્થા નજરે પડે તો તેમનો નાશ કરવો.
ઉપદ્રવની શરુઆતે જૈવિક દવાઓ જેવી કે બ્યુવેરિયા બેસિયાના દવાનો છંટકાવ કરવો.
ઘઉંની જૈવિક ખેતી કરતા ખેડૂતો લીમડા આધારિત દવાનો પ્રયોગ કરી શકે છે.
આ ઇયળ માટે કોઇ દવા ભલામણ કરેલ નથી પણ આવી અને થોડીઘણી મળતી આવતી અને તાજેતરમાં મકાઇના પાકને નુકસાન કરતી ચાર ટપકાંવાળી લશકરી ઇયળ માટે ક્લોરાન્ટ્રાનિલિપ્રોલ ૧૮.૫ એસસી દવા ૩ મિલિ અથવા સ્પીનેટોરામ ૧૧.૭ એસસી દવા ૫ મિલિ અથવા થાયોમેથોક્ષામ ૧૨.૬% + લેમ્બડા સાયહેલોથ્રીન ૯.૫% ઝેડસી દવા ૫ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે ભલામણ કરેલ છે, જે ફક્ત ખેડૂતોની જાણ માટે. સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર એક્સેલન્સ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.