આ શાળામાં શિક્ષક વગર વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે, છતાં ચોરી થતી નથી
અમદાવાદમાં વિંદવાડી પાસે આવેલી વી.વી. પટેલ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ એવી સ્કૂલ છે કે, જે શાળામાં પરીક્ષાના સમયે ક્લાસરૂમમાં માત્ર વિદ્યાર્થીઓ જ હોય છે અને તેઓ પરીક્ષા આપતા સમયે એક બીજા વિદ્યાર્થીની સાથે વાતચીત નથી કરતા, ચોરી નથી કરતા અને પરીક્ષાનું પેપર પૂરું થયા પછી તેઓ ઉત્તરવહી ટેબલ પર મૂકીને ઘરે જતા રહે છે.
વિદ્યાથીઓની ઈમાનદારી જોવા મળે શાળાના સંચાલકો અને શિક્ષકો દ્વારા ચાલુ વર્ષે સ્કૂલમાં લેવાયેલી યુનિટ ટેસ્ટ અને પ્રથમ સત્રની પરીક્ષામાં એક પ્રયોગ કરવાનું નક્કી કર્યું હતું. આ પ્રયોગમાં એવું હતું કે, પરીક્ષા સમયે કોઈ પણ શિક્ષક વિદ્યાર્થીઓ પાસે રહેશે નહીં અને પરીક્ષા દરમિયાન ક્લાસરૂમના CCTV કેમરાથી પણ વિદ્યાર્થીઓ નજર રાખવામાં આવશે નહીં. શાળાના શિક્ષકો દ્વારા 9થી 12 ધોરણના વિદ્યાર્થીઓ પર આ પ્રયોગ કરવામાં આવ્યો હતો.
વિદ્યાર્થીઓ જયારે પરીક્ષાખંડમાં આવ્યા હતા ત્યારે વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર, ઉત્તરવહી અને પુરવણી આપી દેવામાં આવી હતી અને પછી વિદ્યાથીઓ પરીક્ષા પૂરી કરીને ઉત્તરવહી ટેબલ ઉપર મૂકીને ઘરે પરત ગયા હતા. શિક્ષકો દ્વારા કરવામાં આવેલા આ પ્રયોગમાં તેમને મોટી સફળતા મળી હતી. શિક્ષકોના મોનીટરીંગ દરમિયાન એક પણ વિદ્યાર્થીએ પરીક્ષામાં ગેરશિસ્તનો કે ગેરરીતિ કરવાનો પ્રયાસ કર્યો નહોતો. આ પ્રયોગ પછી શાળાના શિક્ષકોનું કહેવું છે કે, આ પ્રયોગથી વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો થયો છે. વિદ્યાર્થીઓ પરીક્ષામાં એક બીજા સાથે વાત કરતા નથી અને તેમને આવડતું હોય એટલું જ વિચારીને લખે છે.
શાળા દ્વારા આ પ્રયોગ બાબતે વિદ્યાર્થીઓના વાલીઓને જાણ કરવામાં આવતા શાળામાં ધોરણ 10માં અભ્યાસ કરતી આફરીન શેખના પરિવારના સભ્યોએ તેને પ્રમાણિક દીકરીનું બિરુદ આપ્યું હતું. શાળાના પ્રયોગથી વિદ્યાર્થીઓ પણ કહી રહ્યા છે કે, અમે પ્રમાણિક છીએ અને અમે ક્યારેય ચોરી કરવાનું ઈચ્છતા નથી.