જમ્મુ-કાશ્મીરમાં ફરી આતંકી હુમલાનું ષડયંત્ર

જમ્મુ,તા:૧૨ નાપાક પાકિસ્તાન વૈશ્વિક થપાટો બાદ પણ ભારતમાં તેનો નાપાક ઈરાદો પાર પાડવામાં બાકી નથી રાખતું, જોવાનું એ છે કે તેમના બદઈરાદા સતર્ક સુરક્ષાદળોના કારણે લગભગ નિષ્ફળ જ જતા હોય છે. જમ્મુ-કાશ્મીર બોર્ડર પરના લખનપુરમાં આતંકીઓ ફરી એક હુમલાનું ષડયંત્ર બનાવતા હતા, પરંતુ સતર્ક સુરક્ષાબળોએ તેમને ઝડપી લીધા. મળેલી બાતમીના આધારે સુરક્ષાબળોએ ત્રણ આતંકીને 6 AK-47 અને ટ્રક સાથે ઝડપી લીધા છે.

એક ટ્રકમાં આતંકીઓ હથિયાર લઈને જઈ રહ્યા હોવાના ઈનપુટ મળતાં સુરક્ષાબળો સતર્ક થઈ ગયા હતા. મળેલી બાતમીના આધારે સુરક્ષાબળોએ હાઈવે પરથી ટ્રકને ઝડપી લીધી, જેમાં 3 આતંકીને 6 AK-47 સાથે ઝડપી લેવામાં આવ્યા. સુરક્ષાબળોએ ત્રણેય આતંકીને કસ્ટડીમાં સોંપ્યા છે, જ્યાં તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ આતંકીઓ ક્યાં હુમલો કરવાની ફિરાકમાં હતા અને ગ્રાઉન્ડ લેવલ પર તેમના સાથીદારો કોણ છે તે અંગે સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

 

આ ઉપરાંત ઝડપાયેલા તમામ આતંકીઓની ઓળખ અને તેઓ કયા આતંકી સંગઠન સાથે સંકળાયેલા છે તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે.