જામનગરમાં ટ્રાફિકના નવા નિયમોનો સખત પણે અમલઃ હજારોનો દંડ વસૂલાયો

જામનગર તા. ૧૭ઃ

જામનગર શહેર તથા રાજ્યભરમાં શરૃ કરવામાં આવેલી ટ્રાફિકના કડક નિયમો વચ્ચે આજે સવારથી જામનગર શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ તેમજ સિટી એ, બી અને સી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કડક કામગીરી હાથ ધરવામાં આવી હતી.

નગરના ડીકેવી સર્કલ, સરૃ સેક્શન રોડ, સાત રસ્તા સર્કલ, પવનચક્કી, દરબારગઢ બહારનો વિસ્તાર વિગેરે વિસ્તારોમાં પોલીસે જુદા જુદા વાહનચાલકોને અટકાવી જરૃરી કાગળો, હેલમેટ વિગેરેની ચકાસણી કરી હતી. તે ઉપરાંત મોટરમાં જતા લોકોના સીટ બેલ્ટ ઉપરાંત લાયસન્સ, પીયુસી વિગેરે પણ ચકાસવામાં આવ્યા હતાં. કેટલીક કારમાં લગાવવામાં આવેલી ડાર્ક ફિલ્મ અંગે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. જામનગર શહેરમાંથી પોલીસે કુલ ૧૫૦ જેટલા વાહનચાલકો સામે કાયદાકીય કાર્યવાહી કરી રૃા. ૯૦,૦૦૦ની રકમ દંડ સ્વરૃપે વસુલી હતી. જેમાં હેલ્મેટ, સીટ બેલ્ટ, ડાર્ક ફિલ્મ તેમજ ટુ-વ્હીલરમાં ટ્રીપલ સવારીના ગુન્હા સામે આવ્યા હતાં.