જાહેર માર્ગોના દબાણો સહેજ પણ સાંખી નહીં લેવા રાજકોટના નવા મ્યુનિસિપલ કમિશ્નરનો ગર્ભિત ઇશારો

રાજકોટ, તા. ૧૧ :. રાજ્ય સરકારે ટ્રાફીકના નવા નીતિ નિયમોની દંડની રકમની જાહેરાત કરી તેનો અમલ કરવાનુ જાહેર કર્યુ છે. જેમાં પાર્કિંગ, સ્પીડ વગેરેનો સમાવેશ થાય છે. અન્ય શહેરોની જેમ રાજકોટ  શહેરોમાં પાર્કિંગની મોટી સમસ્યા છે. શહેરના મોટા ભાગના મુખ્ય માર્ગો પર લારી, ગલ્લા, પાથરણાના દબાણોના કારણે  ટ્રાફીક સમસ્યા વકરી છે. અનેક માર્ગો પર ખાણીપીણીના ધંધાર્થીઓએ ફુટપાથનો ઉપયોગ ધંધાની વસ્તુઓ અને ટેબલ, ખુરશી રાખવા માટે કર્યો છે. શહેરના કેટલાય ચોકમાં અવારનવાર ટ્રાફીક જામ થઈ જાય છે. લોકો પાસેથી ટ્રાફીકના નિયમના ભંગ બદલ  દંડ વસુલતા પહેલા માર્ગો પરના દબાણો હટાવવા જોઈએ. નાના ધંધાર્થીઓની રોજગારી માટે હેકર્સ ઝોન જેવા વિકલ્પો અમલમાં મૂકવા માટેની પણ માંગણી થઇ રહી છે. રાજકોટના  મુખ્ય માર્ગો પર ટ્રાફીક વ્યવસ્થાના ભોગે દબાણો ન રહેવા જોઈએ તેવી  લોકમાગ ઉઠી પરહી  છે. નવા મ્યુનિસિપલ કમિશનર  ઉદિત અગ્રવાલે પણ ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ગંભીરતાથી સમસ્યાઓનો અભ્યાસ કરી રહ્યા છે. તંત્રને સાથે રાખીને ટ્રાફીકના નવા નિયમોના અમલ માટે મહત્વપૂર્ણ  ભૂમિકા ભજવવાનો ટ્રાફિક પોલીસને  નિર્દેશ કર્યો છે. જાહેર માર્ગો ઉપરના ગેરકાયદે દબાણો હટાવવા નજીકના ભવિષ્યમાં જ ઝુંબેશ શરૂ કરાશે. રાજકોટના રાજમાર્ગો ઉપર  રેંકડીઓ અને લારી-ગલ્લા રાખીને  બેરોકટોક ધંધો થઇ રહ્યો છે. દુકાનદારોએ પણ દુકાનોની બહાર સામાનના ખડકલા કરી દીધાં છે. મ્યુનિસિપલ કમિશનર  ઉદિત અગ્રવાલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, ટ્રાફીકના નવા નિયમોના પાલન માટે કોર્પોરેશન અને પોલીસ તંત્ર સંકલન કરીને કામગીરી કરશે. વરસાદને કારણે ખરાબ થઈ ગયેલા રસ્તાઓનું સમારકામ બને તેટલી ઝડપથી થાય તેવા પ્રયાસો થઇ રહ્યાં છે. ટ્રાફીકના નિયમોના પાલન અંગે લોકજાગૃતિ કેળવવા માટે પ્રયત્નો થશે. રસ્તા પરના દબાણો કોઈ સંજોગોમાં ચલાવવામાં આવશે નહી તેની સામે ટૂંક સમયમાં ઝુંબેશ શરૂ કરવામાં આવશે. પોલીસ અને કોર્પોરેશનની જનહિતની કામગીરીમાં લોકોનો સહકારની પણ તેમણે અપીલ કરી હતી.