જુહાપુરામાં સાવકા પિતાએ પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું

અમદાવાદ, તા.4
જુહાપુરા વિસ્તારમાં રહેતી 18 વર્ષીય યુવતિ સાથે સાવકા પિતાએ દુષ્કર્મ આચરતા વેજલપુર પોલીસે આરોપીની ધરપકડ કરી છે. જ્યારે સેટેલાઈટ વિસ્તારમાં રહેતી વિધવાનો પીછો કરી સંબંધી યુવકે રોડ પર અડપલા કરતા વસ્ત્રાપુર પોલીસે ફરાર આરોપી સામે ગુનો નોંધ્યો છે.
પતિના મૃત્યુ બાદ સંતાનો સાથે અન્ય વ્યક્તિ સાથે મહિલાએ ઘર સંસાર શરૂ કર્યો હતો. વિધવા મહિલા તેમજ તેના સંતાનો સાથે રહેતા શખ્સે દસેક દિવસ પહેલા એકલતાનો લાભ લીધો હતો. મહિલા અજમેર ખાતે ગઈ હોવાથી ઘરમાં હાજર 18 વર્ષીય પુત્રી સાથે બળજબરીપૂર્વક તેના સાવકા પિતાએ દુષ્કર્મ આચર્યું હતું. માતા ઘરે આવતા ઘટનાની જાણ કરતા વેજલપુર પોલીસ સ્ટેશનમાં યુવતિએ સાવકા પિતા સામે ફરિયાદ આપી છે.
પતિના નિધન બાદ સેટેલાઈટ વિસ્તારમાં એકલી રહેતી 35 વર્ષીય મહિલા સાથે તેમના એક સંબંધી યુવકે છેલ્લા કેટલાક સમયથી સંબંધો વધારવા પ્રયાસ કર્યો હતો. જો કે, મહિલા યુવકના ઈરાદા પારખી ગઈ હતી. ગઈકાલે ગુરૂવારે સાંજે યુવકે મહિલાના ઘરે પહોંચી ગયો હતો અને ગેરવર્તણૂંક કરી ગાળાગાળી કરી હતી. જેથી મહિલા ઘરની બહાર નિકળી જતા રોડ પર પીછો કરીને યુવકે છેડતી કરી હતી. મહિલાએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા વસ્ત્રાપુર પોલીસ સ્થળ પર પહોંચે તે પહેલા આરોપી ફરાર થઈ ગયો હતો.