ડીસા નજીકના જૂનાડીસા ગામના પવિત્ર ગણાતા ગંગાજીના વ્હોળામાં ડીસા નગરપાલિકા દ્વારા વર્મિ કમ્પોસ્ટ પ્લાન્ટની આડમાં બિન અધિકૃત રીતે ઘન કચરાનો નિકાલ થઈ રહ્યો છે. જે પ્લાન્ટમાં લાખોના ખર્ચે વસાવેલી મશીનરી અને વજન કાંટો પણ ગંદકીમાં ગરકાવ બની શોભાનો ગાંઠિયો પુરવાર થયા છે.
ડીસા નગરપાલિકા પાસે ઘન કચરાના નિકાલની ઘણી જગ્યાઓ છે તેમ છતાં ગ્રામજનોના વિરોધ વચ્ચે તત્કાલીન કલેકટરે વિવાદાસ્પદ રીતે પાલિકા જૂનાડીસા ગામના ગંગાજી વ્હોળા તરીકે ઓળખાતી સર્વે ન.૭૨૭ પૈકીની ૧૦ એકર જમીન ઘન કચરાના નિકાલ માટે ફાળવી દીધી છે. જેમાં સરકારના તમામ નીતિ નિયમો અને શરતોનો ભંગ થઈ રહ્યો છે તેમ છતાં પાલિકા દ્વારા આડેધડ ઘન કચરા સાથે મેડિકલ વેસ્ટ અને ગંદકી ઠલવાઇ રહી છે. એટલું જ નહીં, મૃત પશુઓ અને કાદવ કિચડ પણ ઠલવાય છે. જેની અસહ્ય દુર્ગંધથી હાઇવે ઉપર નીકળવું કઠિન થઈ પડ્યું છે. તેથી ગામમાં અવનવી બીમારીઓનો ઉપદ્રવ વધી જતાં ગ્રામજનોએ ધ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં કેસ દાખલ કર્યો છે. જે જ્યુડિશિયલ મેટર હોવા છતાં ખૂલ્લેઆમ ગંદકી ઠલવાઇ રહી છે. આ બાબતે ગામના યુવાને રોષ ઠાલવતા જણાવ્યું હતું કે સરકારી ધારા ધોરણ મુજબ ઘન કચરાનો યોગ્ય નિકાલ કરવાનો રહે છે પરંતુ ઉદ્ઘાટન બાદ ક્યારેય મશીનરી ચાલુ કરાઈ નથી. કોઈ અધિકારી ડમ્પિંગ સાઇટની મુલાકાતે આવે ત્યારે નામ પૂરતું પ્રોસેસીંગ કરાય છે. વર્મિ કમ્પોસ્ટ ( અળસીયા ખાતર) પ્લાન્ટના બોર્ડ લગાવ્યા છે પણ આજ દિન સુધી ખાતર બનાવ્યું નથી. વજન કાંટો છે પણ કચરાનું ક્યારેય વજન કરાતું નથી અને આડેધડ ડમ્પિંગ સાઇટની બહાર કચરાનો નિકાલ કરાતા તાજેતરમાં સરપંચે પાલિકાના ઘન કચરા નિકાલના અધિકારી અને કર્મચારી વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી હોવાનું ઉમેરી પાલિકા સરકારના કાયદાનું પણ ઉલ્લંઘન કરતી હોવાનો આક્ષેપ કર્યો હતો.
ઘન કચરાના યોગ્ય નિકાલ અને ખાતર બનાવવા લાખોના ખર્ચે મશીનરી ગોઠવી છે પણ તેનો ઉપયોગ ન થતા આ મશીનરી ખુદ પ્લાસ્ટિકના કચરામાં ગરકાવ થઈ ગઈ છે. જે બાબતને ગંભીરતાથી લઈ જવાબદાર તંત્ર કસુરવારોને કાયદાનું ભાન કરાવે તેવો જનમત પ્રવર્તે છે.
ગુજરાતી
English




