હિંમતનગર, તા.૧૪
હિંમતનગરને અડીને આવેલી ઝહિરાબાદ પંચાયતમાં રસ્તા પાણી અને ગંદકી બાબતે રજૂઆત કરવા ગયેલી આ વિસ્તારની મહિલાઓ સાથે મહિલા સરપંચના પતિ દ્વારા ઉદ્ધત અને તુમાખીભર્યું વર્તન દાખવ્યાનો વીડિયો વાયરલ થતાં તેમજ આ વિસ્તારની મહિલાઓએ ટીડીઓને લેખિતમાં રજૂઆત કરતાં મહિલા સરપંચના પતિની વિરુદ્ધમાં લોકોમાં રોષ ફેલાઈ જવા પામ્યો છે.
ઝહિરાબાદ પંચાયતના મહિલા સરપંચ નસીમબેન શફી મેમણની જગ્યાએ તેમના પતિ વહીવટ કરે છે. પંચાયત વિસ્તારમાં થયેલી ગંદકીથી ત્રાસી જઇ પંચાયત વિસ્તારના કિફાયતનગરની મહિલાઓ શુક્રવારે પંચાયત કચેરીમાં જઇ હલ્લાબોલ મચાવી દીધો હતો અને પંચાયતનો વહીવટ મહિલા સરપંચ વતી તેમના પતિદેવ મારફતે થતો હોવાનો આક્ષેપ કરી આક્રોશ વ્યક્ત કરી પંચાયતમાં બેસી કડદા કરવાનું બંધ કરી મહિલા સરપંચને કામગીરી કરવા દો અને તેમના દ્વારા જાહેર વિકાસના કામો હાથ ધરવા હલ્લાબોલ મચાવતાં મહિલા સરપંચના પતિદેવે ઉદ્ધત વર્તન કરી મહિલાઓને થાય તે કરી લેવાનો પડકાર ફેંકયો હતો અને જણાવ્યું કે, કલેકટર જોડે જવું હોય તો જાવ મને કોઇ ફેર નહીં પડે. સરપંચ દ્વારા મહિલાઓ સાથે દાખવવામાં આવેલ ઉદ્ધતાઇભર્યા વર્તનનો વીડિયો વાયરલ થતાં તંત્ર પણ હરકતમાં આવ્યું છે અને ટીડીઓ દ્વારા તપાસ સોંપવામાં આવી છે.
આ બાબતે હિંમતનગર તાલુકા વિકાસ અધિકારી અરવિંદ પટેલે જણાવ્યું કે, વાયરલ વીડિયો અને મહિલાઓની લેખિત ફરિયાદ મળી છે. તપાસ કરી મહિલા સરપંચ અને તેમના પતિ વિરુદ્ધ કાર્યવાહી કરાશે.