દાંતીવાડામાં સરકારી જમીનમાં પચાસ ફૂટ ઊંડો ખાડો ખોદીને કેમિકલ ઠલવાય છે

દાંતીવાડા, તા. 28 

દાંતીવાડા તાલુકાના વાવધારમાં સરકારી પડતર જમીનમાં અજાણ્યા ઈસમોએ પચાસ ફૂટ ઊંડો ખાડો ખોદી કેમિકલ ઠાલવતાં આજુબાજુના વિસ્તારમાં કેમિકલની તીવ્ર દુર્ગંધ ફેલાતાં ગામ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અજાણ તંત્રને ગામ લોકોએ જાણ કર્યા બાદ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.

દાંતીવાડાના વાવધાર ગામમાં છેલ્લા કેટલાય સમયથી અજાણ્યા ઈસમો દ્વારા સરકારી જમીનમાં ખાડાઓ ખોદી કેમિકલ ઠાલવાતા હોવાની અનેકવાર બુમરાણ ઊઠવા પામી છે,ત્યારે મંગળવારના સવારે જંગલ વિભાગને અડીને આવેલી સરકારી પડતર જમીનમાં કોઈ હિન્દીભાષી ઈસમો ટ્રકમાંથી બેરલો ઉતારી તેમાંથી કેમિકલ જમીનમાં ખોદેલા ખાડામાં ઠાલવતા હોવાની જાણ જિલ્લા કલેકટરને કરી હતી. જે બાદ કોઈ કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા ગામ લોકો કેમિકલની ભયંકર દુર્ગંધથી મોઢા પર રૂમાલ બાંધીને ફરવા મજબૂર બન્યા છે.

કેમિકલ હવા સાથે ભળતા ગામલોકોના આરોગ્ય સામે પણ ખતરો ઉભો થયો છે. અવારનવાર કેમિકલ વિસ્તારમાં ઠલવાતા જમીનની ફળદ્રુપતા સાથે પાણીના બોર,કૂવાને પણ ભારે અસર થઈ રહી  છે. ત્યારે જમીનમાં ખાડો ખોદી કેમિકલ ઠાલવનારા અજાણ્યા ઈસમો વિરુદ્ધ તપાસ હાથ ધરી કાર્યવાહ હાથ ધરવામાં આવે તેવી ગામલોકો માગ કરી રહ્યા છે.

ગામના ખેડૂતે જણાવ્યું કે ગામ નજીક સરકારી પડતર જમીનમાં 50 ફૂટ ઊંડો મોટો ખાડો ખોદી ચાર-પાંચ ટ્રકો દ્વારા કેમિકલ ઠલવાયું છે. જેના લીધે હાલમાં શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી  છે. કેમિકલની દુર્ગંધ ખૂબ ખતરનાક છે. ગામમાં રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી શકયતા છે. તંત્ર દ્વારા વહેલી તકે તપાસ કરી કાર્યવાહી કરાય તેવી માગ છે.