દારુ, બિયર અને દેશી દારૂ પિનારા કેમ વધી રહ્યાં છે ?

રાજ્‍યમાં દારૂબંધી પ્રવર્તતી હોવા છતાં છેલ્લા પાંચ વર્ષમાં રાજ્‍યમાં આટલા મોટા પ્રમાણમાં દારૂ કયા સંજોગોમાં પકડાયો ? રાજ્‍યમાં છેલ્લા પાંચ વર્ષમાં એટલે ૨૦૧૩-૧૪થી ૨૦૧૭-૧૮માં વિદેશી દારૂની ૩.13 કરોડ બોટલ પકડાય એટલે રૂ. 404 કરોડ પકડવામાં આવ્‍યો.

બિયરની બોટલો રૂ. 67 કરોડ બોટલો પકડાઈ. દેશી દારૂ રૂ. ૯.૨૯ કરોડ લિટર પકડાયો હતો.

દેશી દારૂના કેસોમાં ૫.૮૨ લાખ ગુના નોંધવામાં આવ્યા હતા. વિદેશી દારૂના ૯૦,૧૬૨ ગુના નોંધવામાં આવ્યા છે.  ૨૮,૨૩૯ વ્‍યક્‍તિઓ અને દારૂની હેરાફેરી કરતા ૭,૩૭૦ વાહનો પકડાયા. આટલી મોટી સંખ્‍યામાં દારૂ, વ્‍યક્‍તિઓ અને વાહનો પકડાય છે છતાં પણ આટલી મોટી સંખ્‍યામાં દારૂ ગુજરાતમાં આવે છે ક્‍યાંથી ?

દારુ પિનારા વધી ગયા 

ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા અને દાણીલીમડાના ધારાસભ્‍ય શૈલેષ પરમારે જણાવ્‍યું હતું કે, ૨૦૧૩-૧૪માં ૪૮ લાખ ૭૧ હજાર વિદેશી દારૂની બોટલો પકડાઈ, કાયદામાં ૧૦ વર્ષની સજાની જોગવાઈ અને પાંચ લાખના દંડની જોગવાઈ કરી તેમ છતાં ૨૦૧૭-૧૮માં ૭૭ લાખ ૮૨ હજાર એટલે ૩૦ લાખ કરતાં વધુ બોટલો વધારે પકડાઈ. કાયદો ઘડયા પછી, કાયદાનો અમલ થયા પછી પણ બુટલેગરોને જે ડર હોવો જોઈએ એ ડર ઓછો હોવાને કારણે આટલી સંખ્‍યામાં વિદેશી દારૂની બોટલ પકડાઈ. ભાજપ હોય કે કોંગ્રેસ હોય, સાત વાગ્‍યા પછી તમામ ધારાસભ્‍યો કે જેના વિસ્‍તારમાં દારૂનો ધંધો ચાલતો હોય ત્‍યાં સાથે રેડ પાડીએ તો ગુજરાતમાં દારૂબંધીનો અમલ થશે.

11 કરોડનો ગાંજો, અફિણ

મોટા મેટ્રો શહેરોની અંદર રાજ્‍યનું યુવાધન ખોટી રીતે વેડફાતું હતું એ હુક્કાબાર પોલીસતંત્ર દ્વારા બંધ કરાવવામાં આવ્‍યા, પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં રાજ્‍યમાં ગાંજો, ચરસ, બ્રાઉન સુગર, અફીણનો આશરે ૧૭૫૯૧.૬૮૪નો જથ્‍થો પોલીસ તંત્ર દ્વારા પકડવામાં આવ્‍યો એની કિંમત રૂ. ૧૧ કરોડ ૪૧ લાખ ૭૦ હજાર કરતાં વધુ થાય છે. રાજ્‍ય સરકારની અને પોલીસ તંત્રની આટલી મજબુત કામગીરી હોવા છતાં પ્રશ્નો ઉભા થાય છે, તેને પોલીસ તંત્રની નિષ્‍ફળતા ગણવી કે કેમ ? 

રાજ્‍ય સરકાર મહિલાઓની ચિંતા કરે છે, મહિલા સશક્‍તિકરણની વાતો કરે છે, બેટી બચાવો-બેટી પઢાઓની વાતો કરે છે, પરંતુ રાજ્‍યમાં છેલ્લા પાંચ વર્ષમાં બળાત્‍કારના ૪,૩૭૫ બનાવો બન્‍યા, જે ૨૦૧૩-૧૪ના પ્રમાણમાં ૧૮૩ બનાવો વધારે બન્‍યા છે. એવી જ રીતે અપહરણના બનાવો ૨૦૧૩-૧૪માં ૫,૨૯૧ બન્‍યા હતા, જે ૨૦૧૭-૧૮માં વધીને ૫,૫૨૯ થયા એટલે ૨૩૮ બનાવોનો વધારો થયો. અપહરણના કુલ ૨૭,૫૫૭ બનાવો નોંધાયા છે. રાજ્‍યમાં છેલ્લા પાંચ વર્ષમાં ૨,૪૦૮ સગીર દીકરીઓ ઉપર બળાત્‍કાર થયેલ છે અને સામુહિક બળાત્‍કારના ૯૬ બનાવો બન્‍યા છે. વર્ષ ૨૦૧૩-૧૪થી ૨૦૧૭-૧૮માં રાજ્‍યમાં સગીર વયની મહિલાઓને ભગાડી જવાના ૧૦,૩૪૫ બનાવો બન્‍યા છે. ૨૦૧૩-૧૪થી ૨૦૧૭-૧૮માં ચેઈન સ્‍નેચીંગના બનાવો ૩,૧૩૦ બન્‍યા હતા, જેમાં ૧૫૨ બનાવોનો વધારો નોંધાયો છે. મહિલાઓની છેડતીના બનાવો ૨૦૧૩-૧૪માં ૧,૨૯૭ બન્‍યા હતા, એ ૨૦૧૭-૧૮માં ૧,૩૩૫ નોંધાયા છે. ૨૦૧૩-૧૪થી ૨૦૧૭-૧૮માં ૬,૩૦૦ જેટલા બનાવો મહિલાઓની છેડતીના બન્‍યા છે.

આપણે જ્‍યારે મહિલા સશક્‍તિકરણની વાત કરતા હોઈએ ત્‍યારે મહિલાઓને પૂરતું રક્ષણ પૂરું પાડવું એ પોલીસતંત્રનું પહેલું પ્રાધાન્‍ય હોવું જોઈએ અને આવા બનાવો રોકવા માટે પોલીસતંત્રે પૂરતા પ્રયત્‍નો કરવા જોઈએ. રાજ્‍ય સરકાર ખાસ કરીને મહિલાઓની સુરક્ષા માટે ચિંતા કરે અને ગુનેગારો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરે. હમણાં એક કેસમાં વહેલામાં વહેલી તકે એટલે કે તાત્‍કાલિક કોર્ટની અંદર ગુનેગારને સજા અપાવી એવી રીતે દારૂના કેસોમાં, અફીણ અને ગાંજાના કેસોમાં પણ થાય તે જરૂરી છે તેવી માંગણી શ્રી શૈલેષ પરમારે સરકાર સમક્ષ કરી હતી.