દોઢ લાખ વાર જમીનનું કૌભાંડ, આશ્રમ મૂડીવાદી બની ગયો

ગાંધીજીના જ શબ્દોમાં, “કોચરબ અમદાવાદની પાસેનું નાનકડું ગામડું છે. અને આશ્રમનું સ્થાન એ ગામમાં હતું. કોચરબમાં મરકીએ દેખાવ દીધો. બાળકોને હું તે વસ્તીની મધ્યે સુરક્ષિત નહોતો રાખી શકતો. સ્વચ્છતાના નિયમો ગમે તેટલી સાવધાનીથી પાળતાં છતાં, આસપાસની અસ્વચ્છતાથી આશ્રમને અલિપ્ત રાખવું અસંભવિત હતું. કોચરબના લોકોની પાસે સ્વચ્છતાના નિયમોનું પાલન કરાવવાની અથવા તેમની આવે સમયે સેવા કરવાની અમારી શક્તિ નહોતી. અમારો આદર્શ તો એ હતો કે, આશ્રમ શહેર અથવા ગામથી અલગ રાખવું, છતાં એટલું દૂર નહીં કે ત્યાં પહોંચતાં બહુ મુશ્કેલી પડે. કોઈક દિવસ તો આશ્રમ આશ્રમરૂપે શોભે તે પહેલાં તેને પોતાની જમીન પર ને ખુલ્લી જગ્યામાં સ્થિર થવાનું હતું જ.”

56 વર્ષ પછી પતન

ગાંધીજીએ અમદાવાદથી દૂર આશ્રમ સ્થાપેલો જેમાં જમીન ખરીદીને આશ્રમ વસાવેલો હતો. 1916થી 1972 સુધીના 56 વર્ષમાં ગાંધીજીની આ પવિત્ર જમીન ચાંદીના ટૂકડા જેવી બની ગઈ હતી. તેથી કહેવાતા ગાંધીવાદીઓએ આ જમીન પર નજર બગાડવાનું શરૂ કર્યું હતું. પહેલાં આશ્રમના ભાગલા પાડીને 100 એકર જમીન વહેંચી લીધી હતી. જેમાં હરિજન સેવક સંઘ પાસે જમીન હતી તે પચાવી પાડવાનું શરૂ થયું હતું. પતન શરૂ થયું હતું. જેમાં પારાવાર કૌભાંડો થયા હતા અને તેથી તે અંગે તપાસ પંચ નિમવામાં આવ્યું હતું.

સૌથી મોટું જમીન કૌભાંડ

જે અંગે તપાસ કરવાની હતી તે તપાસ પંચ સમક્ષ અનેક પુરાવા સ્થાનિક લોકો એકઠા કરી રહ્યાં હતા. જેમાં એક હતું દોઢ લાખ વાર જમીન વેંચી મારવાનું સૌથી મોટું કૌભાંડ. આ તમામ જમીન હરિજન સેવક સંઘને આપવામાં આવી હતી. જે એક પછી એક વેંચવામાં આવી રહી હતી. જમીન કૌભાંડ કરનારા પ્રભુદાસ પટવારી હતી. જેને પછી મોરારજી દેસાઈએ રાજ્યપાલ બનાવ્યા હતા. નામ આપવામાં આવ્યું હતું, હરિજનોને મકાનો બનાવવા માટેની પ્લોટ આપવાની યોજના. પણ ખરેખર તો કે એક કૌભાંડ હતું. હરિજનો માટે જમીન આપવાની જાહેરાત કરાઈ હતી. પણ તે ગાંધીવાદીઓએ પચાવી પાડી હતી. બજાર ભાવ કરતાં સાવ નીચા દરે દોઢ લાખ વાર જમીન પચાવી પાડવામાં આવી હતી. જેની આજે (2018)માં બજાર ભાવ પ્રમાણે કૂલ કિંમત રૂ.750 કરોડથી રૂ.950 કરોડ થવા જાય છે.

મરકીના કારણે આશ્રમની જમીન ખરીદાઈ

આ જમીન અંગે ગાંધીજીએ તેમની આત્મકથામાં લખ્યું છે કે, “મરકીને મેં કોચરબ છોડવાની નોટિસરૂપે ગણી. શ્રી પૂંજાભાઈ હીરાચંદ આશ્રમની સાથે ઘણો નિકટનો સંબંધ રાખતા, ને આશ્રમની  ઝીણીમોટી સેવા શુદ્ધ, નિરભિમાન ભાવે કરતા. તેમને અમદાવાદના વહીવટનો બહોળો અનુભવ હતો. તેમણે આશ્રમને સારુ જોઈતી જમીન તરત શોધી લાવવાનું બીડું ઝડપ્યું. કોચરબની ઉત્તર દક્ષિણનો ભાગ હું તેમની સાથે ફર્યો. પછી ઉત્તર તરફ ત્રણચાર માઈલ દૂર ટુકડો મળે તો શોધી લાવવાનું મેં તેમને સૂચવ્યું. હાલ જ્યાં આશ્રમ છે તે જમીન તેઓ શોધી લાવ્યા. તે જેલની નજદીક છે એ મારે સારુ ખાસ પ્રલોભન હતું. સત્યાગ્રહઆશ્રમવાસીને કપાળે જેલ તો લખી જ હોય એવી માન્યતા હોવાથી જેલનો પડોશ ગમ્યો. એટલું તો હું જાણતો હતો કે, હંમેશાં જેલનું સ્થાન જ્યાં આસપાસ સ્વચ્છ જગ્યા હોય તેવે ઠેકાણે શોધવામાં આવે છે.”

આમ 37 એકર જમીન ગાંધીજીએ ખરીદીને આશ્રમની શરૂઆત કરી હતી.

ગાંધીજીએ લખ્યું છે કે, “આઠેક દિવસમાં જ જમીનનો સોદો કર્યો. જમીન ઉપર એકે મકાન નહોતું; એક પણ ઝાડ નહોતું. નદીનો કિનારો અને એકાંત તેને સારુ મોટી ભલામણ હતી. અમે તંબૂમાં રહેવાનો નિશ્ચય કર્યો. રસોડાને સારુ એક પતરાનું કામચલાઉ છાપરું બાંધવાનું ને ધીમે ધીમે સ્થાયી મકાન બાંધવાનો આરંભ કરવાનું ધાર્યું.”

ત્રણ સરવે નંબરની જમીન કોને અપાઈ

તે પૈકીની સાબરમતી આશ્રમ પાસેથી નિકળતો અને સુભાષબ્રીજ સાથે જોડતા 130 ફૂટના માર્ગ પર મોકાની આ જમીન આવેલી છે. તે સમયે પણ તે ચાંદીના ટૂકડા જેવી જમીન હતી આજે તે સોનના ચૂકડા જેવી જમીન થઈ ગઈ છે. આ જમીન કયા ગાંધીવાદીને આપવી તે નક્કી કરી લીધા બાદ તેની નાની જાહેરાત 6 જૂન 1972ના રોજ એક ગુજરાતી સમાચારપત્રમાં આપવામાં આવી હતી. જેમાં લખ્યું હતું કે, હરિજન આશ્રમ ટ્રસ્ટની જમીન રાણીપના સરવે નંબર 361, 362 અને 366 જે અંદાજે 1.50 લાખ વાર છે તે રહેઠાણ માટે નાના મોટા પ્લોટમાં વેચવાની છે. તે માટે હરિજન આશ્રમના જમીન વિભાગમાં આવીને મળવું. જમીનનો ભાવ શું રાખવામાં આવ્યો છે તે જાહેર કરાયું ન હતું.

શ્રીમંતોએ બંગલા માટે જમીન ખરીદી

આ જાહેરાત તો ખરેખર એક છેતરપીંડી હતી. કારણ કે તેમાંની મોકાની જમીન તો લાગવગીયા અને ગાંધી વિચારનો આંચળો ઓઢીને ફરતાં ઠગ લોકોએ અગાઉથી લઈ લીધી હતી. સુભાષ પુલની આસપાસની એ જમીનનો 1972માં એક વારનો ભાવ રૂ.200થી 300 હતો. જે જમીનનો ભાવ એક વારના રૂ.35 નક્કી કરાયા હતા. બજાર ભાવ કરતાં તે 10 થી 20 ટકા જ ભાવ ગણવામાં આવ્યો હતો. જેના 400 વારના પ્લોટ પાડી દઈને આપવાનું નક્કી કરાયું હતું. જેના પર આજે બંગલા ઊભા છે. આ જમીન પર એક પણ હરિજનને પ્લોટ આપવામાં આવ્યો ન હતો. અને જમીન હરિજનના ઉદ્ધાર માટે આપવામાં આવતી હોવાનું જાહેર કરાયું હતું. કોતરો વાળી જમીન હતી તે હરિજનોને આપવામાં આવી હતી. જેનો ભાવ એક વારનો રૂ.17 થી રૂ.25 નક્કી કરાયો હતો. જેને સમથળ કરવામાં બીજા એટલાંજ નાણાં ખર્ચવા પડે તેમ હતા.

ગાંધીજીના સિધાંતોનો જ ભંગ

જમીન આપવામાં આવી તેમાં ઘણી બનાવટી સોસોયટીના નામે આપવામાં આવી હતી. જે જમીન વેચવાની હતી તેની પ્રથમ માત્ર 10 ટકા રકમ ભરવાની હતી. બાકીની રકમ હપ્તાથી આપવાની હતી. તેથી શ્રીમંત ગાંધીવાદીઓએ એક નહીં અનેક પ્લોટ લઈ લીધા હતા. વળી આશ્રમના વ્યવસ્થાપકોએ આ જ જમીન ફક્ત સાડા ત્રણ રૂપિયામાં લીધી હતી. કહો કે પડાવી લીધી હતી. જે જમીન સરવે નંબર 288-2 જે 35,000 વાર જમીન હતી. આ જમીન હરિજન આશ્રમ પ્રયોગ સમિતિની માલીકીની હતી. જે જમીનનો મોટો હિસ્સો પ્રભુલાલ ગાંધી, છનાલાલ ગાંધી, કનુભાઈ ગાંધી વગેરેએ લઈ લીધી હતી. જે એક વારના રૂ.3.50ના ભાવે જમીન લેવામાં આવી હતી. આમાંથી એક પણ હરિજન ન હતા. મૂક સેવક કોઓપરેટીવ હાઉસીંગ સોસાયટીના નામે નોંધાવેલી હતી. જેમાં તમામ સભ્યો પાટીદારો હતા. જેને એક વારના રૂ.20ના ભાવથી 6 હજાર વાર જમીન આપી દેવામાં આવી હતી. તે પછી દલાલો મારફતે કેટલાંક લોકોને ફરીથી ઊંચા ભાવે વેચાણથી આપી હતી. જેમાં હરિજનો પણ હતા. તેનો મતલબ કે ગાંધીજીના આશ્રમની જમીન વેચવામાં પણ કાળા બજાર અને કાળા કામો થયા હતા. તે જમીનનો વેચાણનો દસ્તાવેજ તો મૂળ ભાવથી જ કર્યો હતો. તેમાં પણ ખોટું કરવામાં આવ્યું હતું. કાળાબજારના ભાવે જે જમીન ગઈ તે રૂ.22.25 લાખ ઉપજ્યા હતા. આ જમીનના નાણાં ગાંધીજીના સિદ્ધાંતની વિરૂધ વાપરવામાં આવ્યા હતા. કોઈ કોપરેટીવ હાઉસીંગ સોસાયટીના નામે જમીન લેતી વખતે તેમની બીજે ક્યાંય જમીન નથી એવું સોગંદનામું આપવું પડતું હતું. તેનો મતલબ કે ખોટા સોગંદનામાં પણ થયા હતા.

આવી 100 હેક્ટર કરતાં વધારે જમીન આશ્રમ પાસે હતી. આજે બે હેક્ટરથી વધું રહી નથી. બધી જમીન સગેવગે કરી નાંખવામાં આવી છે. ગૌશાળાની 1700 એકર જમીન તો આમાં ગણવામાં આવી નથી.

સત્યના પ્રયોગોમાં ઉલ્લેખ

સત્યના પ્રયોગોમાં ગાંધીજીએ આ પ્રમાણે લખ્યું હતું, “આ વખતે આશ્રમની વસ્તી વધી હતી. આશરે ચાળીસ નાનાંમોટાં સ્ત્રીપુરુષો હતાં. બધાં એક જ રસોડે જમતાં હતાં એટલી સગવડ હતી. યોજનાની કલ્પના મારી હતી. અમલનો બોજો ઉપાડનાર તો શિરસ્તા મુજબ સ્વ. મગનલાલ જ હતા.”

“સ્થાયી મકાન બન્યા પહેલાંની અગવડોનો પાર નહોતો. વરસાદનો મોસમ માથે હતો. સામાન બધો ચાર માઈલ દૂરથી શહેરમાંથી લાવવાનો હતો. આ અવાવરુ જમીનમાં સર્પાદિ તો હતા જ. તેવામાં બાળકોને સાચવવાનું જોખમ જેવુંતેવું નહોતી. રિવાજ સર્પાદિને ન મારવાનો હતો, પણ તેના ભયથી મુક્ત તો અમારામાંથી કોઈ જ નહોતાં, આજેયે નથી.”

“હિંસક જીવોને ન મારવાના નિયમનું યથાશક્તિ પાલન ફિનિક્સ, ટૉલ્સ્ટૉય ફાર્મ અને સાબરમતી ત્રણે જગ્યાએ કર્યું છે. ત્રણે જગ્યાએ અવાવરુ જમીનમાં વસવાટ કરવો પડયો છે. ત્રણે જગ્યાએ સર્પાદિનો ઉપદ્રવ સારો ગણાય. એમ છતાં હજુ લગી એક પણ જાન ખોવી નથી પડી, તેમાં મારા જેવા શ્રદ્ધાળુ તો ઈશ્વરનો હાથ, તેની કૃપા જ જુએ છે. ઈશ્વર પક્ષપાત ન કરે, મનુષ્યના રોજના કામમાં હાથ ઘાલવા તે નવરો નથી બેઠો, એવી નિરર્થક શંકા કોઈ ન કરે. આ વસ્તુને, અનુભવને બીજી ભાષામાં મૂકતાં મને આવડતું નથી. લૌકિક ભાષામાં ઈશ્વરની કૃતિને મૂકતાં છતાં હું જાણું છું કે તેનું ‘કાર્ય’ અવર્ણનીય છે. પણ જો પામર મનુષ્ય વર્ણન કરે તો તેની પાસે તો પોતાની તોતલી બોલી જ હોય. સામાન્ય રીતે સર્પાદિને ન મારતા છતાં સમાજે પચીસ વર્ષ લગી બચ્યા રહેવું, તેને અકસ્માત માનવાને બદલે ઈશ્વરકૃપા માનવી એ વહેમ હોય તો તે વહેમ પણ સંઘરવા લાયક છે.”

“જ્યારે મજૂરોની હડતાળ પડી ત્યારે આશ્રમનો પાયો ચણાઈ રહ્યો હતો. આશ્રમની પ્રધાન પ્રવૃત્તિ વણાટકામ હતું. કાંતવાની તો હજી શોધ જ નહોતી કરી શક્યા. તેથી વણાટશાળા પહેલી બાંધવી એવો નિશ્ચય હતો. એટલે તેનો પાયો ચણાઈ રહ્યો હતો.” ગાંધીજીએ સત્યના પ્રયોગોમાં આ લખ્યું હતું. ત્યારે તેમને ખબર ન હતી કે તે જે ઊભું કરી રહ્યાં છે તે એક દિવસ કૌભાંડોમાં ફેરવાઈ જશે. જ્યારે દાંડી કૂચ કરી ત્યારે જ તેમણે પોતાના ટ્રસ્ટની આ તમામ મિલકત અંગ્રેજ સરકારને આપી દીધી હતી. અંગ્રેજ સરકારે તે સ્વિકારી નહીં અટલે આશ્રમ વિખેરી નાંખ્યો હતો. પછી વિવાદો ઊભા થતાં આશ્રમ હરિજનોના ઉદ્ધાર માટે આપી દાવામાં આવ્યો હતો. પણ અહીં તો હરિજનોના નામે જમીનોનનો કાળો કારોબાર શરૂં થયો હતો.

અહિંસાના પૂજારી ગાંધીએ જીવોને મારવાનું પણ પસંદ ન હતું. ત્યારે તેમના અનુજનોએ અહીં તેમના જ સિધાંતોની હત્યા શરૂ કરી હતી. માણસાઈ પણ બાજુ પર મૂકી દીધી હતી.

ગાંધીજીએ મૂકેલી એક એક ઈંટ હવે પથ્થર દિલ માણસો વેચી રહ્યાં હતા. જ્યાં ગાંધીજી પોતે ખેતી કરતાં હતા તે જમીન ખાદીના કપડા પહેરેલા લોકોએ અંદરો અંદર પોતાની માલિકીની જમીન બનાવી લીધી હતી. ગાંધાજીના સિધાંતોની હત્યા ગાંધી આશ્રમમાં જ થઈ રહી હતી.

ગાંધીજીના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને તપાસ પંચની રચના કરી હતી. તે તપાસ પંચ સમક્ષ આ બધા જ પૂરાવા રજુ થવાના હતા. જેમાં ગાંધીવાદી આ ઠગ ટોળકીને કરતૂતો ખૂલ્લા પડવાના હતા. તપાસ પંચે હજુ સુધી કોઈ કાર્યવાહી શરૂ કરી ન હતી. પણ ઢલગાબંધ પૂરાવા હયાત હતા.