ગાંધીનગર,12
ગુજરાતના નવા મુખ્યસચિવપદે નિયુક્તિ પામવા માટે સિનિયર એવા ત્રણ સનદી અધિકારીઓ વચ્ચે તીવ્ર સ્પર્ધા સર્જાઈ છે. રાજ્યના હાલના મુખ્યસચિવ જગદીપ નારાયણ સિંહનું એક્સટેન્શન નવેમ્બરમાં સમાપ્ત થઈ રહ્યું છે, ત્યારે આ પદ પર નિયુક્ત થવા માટે ત્રણ ઓફિસર લોબિંગ કરી રહ્યા છે.




ગુજરાતમાં મુખ્યસચિવના ખરા હક્કદાર અરવિંદ અગ્રવાલ છે કે જેઓ નાણાવિભાગના અધિક મુખ્ય સચિવનો હોદ્દો ધરાવે છે. એ ઉપરાંત દિલ્હી ડેપ્યુટેશન પર ગયેલા ત્રણ અધિકારી અતનુ ચક્રવર્તી, મહાપાત્ર અને અનિલ મુકીમ મુખ્ય સચિવના દાવેદાર છે, પરંતુ તેઓનો ટેન્યોર દિલ્હીમાં જ પૂર્ણ થવાનો છે. આમ પણ દિલ્હીમાં સુપ્રીમ પદ મળ્યું હોવાથી આ ઓફિસર ગુજરાતમાં આવે તેવી શક્યતા નથી.
બીજી તરફ ગૃહવિભાગના અધિક મુખ્યસચિવ સંગીતાસિંઘ પણ મુખ્યસચિવનાં દાવેદાર છે, પરંતુ સરકાર તેમને આ પદ ઓફર કરે તેવી સંભાવના નહિવત્ હોવાથી વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્યસચિવ રાજીવકુમાર ગુપ્તા અને મહેસૂલ વિભાગના અધિક મુખ્યસચિવ પંકજકુમાર વચ્ચે તીવ્ર સ્પર્ધા છે.
નવેમ્બરમાં નિવૃત્તિ પછી જે.એન. સિંહને જો વધુ છ મહિનાનું એક્સટેન્શન ન મળે તો નવા મુખ્યસચિવપદે સંગીતાસિંઘ, રાજીવકુમાર ગુપ્તા અને પંકજકુમારનું નામ ચર્ચાઈ રહ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી માટે ચીફ સેક્રેટરીની પસંદગી કરવી મુશ્કેલ હોવાથી તેઓ હાઈકમાન્ડની મદદ મેળવી નવી વરણી કરશે તેવું લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજીવકુમાર ગુપ્તા હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજીક છે. મોદીની ગુજરાતની કેવડિયાની મુલાકાતની જવાબદારી તેમના માથે છે તેથી તેઓ આ સર્વોચ્ચ પદ માટે લોબિંગ કરી રહ્યા છે. બીજી તરફ પંકજકુમાર પણ દિલ્હીના સંબંધો સાથે લોબિંગ કરી રહ્યા છે.
રાજ્ય સરકારે નાણાવિભાગના અધિક મુખ્ય સચિવ અરવિંદ અગ્રવાલને ચીફ સેક્રેટરીપદે નિયુક્ત નહીં કરવાનું મન બનાવી લીધું છે, બીજી તરફ ગૃહવિભાગનાં અધિક મુખ્ય સચિવ સંગીતાસિંઘ આ પદ માટે ફિટ બેસે તેવાં નથી, તેથી કોઈ ત્રીજા જ ઓફિસરની લોટરી લાગી શકે છે. સચિવાલયનાં સૂત્રો કહે છે કે, મુખ્યસચિવ સામાન્ય રીતે નાણાં અથવા તો ગૃહવિભાગમાંથી આવતા હોય છે, એટલે કે રાજીવકુમાર ગુપ્તા કે પંકજકુમારને આ બંનેમાંથી કોઈ વિભાગની જવાબદારી મળે તો તેઓ આ સુપ્રીમ પદ માટે લાયક બની શકે તેમ છે.

English





You must be logged in to post a comment.