ધાનેરા, તા.૨૭
ધાનેરા મણીબેન હોસ્પિટલ નજીકથી સરકારી દવાના ખાલી પેકેટ મળી આવતા ચકચાર મચી ગઇ છે. જાહેર જગ્યા પર ખુલ્લામાં દવાના પેકેટ નાખવા મામલે તપાસની તજવીજ શરૂ કરી દેવાઈ છે. જો કે દવાનો આ જથ્થો પીએચસી વિભાગનો હોવાનું તપાસ દરમિયાન આવ્યું બહાર આવતા આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચી ગઇ છે.
ધાનેરા તાલુકામાં સરકારી દવા બિનવારસી મળતી હોવાના બનાવ વધી રહ્યા છે. અગાઉ ધાનેરા તાલુકાના કોટડા ગામે ખાડામાંથી દવાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જોકે આ ઘટનાની તપાસ પુરી થાય એ પહેલાં આજે ધાનેરા ખાતેની મણીબેન હોસ્પિટલ નજીક દવાનો જથ્થો રઝળી રહ્યો હોવાનો વિડીયો વાયરલ થતા ધાનેરા ખાતેના અર્બન હેલ્થ ઓફિસર મયુરભાઈ શ્રીવાસ્તવે ઘટનાસ્થળે દોડી જઇ દવાના ખાલી પેકેટ જપ્ત કરી તપાસ હાથ ધરી છે. ધાનેરા ખાતે દવા ખુલ્લામાં ફેંકવાના મામલે ધાનેરા ખાતેના તાલુકા આરોગ્ય અધિકારી પી.એમ. ચૌધરીએ કડકાઈ પૂર્વક કામગીરી હાથ ધરી છે. ધાનેરા તાલુકાના તમામ પેટા આરોગ્ય કેન્દ્રો તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્રો ઉપરાંત અન્ય આરોગ્ય કેન્દ્રો પર દવાના જથ્થાની યોગ્ય નોંધ રાખી રજીસ્ટર નિભાવવાની સૂચના અપાયા બાદ પણ આજે ધાનેરા શહેરી વિસ્તારમાંથી ૫૦૦ ગ્રામ જેટલી દવાના ખાલી પેકેટ જાહેર જગ્યા પરથી મળી આવતા કોઈ જાણી જોઈ આવી દવા ફેકતું હોય આવું તારણ બહાર આવી રહ્યું છે. આ મામલે મેડિકલ ઓફિસરે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ધાનેરા આરોગ્ય કેન્દ્ર પર આવતી દવાના બેન્ચ નંબર સાથે આ દવા મેચ થતી નથી એટલે બહારના આરોગ્ય કેન્દ્રોની દવા કોઈએ ધાનેરા ખાતે નાખી હોય તેવું જણાય છે. હાલ આ મામલો ચર્ચાની એરણે ચઢ્યો છે, ત્યારે ખાલી પેકેટ તેમજ દવા સાથેના જથ્થાને જપ્ત કરી આ મામલે તપાસ શરૂ કરાઇ છે. આ દવા ક્યા આરોગ્ય કેન્દ્રના જથ્થા સાથે મેચ થાય છે, તે અંગે હાલ ઊંડી તપાસ ચાલી રહી છે.