પલળી ગયેલી ગરીબોની કસ્તૂરીએ લોકોને રાતાપાણીએ રડાવ્યાં

અમદાવાદ, તા.૨૩
ગુજરાત બહારના અન્ય રાજ્યોમાંથી આવી રહેલી ડૂંગળીનાં સંગ્રહિત પાકમાં પચાસ ટકા પાક પલળી જવાના કારણે ભાવમાં પણ ભડકો થયો છે. જેના કારણે ગરીબોની કસ્તૂરીએ લોકોને રાતાપાણીએ રડાવ્યા છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વરસાદની સિઝન બાદ શાકભાજીના ભાવમાં અગાઉની સરખામણીએ અંદાજે પચાસ ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. એક મહિના પહેલા ડુંગળી બજારમાં દસ રૂપિયે કિલો વેચાતી હતી. જે આજે અંદાજે 60 રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહી છે. જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. આ ભાવ વધ્યો તેની પાછળનું કારણ આપતાં મહુવા એપીએમસીના પૂર્વ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ કહે છેકે ચાલુ વર્ષે વરસાદ જે રીતે પડ્યો તેના કારણે મહારાષ્ટ્ર અને કર્ણાટકથી આવી રહેલી ડુંગળી પલળી જતાં ખરાબ થઈ ગઈ છે. જેના કારણે સંગ્રહિત ડુંગળીનો પાક 50 ટકા પલળી ગયો, ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી પણ આજે લોકોને રડાવી રહી છે. કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વરસાદથી તહેવારોની મોસમમાં જ ડુંગળીનો ભાવ આસમાને પહોંચી ગયો છે. વરસાદના કારણે કારણે ડુંગળીનાં ભાવ વધ્યા હોવાનું કહેવાય છે અને તહેવારોના ટાણે જ ગુજરાતની ગૃહિણીઓને ડુંગળી ખરીદતી સમયે આંખે પાણી આવી જાય છે.

ભાવ વધારા પર કોઈ પ્રકારનું નિયંત્રણ નહિ :
ડુંગળી માટે મહારાષ્ટ્રનું લાસલગાંવ એશિયાનું મોટું બજાર ધરાવે છે. આ બજારમાં જ છેલ્લાં વીસ દિવસમાં ડુંગળીના ભાવ બમણાં થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. મુંબઈ અને દિલ્હી જેવા મોટા શહેરોમાં પણ ડુંગળીનો રિટેલ ભાવ 65 રૂપિયે કિલો પર પહોંચી ગયો છે. ચાર વર્ષ બાદ ફરી એકવાર ડુંગળીનાં ભાવમાં વધારો થતાં વેપારીઓની સાથે સાથે ખેડૂતોમાં પણ ચિંતા ફરી વળી છે.