પાણી માટે ખેડૂતોની ભૂખ હડતાલ

સોજિત્રા તાલુકાના બાલિન્ટા ગામના ખેડૂતોની સિંચાઇ માટેના પાણીની માંગણી વણસંતોષાયેલી રહેતા સોમવારે ગામના ખેડૂતોએ સોજિત્રા સિંચાઇ વિભાગની કચેરી સામે આમરણાંત ઉપવાસ આંદોલનનો પ્રારંભ કર્યો છે.

સોજિત્રા તાલુકાના બાલિન્ટા ગામની કેનાલમાં દર વર્ષે પાણી છોડવામાં સિંચાઇ વિભાગ દ્વારા ધાંધિયા કરાતા હોય છે. જેને લઇને ખેડૂતો ડાંગરની ખેતી સારી રીતે કરી શકતા નથી. ડાંગરની રોપણી કામમાં નહેરોમાં પાણી છોડાતું ના હોઇ ખેડૂતોને ડાંગરની રોપણી પંપના પાણીથી કરવી પડે છે. ત્યારબાદ પણ નહેરોમાં પૂરતા પ્રમાણમાં પાણી છોડાતું ના હોઇ ખેડૂતોને પંપનું પાણી લેવાની ફરજ પડી રહી છે. ચાલુ વર્ષે પણ સોજિત્રા સિંચાઇ વિભાગમાં બાલિન્ટાના ખેડૂતોએ લેખિતમાં રજૂઆત કરી નહેરમાં પાણી છોડવાની માંગ કરી હતી તેમ છતાં સિંચાઇ વિભાગે બાલિન્ટા ગામની નહેરમાં પાણી ન છોડાતા રોષે ભરાયેલા ખેડૂતો સોમવારે સોજિત્રા સિંચાઇ વિભાગની કચેરીમાં આવી પોતાનો રોષ ઠાલવ્યો હતો. જ્યાં સુધી નહેરોમાં પાણી છોડવામાં નહીં આવે ત્યાં સુધી આમરણાંત ઉપવાસ આંદોલન ચાલુ રાખવાની ચીમકી સાથે સિંચાઇ વિભાગની કચેરી સામે ભૂખ હડતાળ આદરી છે.

નહેરોમાં પાણી નહીં છોડાતા ખેડૂતોના ડાંગરનો પાક સદંતર નિષ્ફળ જાય તેવી સ્થિતિ ઉદભવી છે. ડાંગરની ખેતી નિષ્ફળ જાય તો ખેડૂતોને ભૂખે મરવાનો વારો આવે તેમ હોઇ બાલિન્ટા ગામની નહેરમાં વહેલી તકે પાણી છોડવાની અમારી માંગ છે. નહેરમાં છોડાતા પાણી કરતા માંગ વધુ રહેતા છેવાડાના વિસ્તારમાં પાણી પહોંચી શકતું નથી. બાલિન્ટા ગામમાં પણ આ જ સ્થિતિ દર વર્ષે ઉદભવે છે.