પાલનપુર નજીક ટ્રેનમાં પ મુસાફરોને બેભાન કરી લૂંટ ચલાવી 

મહેસુરથી અજમેર જતી રેલવે ટ્રેનમાં વસઇ નજીક મંગળવારે રાત્રે અજાણ્યા શખ્સે ટ્રેનના ડબ્બામાં બેઠેલા ૫ મુસાફરોને ઠંડા પીણામાં ઘેનયુકત પદાર્થ પીવડાવી દીધો હતો. જેઓ બેભાન બની જતાં આ શખ્સે તેમની પાસેથી સોનાની વિંટીઓ તેમજ રોકડ રકમની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. મહેસાણા રેલવે સ્ટેશને આ અંગેની જાણ થતાં રેલવે પોલીસે તમામ મુસાફરોને પાલનપુર રેલવે સ્ટેશને લાવી તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

મહેસુરથી મંગળવારે સવારે નીકળેલી અજમેર જતી ટ્રેન મંગળવારે રાત્રે વસઇ નજીક પહોચી હતી. તે સમયે ટ્રેનના ડબ્બામાં મુસાફરી કરી રહેલા એક મહિલા સહિત પાંચ જણાને અજાણ્યા શખ્સે વિશ્વાસમાં લીધા હતા. જેણે પોતાના ઘરે પુત્રનો જન્મ થયો છે. તેમ કહી પાંચ મુસાફરોને ઠંડા પીણામાં ઘેનયુકત પદાર્થ પીવડાવી દીધો હતો. આથી પાંચેય જણા બેભાન થઇ ગયા હતા. જે દરમિયાન આ શખ્સે મુસાફરોએ હાથની આંગળીએ પહેરેલી સોનાની વિંટીઓ તેમજ રોકડ રકમની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. આ ટ્રેન મહેસાણા રેલવે સ્ટેશને આવતાં અન્ય મુસાફરોએ બેભાન મુસાફરો અંગે રેલવે પોલીસને જાણ કરી હતી. આથી મહેસાણા રેલવે પોલીસના જવાનો બેભાન મુસાફરો સાથે પાલનપુર આવ્યા હતા. અને પાંચેય બેભાન મુસાફરોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા.