અમદાવાદ, તા:૧૪ પીયુસી (પોલ્યુશન અંડર કંટ્રોલ)નું પ્રમાણપત્ર ન હોય તો રુ.500ના દંડની જોગવાઇ થતા વાહનચાલકો દોડતા થઇ ગયા છે. પીયુસી સેન્ટર પર પીયુસી સર્ટિફિકેટ લેવા માટે લાઇનો લગાવી રહ્યા છે કારણ કે માત્ર 25 રુપિયામાં મળતા પીયુસી સર્ટીફિકટના અભાવે રુપિયા 500ના દંડની જોગવાઇ છે. આ સ્થિતિમાં ખરેખર પીયુસી સર્ટિફિકેટ સાચું હોય છે કે કેટલાંક સંજોગોમાં ચેડાં કરી બનાવવામાં આવે છે તે અંગે તપાસ કરવામાં આવી ત્યારે એવી પણ વિગતો મળી કે જ્યારે વાહનમાં પ્રદૂષણનું લેવલ થોડું વધારે હોય ત્યારે પીયુસી સેન્ટરના સંચાલકો તેની સાથે થોડા ચેડાં કરીને પ્રમાણપત્ર આપી દેતા હોય છે. પણ વાહનના એન્જિનમાં વધારે પ્રમાણમાં ખામી હોય અને ધૂમાડા નીકળતા હોય તેવા જ સંજોગોમાં વાહનચાલકને વાહનનું એન્જિન અન્ય સ્પેરપાર્ટસ યોગ્ય રીતે સર્વિસ કરીને ફરીથી આવવા માટે તાકીદ કરવામાં આવે છે. જો કે, પોલીસ પાસે સત્તા છે કે જો પીયુસી સર્ટિફિકેટ હોવા છંતાય, પણ જો વાહનમાંથી ધૂમાડા નીકળતા હોય અને પ્રદૂષણ થતું હોય તો તે વાહનચાલકને નવા નિયમ મુજબ રુ.500નો દંડ થઇ શકે છે.
આરટીઓ અધિકારી ડી એચ યાદવના જણાવ્યા મુજબ પીયુસી સર્ટીફિકેટ વાહનની ફિટનેશનો પુરાવો છે અને જો વાહનની ફિટનેશ યોગ્ય ન હોય તો તે પ્રદૂષણ ફેલાવે છે. તેવા સંજોગોમાં પીયુસી વિના ચલાવવું તે ગુનો બને છે. હાલ પણ સમગ્ર ગુજરાતમાં લાખો વાહનો પીયુસી સર્ટીફિકેટ વિના બિન્દાસ ફરે છે. નવા નિયમથી આ પ્રમાણ ચોક્કસ ઘટશે. જો કે પીયુસીના નોર્મ્સ મુજબ જ પીયુસી સર્ટીફિકેટ ઇસ્યુ થાય તે જરુરી છે. કેટલાંક સ્થળોએ જો વાહનના સામાન્ય ખામી હોય તો થોડું છેડછાડ કરીને પ્રમાણપત્ર આપવામાં આવતા હોવાની વિગતો મળી છે. નિયમ એવો છે કે જો પોલ્યુશનના લેવલથી થોડું પણ લેવલ અપ ડાઉન થાય તો પીયુસી સેન્ટરના સંચાલકોએ વાહનચાલકને તાકીદ કરીને વાહનના એન્જિનને યોગ્ય રીતે સર્વિસ કરાવવા માટે સુચન કરવું પડે છે. આરટીઓ પાસે આ પ્રકારના પીયુસી સેન્ટરના સંચાલકો સામે કાર્યવાહી કરવાની સત્તા પણ છે.
સેટેલાઇટ વિસ્તારમાં આવેલા એક પીયુસી સેન્ટરના સંચાલકે જણાવ્યું કે હાલ દિવસમાં 100 જેટલા વાહનો પીયુસી માટે આવી રહ્યા છે. તેવા સંજોગોમાં અમે થોડા આગળપાછળ કરીને સેટ કરી દઇએ છીએ. જેથી વાહનચાલકને મુશ્કેલી ન પડે. અને સાથેસાથે સુચન કરી દઇએ છીએ કે એન્જિન ચેક કરાવી લે. કારણ કે પોલીસને વાહન પોલ્યુશન ફેલાવે છે કે નહીં તેનાથી નહીં પણ પીયુસી સર્ટીફિકેટ સાથે છે કે નહીં તેનાથી મતલબ છે.
આમ, પીયુસી પ્રમાણપત્ર થોડા ચેડાં કરીને આપવામાં આવે છે તે વાત સ્પષ્ટ છે. જો કે આરટીઓ વિભાગ અને અન્ય પીયુસી સેન્ટરના સંચાલકો દાવો કરે છે કે વાહનના પોલ્યુશનના ડેટા સીધા ટેસ્ટ થઇને જ આવતા હોવાથી તેમાં ટેમ્પરિંગ થઇ શકે નહીં.
ગુજરાતમાં વાહનનો સંખ્યાના પ્રમાણમાં ઓછા પીયુસી સેન્ટર
સમગ્ર ગુજરાતમાં એક અંદાજ મુજબ 50 લાખથી વધારે વાહનો છે. જેમાં ટુ વ્હીલરથી માંડીને મોટા લોજિસ્ટિક વાહનોનો સમાવેશ થાય છે. માત્ર અમદાવાદમાં જ 10 લાખથી વધારે વાહનો છે. ત્યારે વાહનોમાં પીયુસી સર્ટિફિકેટ તમામ જગ્યાએ મળી રહે તે માટે ખાસ કરીને પંટ્રોલ પંપ પર પીયુસી સર્ટિફિકેટ સેન્ટર બનાવવામાં આવ્યા છે. પણ તે પુરતા નથી. આરટીઓ વિભાગના જણાવ્યા મુજબ સમગ્ર ગુજરાતમાં 450 જેટલા પીયુસી સેન્ટર્સ છે જ્યાં પેટ્રોલ અને સીએનજીના પીયુસીની કામગીરી થાય છે. તો ડિઝલ વાહનોના પીયુસી માટે 250 જેટલા સેન્ટર્સ આવેલા છે. જે વાહનનોની સરખામણીમાં ખૂબ જ ઓછા છે. હાલની સ્થિતિ મુજબ કુલ એક હજાર જેટલા પીયુસી સેન્ટર્સની જરુર છે. ખાસ કરીને ગુજરાતના નાના તાલુકાઓ અને શહેરોમાં પીયુસી સેન્ટરનો અભાવ છે. અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા જેવા શહેરોને બાદ કરતા મોટાભાગના શહેરોમાં લાખો વાહનો પીયુસી સર્ટીફિકેટ વિના ફરે છે. તેવા સ્થળોએ નિયમોનું છડે ચોક ઉલ્લંઘન પણ થાય છે. જો કે હવે આરટીઓના અધિકારીઓએ આ બાબતે સરકારને તાકીદ કરી છે કે સ્થાનિક ટ્રાફિક પોલીસ પણ સહયોગ આપીને આ પ્રકારના વાહનચાલકો સામે કાર્યવાહી કરે અને પીયુસી સેન્ટર પેટ્રોલ પંપ પર વધારવામાં આવે.
ડમ્પરથી માંડી શટલ રીક્ષાઓમાં પીયુસી વિના ચાલે છે
પીયુસી સર્ટિફિકેટ જરુરી છે કારણ કે તે વાહનની ફિટનેશનું પ્રમાણપત્ર છે. પણ મોટા શહેરોમાં અને હાઇવે પર બેફામ રીતે દોડતા ડમ્પરો અને શટલ રીક્ષાઓ બેરોકટોક રીતે નિયમોનો ભંગ કરે છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ પ્રકારની રીક્ષાઓ અને ડમ્પરો સૌથી વધારે નિયમોનો ભંગ કરે છે. જેમાં પીયુસી નથી હોતું તો મોટાભાગના ડ્રાઇવરો પાસે લાયસન્સ જ નથી હોતું. તેવામાં હવે 16મી સપ્ટેમ્બરથી નવા નિયમોમાં પોલીસે પહેલા આ પ્રકારના વાહનચાલકો સામે કાર્યવાહી કરવાની જરુર છે.
કેટલાંક સ્થળોએ પીયુસીના નામે ઉઘાડી લૂંટ
પીયુસી માટે રાજ્ય સરકારે ચોક્કસ ફી માળખુ નક્કી કર્યું છે. જેમાં ટુ વ્હીલર અને થ્રી વ્હીલર માટે રુ.25, પેટ્રોલ કાર માટે 50ર રુપિયા અને સીએનજી માટે વધારાના 50 રુપિયા. જ્યારે ડિઝલ વાહન માટે 100 રુપિયા નક્કી કરાયા છે. પણ કેટલાંક સ્થળોએ ટુ વ્હીલર માટે 30 થી 40 રુપિયા , કાર માટે 75 અને ડીઝલ પીયુસી માટે 150 જેટલા વસુલવામાં આવી રહ્યા છે અને હાલ મજબુરી હોવાથી લોકો રકમ આપી પણ રહ્યા છે.
પોલીસ જો નિયમના ભંગમાં તોડ કરશે તો આકરી કાર્યવાહીઃ પોલીસ અધિકારી
ભલે ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા સામે ઇ-મેમો સિસ્ટમ શરુ થઇ પણ ટ્રાફિક વિભાગમાં તોડપાણીનું પ્રમાણ ઘટ્યું નથી. આજે પણ વાહન ચેકિંગના નામે હાઇવે પર ટ્રાફિક પોલીસ દ્વારા બેરોકટોક ઉઘરાણી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં વાહન ટોઇંગ કરતા પોલીસ કર્મીઓ વાહન છોડાવવાના 300ના કાયદેસરના દંડની સામે 150 રુપિયા વસુલીને વાહન છોડી દેતા હોય છે. ત્યારે હવે નવા ટ્રાફિકના નિયમ મુજબ જો પીયુસી, આરસી બુક, વીમો, હેલ્મેટ સાથે નહીં હોય તો દંડની રકમ 2000 રુપિયા સુધી થાય તેમ છે. સ્વાભાવિક છે કે આ રકમ કોઇને પોસાય તેમ નથી. તેવામાં ઉચ્ચ પોલીસ અધિકારીઓને શંકા છે કે 100 થી 200 રુપિયાનો તોડ કરતા કેટલાંક પોલીસ કર્મીઓ હવે મોટા ઉઘરાણા કરી શકે છે. ત્ચારે હવે 16મી સપ્ટેમ્બરથી નવા નિયમનો અમલ થવાનો છે. તે પહેલાં સરકારના ગૃહવિભાગે રાજ્ય પોલીસ વડા દ્વારા તમામ જિલ્લા પોલીસ વડા અને પોલીસ કમિશનરને ખાસ તાકીદ કરી છે કે વાહનચાલકો પાસેથી દંડના બદલે તોડની રકમ વસુલતા પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી કરવી અને ખાસ કરીને જો પોલીસ કર્મચારીઓ નિયમોનું પાલન ન કરે તો તેમના સામે વિશેષ કાર્યવાહી કરીને દાખલો બેસાડવો.
20 જેટલા વાહનો નોન યુઝ જાહેર કરાયા છેઃ મુનિયા
અમદાવાદ આરટીઓના અધિકારી એસ. પી. મુનિયાએ જનસત્તા સાથે વાત કરતા સ્વીકાર કર્યો કે હાલ અમદાવાદમાં છેલ્લા આંકડા મુજબ 173 પીયૂસી સેન્ટર આવેલા છે. જે પ્રમાણમાં ખૂબ જ ઓછા છે. હાલ શહેરમાં 300થી 350 પીયૂસી સેન્ટરની જરૂર છે. જેની સંખ્યા વધારવામાં આવશે. જો પીયૂસીનો રિપોર્ટ એકવાર નેગેટિવ આવે તો પીયૂસી સેન્ટર દ્વારા સૂચન આપવામાં આવે છે અને ત્યારબાદ પણ જો વાહનમાં ફરીથી નેગેટિવ રિપોર્ટ આવે તો પીયૂસી સેન્ટરના સંચાલક વાહનના ડેટા આરટીઓ મોકલે છે અને તેના આધારે વાહનને નોન યુઝમાં મુકવામાં આવે છે. પાછલાં વર્ષ માં 20 જેટલા વાહનો નોન યુઝ જાહેર કરાયા હતા. અને ફરીથી યોગ્ય થતા નિયમિત કરવાની કામગીરી કરવામાં આવે છે.
વધુ ફી અંગે ફરિયાદ થઈ શકે છે
મુનિયાએ ઉમેર્યું કે પીયૂસી ના કારણે વાહનની ફિટનેસ અંગે ખ્યાલ આવે. જેથી પીયૂસી જરુરી છે. હવે 30 સપ્ટેમ્બર સુધી મુદત વધારવામાં આવતા વાહન ચાલકોને મુશ્કેલી નહિ રહે. તો પીયૂસી સેન્ટર દ્વારા જો નિયમ કરતા વધારે રૂપિયા લેવામાં આવતા હોય તો તે અંગે લોકો આરટીઓમાં ફરિયાદ કરી શકશે.
હાલ શહેરમાં 25% વાહનો પીયૂસી વિનાના
હાલ અમદાવાદ 10 લાખ જેટલા વાહનો છે. તેની સામે હજુ 2 લાખ જેટલા વાહનોમાં પીયૂસી નથી લેવાયા. એનું કારણ એ છે કે આ પૈકીના મોટાભાગના વાહનો 15 વર્ષ જૂના છે અને વાહનમાલિકો તેમના જોખમે ચલાવે છે. જો કે, હવે નવો કાયદો અમલમાં આવતા આ પ્રકારના પ્રદૂષણ ફેલાવતા વાહનો સામે કાર્યવાહી થતા તે અટકી જશે.