ગાંધીનગર : ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલ, સીએનજી, પીએનજીના વેચાણમાં રાજ્ય સરકારને વેલ્યુ એડેડ ટેક્સ (વેટ) પેટે પ્રતિવર્ષ અંદાજે 14000 કરોડની આવક થાય છે, એટલે કે પેટ્રોલ અને ડીઝલ તેમજ સીએનજી, પીએનજીમાં સરકાર ગુજરાતની જનતા પાસેથી આટલી મોટી રકમ ઉઘરાવી રહી છે, આમ છતાં સરકાર પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવો સામે રાહત આપવાના મૂડમાં નથી.
રાજ્ય વિધાનસભામાં નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રીએ જાહેર કરેલા લેખિત આંકડા પ્રમાણે 2017-18માં સરકારને પેટ્રોલ અને ડીઝલ પેટે વેટમાં 10700 કરોડ મળ્યા હતા. એટલું જ નહીં સરકારે જે સેસ લગાડ્યો છે તેનાથી 2000 કરોડનો વધારાનો ફાયદો થયો છે. એવી જ રીતે 2018-19માં સરકારને પેટ્રોલ અને ડીઝલ પેટે 11400 કરોડની વેટની આવક થઇ છે જ્યારે સેસની આવક 2400 કરોડ થઇ છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધે તેમ સરકારની વેટની આવકમાં વધારો થાય છે.
પેટ્રોલ અને ડીઝલ ઉપરાંત સરકાર સીએનજી અને પીએનજી ઉપર પણ ટેક્સ વસૂલ કરે છે. પાછલા વર્ષમાં સરકારને 1700 કરોડ અને ગયા વર્ષે સરકારને 1100 કરોડ રૂપિયાનો વેટ મળ્યો હતો. 1લી એપ્રિલ 2019 થી 31મી મે 2019 સુધીના બે મહિનામાં સરકારને પેટ્રોલ અને ડીઝલમાં 1700 કરોડ વેટ અને 400 કરોડ સેસ પેટે મળ્યા છે, જ્યારે સીએનજી અને પીએનજીમાં સરકારને 200 કરોડની આવક થઇ છે.
નાણામંત્રીએ વેટની ટકાવારીના આંકડા આપતાં કહ્યું હતું કે ગુજરાતમાં પેટ્રોલ પર 17 ટકા વેટ અને 4 ટકા સેસ છે. ડીઝલ પર 17 ટકા વેટ અને 4 ટકા સેસ છે. એટલે કે આ બન્ને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ ઉપર કુલ 21 ટકાનો વેટ છે જ્યારે સીએનજી અને પીએનજીમાં વેટના દર 15 ટકા રાખવામાં આવ્યા છે.
ગુજરાત સરકારની બે વર્ષ અને બે મહિનાના વેટની આવકના આંકડા જોતાં રાજ્યની જનતા પાસેથી કુલ 30,000 કરોડ રૂપિયાની રકમ વસૂલ કરી છે. પેટ્રોલિયમ પેદાશોને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)માં સમાવવાની દરખાસ્ત કેન્દ્ર સરકારે ગયા વર્ષે કરી હતી પરંતુ રાજ્યો તેમાં સહમત થતાં નથી, કેમ કે રાજ્યોને સૌથી વધુ આવક વેલ્યુ એડેડ ટેક્સથી મળે છે.