જળવાયુ પરિવર્તન અને વધતા જતા પ્રદુષણના પરિણામ સ્વરૂપે તેની અસર સામાન્ય લોકો ઉપર જ નહીં બલ્કે પાક ઉપર પણ થઈ રહી છે. કૃષિ મંત્રાલય દ્વારા સંસદીય સમિતિને લખવામાં આવેલા પત્રમાં કબુલાત કરી છે કે ઘઉં, મકાઈ, સરસીયા, બટાકા, કપાસ અને નારીયેળના પાક ઉપર પ્રદુષણ અને જળવાયુ પરિવર્તનની સીધી અસર થઈ રહી છે.
આગામી ૩૧ વર્ષોમાં ઘઉંની પેદાશમાં ૬-૨૩ ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે. સીધા શબ્દોમાં કહેવામાં આવે તો દરેક એક ડિગ્રી તાપમાનમાં વધારાની સાથે ઘઉંની પેદાશમાં છ હજાર કિલોગ્રામ સુધીનો ઘટાડો કરવામાં આવશે. આવી જ રીતે વહેલીતકે કોઈ પગલાં લેવામાં નહીં આવે તો અન્ય ઉત્પાદનમાં પણ ઘટાડો થશે.
બટાકાના ઉત્પાદનમાં પણ ૨.૫ ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે. મકાઈના ઉત્પાદનમાં ૧૮ ટકાનો ઘટાડો રહેશે. અનાજના ઉત્પાદનમાં ૪ થી ૬ ટકાનો ઘટાડો થશે. મંત્રાલયના રિપોર્ટમાં કહેવાયું છે કે અનાજના પાક ઉપર અસર બિલકુલ સ્પષ્ટ દેખાઈ રહી છે. આગામી વર્ષ સુધી જળ વાયુ પરિવર્તનના કારણે તેનું ઉત્પાદન ૪-૬ ટકા સુધી ઘટી શકે છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળમાં દુઘના ઉત્પાદન ઉપર પણ તેની અસર થશે.
૧.૬ મેટ્રીક ટન સુધી દુધના ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે છે. આ ઘટાડો એક વર્ષમાં રહેશે. જ્યારે ૨૦૫૦ સુધી ૧૫ મેટ્રીક ટન સુધી દુધના ઉત્પાદનમાં ઘટાડો થશે. મંત્રાલયે આ સમસ્યા સામે લડવા માટે કેટલાક વિકલ્પો પણ સૂચવ્યા છે. જેના ભાગરૂપે ખેડૂતોને પાકમાં વિવિધતા લાવવા તથા જુદી જુદી પ્રજાતિના પાકનું ઉત્પાદન કરવા કહેવામાં આવ્યું છે. પ્રદુષણમાં ૩૦ ટકા સુધીનો ઘટાડો કરવા કહેવામાં આવ્યું છે.