અમદાવાદ,તા.14
ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી કોલેજોમાં છેલ્લા કેટલાય દિવસોથી વિદ્યાર્થી સંગઠનો વચ્ચે વિવાદો ચાલી રહ્યા છે. તાજેતરમાં એનએસયુઆઇ દ્વારા અનેક કોલેજોમાં કેમ્પ યોજીને વિદ્યાર્થીઓને એનએસયુઆઇમાં જોડાવવા માટેના પ્રયાસ કર્યા હતા. એનએસયુઆઇએ આ માટે લોક સાહિત્યના કાર્યક્રમોનુ પણ કેમ્પસમાં આયોજન કર્યુ હતુ.મોટાભાગની કોલેજોમાં એનએસયુઆઇના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીનેતાઓ ફરી વળ્યા હોવાથી હવે એબીવીપીએ પણ ખાસ કરીને પૂર્વ વિસ્તારની અને સરકારી કોલેજોમાં આ પ્રકારના કાર્યક્રમો યોજીને વિદ્યાર્થીઓને એબીવીપીમાં જોડાવવા પ્રયાસો શરૂ કર્યા છે. બે દિવસ પહેલા નિકોલ વિસ્તારની સરકારીકોમર્સ કોલેજમાં ખુદ પ્રિન્સિપાલે ચાલુ વર્ગમાં એબીવીપીના પોસ્ટરો લગાવીને વિદ્યાર્થીઓને તેમાં જોડાવવા અપિલ કરતાં આ વાતની જાણ એનએસયુઆઇને થતાં તેઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો. આજે ફરીવાર એનએસયુઆઇના કાર્યકર્તાઓએ નિકોલ સરકારી કોલેજમાં જઇને ભારે હોબાળો મચાવીને પ્રિન્સિપાલના રાજીનામાની માંગણી કરી હતી. વિદ્યાર્થીસંગઠનોએ પોતાના કાર્યકરો વધારવા માટે ગળાકાપ સ્પર્ધા શરૂ કરી છે.
નિકોલની સરકારી કોલેજમાં એબીવીપીનો જાહેર કાર્યક્રમ
મોટાભાગની સ્વનિર્ભર કોલેજોમાં કોંગ્રેસ પ્રેરિત એનએસયુઆઇના કાર્યકર્તાઓએ જાહેર કાર્યક્રમો યોજીને જોરદાર પ્રચાર-પ્રસાર કર્યો હતો. જેના લીધો મોટાભાગની સ્વનિર્ભર કોલેજોમાં વિદ્યાર્થીઓ હાલ એનએસયુઆઇમાં જોડાઇ ચુક્યા છે અથવા તો જોડાઇ રહ્યા છે. એબીવાપીના કાર્યકર્તાઓ સ્વનિર્ભર કોલેજમાં જઇ શકતા ન હોવાથી તેઓએ મોટાભાગે ગ્રાન્ટેડ અને સરકારી કોલેજોમાં આ પ્રકારના કાર્યક્રમોનુ આયોજન શરૂ કર્યુ છે. જેના ભાગરૂપે બે દિવસ પહેલા નિકોલની સરકારી કોમર્સ કોલેજમાં એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
વિધાર્થીઓને એબીવીપીમાં જોડવા પ્રિન્સીપાલના પ્રયાસો, એનએસયુઆઈનો વિરોધ
સામાન્ય રીતે વિદ્યાર્થીસંગઠનોના કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપાલ ઉપસ્થિત રહેતા નથી. આ કોલેજમાં ખુદ પ્રિન્સિપાલે જ ચાલુવર્ગમાં વિદ્યાર્થીઓને ભેગા કરીને એબીવીપીના પોસ્ટરો લગાવીને લેક્ચર આપવાનુ શરૃ કર્યુ હતુ. જેમાં પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને રાષ્ટ્રવાદી અભિગમ ધરાવતા વિદ્યાર્થી સંગઠન એબીવીપીના જોડાવવા રીતસરનો પ્રચાર શરૂ કર્યો હતો. આ તમામ કાર્યવાહી કેટલાકવિદ્યાર્થીઓએ મોબાઇલમાં રેકર્ડ કરી લીધી હતી. આ વિડીયો વાયરલ થતાં ભારે હોબાળો મચી ગયો હતો. એનએસયુઆઇનાકાર્યકર્તાઓએ બે દિવસ પહેલા કોલેજમાં જઇને ભારે હોબાળો અને હંગામો કરીને કોઇપણ સંજોગોમાં પ્રિન્સિપાલના રાજીનામાનીમાંગણી કરી હતી. આજે ફરીવાર એનએસયુઆઇના કાર્યકરો નિકોલ સરકારી કોમર્સ કોલેજમાં પહોંચી ગયા હતા. જયાં જઇને ભારે સૂત્રોચ્ચાર કરવા ઉપરાંત પ્રિન્સિપાલ સાથે જીભાજોડી કરીને આ પ્રકારના કાર્યક્રમો ન યોજવા ચીમકી આપી હતી. એનએસયુઆઇના કાર્યકરો કહે છે કે એબીવીપી પોતાની તાકાત પર સભ્યો બનાવી શકતાં ન હોવાથી સરકારી મશીનરીનો સહારો લે છે. એટલુ જ નહી વિદ્યાર્થી કાર્યકર્તાઓએ જયાંસુધી પ્રિન્સિપાલ રાજીનામુ ન આપે અથવા તો માફી ન માંગે ત્યાસુધી આંદોલન ચાલુ રાખવાની પણ જાહેરાત કરી હતી.
વિદ્યાર્થીસેનેટની ચૂંટણી રોકવા એબીવીપીએ પરીક્ષા પાછી લઇ જવાનુ નાટક કર્યુ – એનએસયુઆઇ
ગુજરાત યુનિવર્સિટીમાં ગઇકાલે એબીવીપીના કાર્યકર્તાઓએ ભારે હોબાળો મચાવીને બી.એસસી સેમેસ્ટર 5ની પરીક્ષા પાછળ લઇ જવાની માંગણી કરી હતી યુનિવર્સિટીના કુલપતિએ આ વિદ્યાર્થીસંગઠના સામે ઘુંટણ ટેકવી દઇને પરીક્ષા પાછળ લઇ જવાની જાહેરાત કરી દીધી હતી. આ મુદ્દે એનએસયુઆઇએ વિરોધ કર્યો છે. એનએસયુઆઇના કાર્યકર્તાઓ કહે છે આગામી દિવસોમાં વિદ્યાર્થીસેનેટની ચૂંટણી જાહેર થવાની છે. ટૂંક સમયમાં યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીસેનેટની ચૂંટણી માટેની તારીખો જાહેર કરવામાં આવનાર છે ત્યારે અચાનક એબીવીપીએ પરીક્ષા પાછળ ધકેલવાનુ નાટક શરૂ કર્યુ છે. ખરેખર એબીવીપીના કાર્યકર્તાઓવિદ્યાર્થીસેનેટની ચૂંટણીમાં હારી જાય તેમ હોવાથી તેઓ છેલ્લા ત્રણ વર્ષથી વિદ્યાર્થીસેનેટની ચૂંટણી થાય તેવુ ઇચ્છતાં નથી. પરિણામે કોઇને કોઇ કારણોસર ચૂંટણી ન થાય અથવા તો પાછી ઠેલવી પડે તેવા પેંતરાઓ રચતાં રહે છે.