બાયડ બેઠક પર જીતની ચાવી ઠાકોર(ક્ષત્રિય) સમાજના હાથમાં

મોડાસા, તા.૨૩

2.31 લાખ મતદારો ધરાવતી બાયડ વિધાનસભા બેઠકની આખરે પેટાચૂંટણી જાહેર થઈ ગઇ છે. 2017માં કોંગ્રેસમાંથી ધવલસિંહ ઝાલા જીત્યા હતા. 2019માં ધવલસિંહ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાતાં આ બેઠક ખાલી પડતાં 21મી ઓક્ટોબરે ચૂંટણી યોજાશે અને 24મી ઓક્ટોબરે તેનું પરિણામ જાહેર થશે. બેઠક પર સૌથી વધુ મતો ઠાકોર (ક્ષત્રિય) સમાજના હોવાથી પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. જિલ્લા ભાજપના હોદ્દેદારો અને પાર્ટીના વફાદાર ગણાતા કાર્યકરોને રવિવારે ગાંધીનગરથી તેડુ આવ્યું હતું અને પ્રદેશ કક્ષાએ તેમની સાથે વાટાઘાટો થઇ ચુકી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવાર પાસેથી કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયમાંથી ઉમેદવારીના દાવેદારો માટે પાર્ટીમાંથી માહિતી મંગાવાઇ નથી. તેમણે પણ તેડું આવવાનું હોવાનુ જાણવા મળ્યુ હતું.

ભાજપમાંથી ધવલસિંહ અને કોંગ્રેસમાંથી મહેન્દ્રસિંહ સામે સીધા જંગના એંધાણ-

કોંગ્રેસમાંથી સીધો છેડો ફાડી ભાજપમાં જોડાનાર ધવલસિંહ ઝાલા ગત વિધાનસભાની ચૂંટણીમા કોંગ્રેસમાથી બહુમતીથી ચુંટાયા હતા. પરંતુ પાર્ટીથી નારાજ થઇને તેઓ ભાજપમાં જોડાઇ જતાં હાલ તેઓ ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં ઉતરવાના હોવાનું નિશ્ચય હોવાનું ભાજપના સુત્રોમાંથી જાણવા મળ્યું હતું. બાયડ વિધાનસભા બેઠક ઉપર સતત બે વાર કોંગ્રેસમાથી બહુમતીથી ચૂંટાઇ આવનાર મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો સાથે સીધો ઘરોબો ધરાવે છે. બાયડ વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસ પાર્ટી અત્યારે મહેન્દ્રસિંહ વાઘેલાને ઉતારે તેવા એંધાણ ઉભા થયા છે. આ બેઠક ઉપર ક્ષત્રિય મતદારોનો દબદબો હોવાથી છેલ્લી ઘડીએ કોંગ્રેસ ભાજપમાં ઉમેદવાર માટે ભૂકંપ સર્જાય તેવું આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

2017માં ધવલસિંહ ઝાલા 7901 મતોથી જીત્યા હતા
આ બેઠક પર 2017 માં કોંગ્રેસના ઉમેદવાર ધવલસિંહ ઝાલા 7901 મતોથી ચૂંટાઈ આવ્યા હતા અને તે પછી કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર આ બેઠકના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના રાજીનામાંથી આ બેઠક ખાલી પડી હતી.

બાયડ બેઠક પર કોંગ્રેસનો દબદબો
શંકરસિંહ વાઘેલાએ સૌપ્રથમ 2006માં મેઘરજ-માલપુર વિધાનસભા બેઠક માટે પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાને ચૂંટણી જંગમાં ઉતારતા તેઓ પ્રથમવાર 12000 ઉપરાંત મતોથી વિજય થયા હતા. બાદમાં 2012માં બાયડ-માલપુર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને માત આપી મહેન્દ્રસિંહ વાઘેલા 36000 હજાર ઉપરાંત મતોથી કોંગ્રેસમાંથી જીત્યા હતા. ત્યારે મહેન્દ્રસિંહને સૌથી વધુ મત બાયડ તાલુકામાંથી મળ્યા હતા. 2017માં ધવલસિંહ ઝાલા 7901 મતોથી કોંગ્રેસમાંથી વિજયી થયા હતા. કોંગ્રેસનો ગઢ ગણાતા એવા બાયડ અને માલપુર તાલુકામાંથી ધવલસિંહ ઝાલાને 2017માં કોંગ્રેસમાંથી 7901 મતોથી વિજય જાહેર કરાયા હતા.

ભાજપના દાવેદારો
1. ધવલસિંહ ઝાલા
2. ભૂપતસિંહ સોલંકી
3. અદેસિંહ ચૌહાણ
4. ડો.મહેન્દ્રભાઇ પટેલ
5. અશોકસિંહ ઠાકોર(યુવા બક્ષીપંચ કાર્યકર)

કોને ટિકિટ મળી શકે
1. મહેન્દ્રસિંહ વાઘેલા
2. માનવેન્દ્રસિંહ સોલંકી
3. જશુભાઇ એસ.પટેલ
4. ભાથીભાઇ સાંકળાભાઇ ખાંટ
5. અશોકસિંહ ઝાલા

2017ની ચૂંટણીનું પરિણામ

નામ પક્ષ મળેલમત
ધવલસિંહ ઝાલા કોંગ્રેસ 79556
ચૌહાણ અદેસિંહ ભાજપ 71655
નોટા —– 3252

જ્ઞાતિ આધારિત મતદારો

ઠાકોર(ક્ષત્રિય) 1,26,000
ચૌધરી(આંજણા) 9000
કડવા પાટીદાર 16000
લેઉવા પાટીદાર 15000
દલિત મતદારો 12000
મુસ્લિમ સમાજ 5000
ઇત્તર મતદારો 48,300
કુલ મતદારો 2,31,300