ભાજપના નેતા દારૂ પીધેલી હાલતમાં પકડાયા

રાજકોટના મોરબીના શનાળા રોડ પર આવેલા સ્કાય મલ્ટીપ્લેક્સ સીનેમામા ગત રાત્રીના અગ્યારેક વાગ્યે ભાજપના નેતા અને પૂર્વ મોરબી નગરપાલિકા પ્રમુખ લલીત જેરામ કામરીયા પીધેલી હાલતમાં ફિલ્મ જોવા ગયા હતા. વધુ પ્રમાણમા નશો કરેલી હાલતમા રહેલા આ ભાજપના આગેવાનને સિનેમા સલામતી પક્ષકોએ  અટકાવ્યા હતા. પરંતુ શરાબ અને સત્તાના નશામાં મદ આગેવાને ત્યાં જ રોફ જમાવવાનું શરૂ કરી દીધું હતું. સિક્યોરીટીએ આ યોગ્ય ન હોવાનુ જણાવી સિનેમાની બહાર જતુ રહેવા કહ્યું હતું. પરંતુ ભાજપના પૂર્વ પાલિકા પ્રમુખ લલીત કામરીયા ઉશ્કેરાઈ ગયા હતા. પોતે ભાજપના આગેવાન છે સિનેમા બંધ કરાવી દેશે તેવી ધમકીઓ આપી હતી. રાજકીય રોફ બતાવવા માંડ્યા હતા.

આ સમયે દશામાનું જાગરણ હોવાથી મોટી સંખ્યામાં મહિલાઓ પણ હાજર હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ હેતુથી અંતે સીક્યોરીટી એજન્સીએ સતર્કતા વાપરી મોરબી એ ડિવીઝન પોલીસને જાણ કરી હતી. એ ડિવીઝન પોલીસે કોઈ જાતનો પક્ષપાત રાખ્યા વિના જ દારૂ ઢીંચીને રોફ જમાવતા ભાજપના પુર્વ પાલિકા પ્રમુખ લલીત કામરીયાને પકડી લઈને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. પોલીસ સ્ટેશને લઇ જવાતાં જ સ્થાનિક ભાજપના કેટલાક આગેવાનોએ પોલીસ પર દબાણ કર્યું હતું. પરંતુ પોલીસે રાજકીય ભલામણોને વશ થયા વગર કાયદો બધા માટે સરખો તેવો સંદેશ આપી પૂર્વ પાલિકા પ્રમુખ લલીત કામરીયા વિરુદ્ધ દારુબંધી કાયદા મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.