ગુજરાત વિધાનસભાના શિયાળું સત્રનો પ્રારંભ થયો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આજે સત્યાગ્રહ છાવણીથી વિધાનસભા કૂચ કરવામાં આવી હતી. દરમિયાન પોલીસે વોટર કેનનથી પાણીનો મારો ચલાવ્યો હતો. દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપી સર્જાઈ હતી. તેમાં એક તબક્કે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા પોલીસ વચ્ચે છૂટીને રીતસરના નાસ્યા હતા. જોકે ત્યારબાદ તેઓ પોલીસમાં ફસાતા ઝપાઝપી દરમિયાન તેનાના કપડાં ફાટ્યા હતા. એ જ હાલતમાં તેમની અટકાયત કરાઈ હતી. ત્યારબાદ તેમને મુક્ત કરાતા તેઓ તૂટેલા કપડાં પહેરેલી હાલતમાં જ વિધાનસભા ગૃહમાં પ્રવેશ્યા હતા. દરમિયાન મીડિયા દ્વારા તેમને ફાટેલા કપડાં જતાં જોઈને એમને એમ કેમ જાવ છો પૂછતા પોલીસે આવું કર્યું છે તો વિધાનસભા જવા એવાને એવા જ જવુ પડશેને તેમ તેમણે જણાવ્યું હતું.
પોલીસે અટકાયત બાદ મુક્ત કરતા અમિત ચાવડા તૂટેલા કપડાંમાં જ વિધાનસભા ગૃહ પહોંચ્યા હતા. દરમિયાન તેમણે વિધાનસભાના પ્રાંગણમાં મીડિયાને જણાવ્યું હતું કે, બિન સચિવાલય પરીક્ષા રદ કરવા વિધાનસભા કૂચનો કાર્યક્રમ આપ્યો હતો. સાથે સાથે આર્થિક પાયમલ થયેલા ખેડૂત માટે લડી રહ્યા છે ત્યારે પાક વીમા તેનો અધિકારી છે ત્યારે ખેડૂતોના હક અધિકાર. મહિલા પર અન્યાય અને અત્યાચાર થઈ રહ્યો છે, બળાત્કારના બનાવો વધી રહ્યા છે. ત્યારે મહિલાઓના સુરક્ષા અને સ્વમાનની વાતને લઈને 6 હજારથી વધારે પ્રાથમિક શાળાઓ બંધ કરી સરકાર શિક્ષણનું નખ્ખોદ વાળવા બેઠી છે ત્યારે શિક્ષણની વાતને લઈને, મંદી, મોંઘવારી અને ચારેય તરફ વ્યાપેલા ભ્રષ્ટાચારથી ત્રસ્ત પ્રજાની વેદનાને વાચા આપવા વિધાનસભા કૂચ કરી રહ્યા હતા ત્યારે સરકારે પોલીસને આગળ કરીને લોકો પર દમન ગુજારવામાં આવ્યું છે. અત્યાચાર થયો છે. લાઠીઓ મારવામાં આવી છે, પાણી મારવો કરવામાં આવ્યો છે, કપડાં ફાડવામાં આવ્યા છે. અનેક બહેનો સાથે દુર્વ્યવહાર થયો છે. પત્રકાર મિત્રોને પણ ઘક્કે ચડાવવામાં આવ્યા છે. એવા સંજોગોમાં સરકાર કોઈનો અવાજ સાંભળવા નથી માંગતી, કોઈએ તેમની સામે બોલે નહીં એવું અત્યાચારી શાસન ચાલી રહ્યું છે. ગઈકાલ રાતથી જ અલગ અલગ આગેવાનોને ઘરે મોકલીને ઘરપકડ કરવામાં આવી. આખા ગુજરાતમાંથી ગાંધીનગર આવતા લોકોને પોલીસ રોકી રહી છે. શું બંધારણે લોકોને પોતાની વાત કહેવાનો અધિકાર નથી આપ્યો? શું બંધારણે પોતાની અભિવ્યક્તિ કરવાનો અધિકાર નથી આપ્યો? શું બંધારણ મુજબ કોઈ વ્યક્તિ પોતાનો વિરોધ વ્યક્ત ન કરી શકે? પોતાની વાત રજૂ ન કરી શકે? પોતાનો વિચાર રજૂ ન કરી શકે? તેનો સ્પષ્ટ મતલબ છે કે સરકાર બંધારણને બાજુ પર મૂકીને અંગ્રેજોના રાહે ચાલીને સરમુખત્યારશાહીનું શાસન કરી રહી છે. ગાંધી સરદારનું ગુજરાત છે. આ ગુજરાતના લોકો અંગ્રેજોથી નથી ડર્યા તો ગોરા સામેની લડાઈ પણ અહીંથી લડ્યા હતા. નવા અંગ્રેજો સામેની લડાઈ ગુજરાતથી લડાશે.