ભાવનગર સિવાયની નગરપાલિકા, મ્યુનિસિપલ કોર્પોરેશનની પેટાચૂંટણીમાં ભગવો બાજપનો વિજય થયો છે. પ્રદેશ પ્રમુખ જીતેન્દ્ર વાધાણી પોતાના વિસ્તાર ભાવનગરને સાચવી શક્યા નથી. તેઓ હવે ભાજપ પરથી પકડ ગુમાવી રહ્યાં છે.
રાજકોટ મહાનગર પાલિકાના વોર્ડ નંબર-13માં ખાલી પડેલી એક બેઠક સહિત રાજ્યમાં વિવિધ પાલિકાઓ અને નગરપાલિકાઓમાં રવિવારે પેટા-ચૂંટણી યોજાઈ હતી. પેટા ચૂંટણીમાં મોટા ભાગની જગ્યાએ ભાજપના ઉમેદવારોની જીત થઈ છે. રાજકોટમાં વોર્ડ નંબર-13માં ભાજપના ઉમેદવારની જીત થઈ છે. આ બેઠક પર નાટ્યાત્મક રીતે કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા ચૂંટણી એકતરફી બની ગઈ હતી. આ બેઠક પર ભાજપના ઉમેદવાર નીતિન રામાણીનો વિજય થયો છે.
પેટા ચૂંટણીઓમાં વિજય બાદ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, જસદણની પેટા ચૂંટણી લોકસભાનું ટ્રેલર હતું. આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ ગુજરાતની તમામ બેઠકો પર વિજયી થશે. જનતા નરેન્દ્ર મોદીને ફરી એક વખત વડાપ્રધાન બનાવશે.
કચ્છ : ગાંધીધામ વોર્ડ નં-2ની પેટા ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે. ભાજપના ઉમેદવાર દિનેશ લાલવાણીએ 2096 મતથી કોંગ્રેસના ઉમેદવાર મનિષ ભાટીયાને હરાવ્યાં છે.
સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રાની પાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપના જીલાભાઈ મેવાડા બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.
મહેસાણા : વડનગર નગરપાલિકા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર બિનફારીફ ચૂંટાયા છે. વડનગર નગરપાલિકાના વોર્ડ નંબર-7 માટે ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણીમાં પટેલ કનુભાઈ કેશવલાલ બિન હરીફ ચૂંટાયા છે.
મોરબી : વાંકાનેર નગરપાલિકાના વોર્ડ નંબર-6ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અંસોયાબા જાડેજાની 792 મતથી જીત થઈ છે.
ખેડા : ઠાસરા નગરપાલિકના વોર્ડ નંબર-6ની પેટા ચૂંટણીમાં ભાજપના સંગીતા પરમારની જીત થઈ છે.
રાજકોટ : વોર્ડ નંબર-13 માટે યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર નીતિન રામાણીને 11116 મત મળ્યા છે. જ્યારે અપક્ષ ઉમેદવાર સંજયસિંહ વાઘેલાને 4799 મત મળ્યાં છે. પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર નીતિન રામાણીની 6317 મતથી જીત થઈ છે.
ગીર સોમનાથ : સુત્રાપાડા નગરપાલિકા વોર્ડ નંબર-3 અને 6નું પરિણામ જાહેર થયું હતું. બંને વોર્ડમાં ભાજપનો ભગવો લહેરાયો છે. વોર્ડ નંબર-3માં રામસિંહભાઈ વાણવીનો 1162 મતે જ્યારે વોર્ડ નંબર-6માં રાણીબેન કામળિયાનો 490 મતથી વિજય થયો છે.
ભાવનગર : પાલીતાણાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો છે. નગરપાલિકાના વોર્ડ નંબર-3ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના અનવરભાઈ સોહિલનો વિજય થયો છે. અનવરભાઈએ ભાજપના મોહમદભાઈને 200 મતથી હાર આપી છે.
નર્મદા : રાજપીપળા નગરપાલિકા પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ચંદ્રિકા વસાવાનો 145 મતથી વિજયી થયો છે. કોંગ્રેસે આ બેઠક ભાજપ પાસેથી છીનવી લીધી છે. કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રિકા વસાવાને 1341 મત મળ્યા છે જ્યારે ભાજપના નવયુવાન ઉમેદવાર હીનલ વસાવાને 1196 મત મળ્યા છે.
પાટણ : સિદ્ધપુર નગરપાલિકામાં પેટા ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે. આ બેઠક ભાજપે કોંગ્રેસ પાસેથી આંચકી લીધી છે. સિદ્ધપુર પાલિકાના વોર્ડ-7માં પેટા ચૂંટણી યોજાઈ હતી. કોંગ્રેસના ગૌતમ દવેના નિધન બાદ અહીં પેટા ચૂંટણીનું આયોજન થયું હતું. પેટા ચૂંટણીમાં ભાજપના ભરત મોદીની જીત થઈ છે તેઓ 461 મતથી વિજયી બન્યા હતા.
ખેડા : નડીયાદ નગરપાલિકાના વોર્ડ-7ની એક બેઠક પર ભાજપની જીત થઈ છે. ભાજપના ઉમેદવાર ધારીત ગિતલ પટેલનો 3350 મતથી વિજય થયો છે. કોંગ્રેસના ઉમેદવારને માત્ર 580 મત મળ્યાં હતાં.