ગુજરાતની વડી અદાલતમાં જેનો કેસ ચાલી રહ્યો છે એવા અપક્ષ ધારાસભ્ય ભુપેન્દ્ર ખાંટ લડાયક મુડમાં છે. તેમના બચાવમાં તેમના પિતા વી.કે.ખાંટ આવ્યા છે. તેમણે કહ્યું હતું કે, સસ્પેન્ડ કરાયેલા મારા પુત્ર માટે અમે ધારાસભ્યપદના મુદ્દે સુપ્રીમ કોર્ટ જઈશું.’ ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીએ મોરવા હડફ વિધાનસભાના ધારાસભ્ય ભુપેન્દ્ર ખાંટનું ધારાસભ્યપદ રદ્દ કરવાની જાહેરાત કરીને ગુજરાતના રાજ્યપાલના અહેવાલના આધારે તેમને હાંકી કાઢવામાં આવ્યા હોવાનું જાહેર કર્યું હતું.
વી.કે.ખાંટે ભારતીય જનતા પાર્ટી પર રાજકીય કિન્નાખોરીનો આરોપ લગાવી કહ્યું હતું કે, અમને હેરાન કરવા માટે મારા પુત્ર ભુપેન્દ્ર ખાંટનું ધારાસભ્યપદ રદ્દ કરવામાં આવ્યું છે. હાલમાં અમારો કેસ ગુજરાત વડી અદાલતમાં ચાલુ છે અને 25-6-2019ના રોજ તેની મુદ્દત છે. વડી અદાલતની ઉપરવટ જઇને વિધાનસભાના અધ્યક્ષે ધારાસભ્ય પદ રદ્દ કર્યું છે, તે બિલકુલ ખોટું છે. કારણ કે આ બેઠક અમે લોકસભામાં પણ જીતવાના છીએ. ત્યારે હાર તેઓ સ્વીકારી શકતા નથી. એ હાર નથી સ્વીકારી શકતા તે સ્પષ્ટપણે દેખાય છે અને તેથી અમારું ધારાસભ્યપદ રદ્દ કર્યું છે.
ભુપેન્દ્ર ખાંટનું જે જાતિનું પ્રમાણપત્ર હતું, તેને અયોગ્ય માનવામાં આવ્યું છે. જે સર્ટિફિકેટના આધારે તેઓ ચૂંટણી લડ્યા હતા એ સર્ટિફિકેટનો આધાર જ ગુમાવેલો હોવાથી તેમને આ ડિસક્વોલિફિકેશન મળ્યું છે. કોર્ટના ચુકાદા બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.