મલેશિયન રીફાઇન્ડ પામોલીન પર ૧૮૦ દિવસ માટે પાંચ ટકા સેફગાર્ડ ડ્યુટી

ઇબ્રાહિમ પટેલ

મુંબઈ, તા. ૨૬: મલેશિયાથી આયાત થતા રીફાઇન્ડ બ્લીચ્ડ ડીઓડરાઈઝ્ડ (આરબીડી) પામોલીન પર ૧૮૦ દિવસ માટે વધારાની પાંચ ટકા સેફગાર્ડ ડ્યુટી લાગુ કરવાનું નોટીફીકેશન નાણા મંત્રાલય ગમ્મે ત્યારે જારી કરશે. વાણીજ્ય મંત્રાલય હેઠળની તપાસ સંસ્થા ડીરેક્ટોરેટ ઓફ ટ્રેડ રેમેડીઝએ કહ્યું હતું કે અમે સોલ્વન્ટ એક્સ્ટ્રેકટર્સ એસોસિયેશન ઓફ ઇન્ડીયા (સી) દ્વારા રજુ કરાયેલી ફરિયાદની વ્યાપક તપાસ કર્યા પછી આ દરખાસ્ત સંદર્ભનું નોટીફીકેશન નાણામંત્રાલયના ટેબલ પર મૂકી દીધું છે. સીના એક્ઝીક્યુટીવ ડીરેક્ટર ડો. બીવી મહેતાએ કહ્યું કે ભારતમાં ધરખમ પ્રમાણમાં ખાદ્યતેલની આયાત થઇ રહ્યાના પ્રથમદર્શી પુરાવા ઉપલબ્ધ થયા છે અને તે સ્થાનિક ઉત્પાદકો માટે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે.

તેમણે દાવો કર્યો હતો કે ભારતમાં તેલીબીયા ઉત્પાદન, વેચાણ અને પીલાણ ઉદ્યોગની ઉત્પાદન ક્ષમ્તામા વ્યાપક ઘટાડો થયો છે. એક તરફ દેશી ઉત્પાદનોનો બજાર હિસ્સો ઘટ્યો છે, બીજી તરફ આયાતમાં બેફામ વધારો થયો છે. દેશની કુલ ખાદ્યતેલ આયાતમાં પામતેલનો હિસ્સો ૬૬ ટકા છે. ભારતમાં હાલમાં સીપીઓ પર ૪૦ ટકા અને રીફાઇન્ડ પામોલીન પર ૫૦ ટકા આયાત જકાત લાગે છે. મલેશિયા સાથેના અલગ કરાર હેઠળ જાન્યુઆરીથી રીફાઇન્ડ પામોલીનની આયાત પર ૪૫ ટકા આયાત જકાત લાગુ પડે છે.

મલેશિયન પામ ઓઈલ બોર્ડ દ્વારા રજુ કરાયેલા આંકડા કહે છે કે વિશ્વના સૌથી મોટા આરબીડી પામોલીન આયાતકાર ભારતમાં ૨૦૧૯ના પ્રથમ અર્ધવાર્ષિકમાં નિકાસ, ગતવર્ષના સમાનગાળા કરતા ૭૨૭ ટકા ઉછળીને ૧૫.૭ લાખ ટનની ઉંચાઈએ પહોચી ગઈ હતી. મલેશિયાના ઉદ્યોગ પ્રધાન ટેરેસા કોકે કહ્યું કે મેં અમારી સરકારના પ્રધાનો સાથે વાત કરીને ભારત સાથેના વેપારને સમતોલ બનાવવાનાં પગલાં લેવાનું કહ્યું છે, જેથી વધુ પામોલીનની નિકાસ કરી શકાય. તેમણે કહ્યું કે વેપારખાધ સમતોલ કરીને મલેશિયામાં વધુ ભારતીય ઉત્પાદનો આયાત કરવાનો મુદ્દો ભારતીય અધિકારીઓએ મારી સમ્ક્ષ ગંભીરપણે ઉપસ્થિત કર્યો છે.

ધારણા કરતા ઓછા ઉત્પાદન અને મજબુત નિકાસનાં આંકડા રજુ થતા મલેશિયન સીપીઓ ત્રિમાસિક વાયદો સોમવારે છ મહિનાની ઊંચાઈએ ૨૩૦૬ રીંગીટે જઈ ૨૨૯૯ રીંગીટ બંધ થયો હતો. ૧થી ૨૫ ઓગસ્ટ દરમિયાન મલેશિયન પામતેલની નિકાસ, ગત મહિનાના સમાનગાળાની ૧૧.૨૪ લાખ ટનથી ૨૧.૫ ટકા વધીને ૧૩.૬૫ લાખ ટન થઇ હતી. મલેશિયા પાછળ સ્થાનિક બજારમાં પામતેલના ભાવ ૧૦ કિલો દીઠ રૂ. ૧૫ના ઉછાળે રૂ. ૬૬૦ બોલાયા હતા, એક મહિના અગાઉ ભાવ રૂ. ૫૫૨ની બોટમે હતા. પામતેલના ભાવ વધવાનું અન્ય કારણ સ્પર્ધાત્મક જાગતિક ખાદ્યતેલોમાં સળવળટ પણ છે.

ઓકટોબરથી આરંભ થતી નવી ખાદ્યતેલ મોસમમાં ચીન ૬૭ લાખ ટન વિક્રમ પામતેલ આયાત કરવાનો લક્ષ્યાંક, ચાઈના નેશનલ ગ્રીન એન્ડ ઓઈલ્સ ઇન્ફોર્મેશન સેન્ટરે વ્યક્ત કરો છે. અન્ય ખાધતેલ સામે ભાવ તફાવતને કારણે ૨૦૧૯ના પ્રથમ ૭ મહિનામાં ચીનનો પામતેલ વપરાશ ૨૦ ટકા વધ્યો હતો. વર્તમાન વર્ષે પણ પામતેલ આયાત ૬૫ લાખ ટન થવાનો અંદાજ છે, જે ગતવર્ષે ૫૩ લાખ ટન હતી. ચીને વળતા ટ્રેડ હુમલામાં અમેરિકન સોયાબીન આયાત પર વધારાની જકાત લાદીને અમેરિકન ખેડૂતોને જબ્બર ફટકો માર્યો છે, જેનો સીધી લાભ હવે પામ ઓઈલ ઉત્પાદનોને થવાનો છે. આ ટ્રેડ વોરે આખા જગતના અર્થતંત્રના વિશ્વાસને પણ હચમચાવી મુક્યો છે.

(અસ્વીકાર સુચના: www.commoditydna.com દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.) તા. ૨૭-૮-૨૦૧૯