મેઘરજમાં ચાર મહિનામાં ગટરની પાઇપ લાઇનો તૂટી જતાં ગંદકીનું સામ્રાજ્ય

મેઘરજ, તા.૦૯   મેઘરજના ઇન્દીરા નગર કેથોલીક માર્ગ ઉપર રામનગર સોસાયટીની ચોકડી પાસે ગટર યોજનાની પાઇપ લાઈન તૂટી જવાને લઈ ગંદકી પેદા થવાના કારણે આજુબાજુની સોસાયટીઓમાં રહેતાં 300 ઉપરાંત પરીવારો ત્રાહીમામ્ પોકારી ઉઠયા છે. જેને લઈ ભયંકર રોગચાળો પેદા થવાના કારણે વહીવટી તંત્ર સામે ઉગ્ર રોષ ફેલાયો છે.

મેઘરજ પંચાલ માર્ગ ઉપર ઈન્દિરાનગર, રામનગર સહીતની 10 જેટલી રહેણાંક સોસાયટીઓ આવેલી છે. આ માર્ગ પી.ડબલ્યુ.ડી. સ્ટેટ હસ્તકનો માર્ગ છે. આ માર્ગ ઉપર રામનગર સોસાયટીના અડોઅડ પાણી પૂરવઠાની ગટર લાઇનો પસાર થાય છે. જેમાંથી રામનગર સોસાયટી અને ઇન્દિરાનગર અને દારૃલ-ઉલૂમની અડોઅડ રાજ્ય ધોરીમાર્ગ ઉપર છેલ્લાં ૪ માસથી ગટર લાઇનની પાઇપો તૂટી જવાના કારણે ગંદકીના કારણે કોલેરા, ડેન્ગ્યૂ, ટાઇફોઇડ, મેલેરીયા જેવા રોગચાળો ફાટી નીકળવાના કારણે ખાનગી દવાખાના ઉભરાવા માંડયાં છે. આ પાઇપ લાઇન તૂટી જવાના કારણે ઠેરઠેર બે-બે ફૂટના ખાડા પડી જવાના કારણે રાહદારીઓ અને વાહનચાલકો ત્રાહીમામ્ પોકારી ઉઠયા છે. આ અંગે ઇન્દિરાનગર અને રામનગર સોસાયટીના રહીશોએ અનેકવાર મેઘરજ ગ્રામપંચાયત અને પી.ડબલ્યુ.ડી. સ્ટેટના અધિકારીઓને આ ગટર લાઇન મરામત કરવા રજુઆતો કરવામાં આવી છે. પરંતુ આજદીન સુધી કોઇ કાર્યવાહી થવા પામી નથી. અને આ વિસ્તારમાં ભારવાહક ટ્રકો પણ પસાર થતાં હોઇથી સોસાયટી વિસ્તારમાં ખાડાઓ પડવાના કારણે સી.સી. રોડ પણ તૂટી જવા પામ્યા છે.

દિવસ અને રાત્રિના સમયે ભયંકર પવન ફૂંકાતો હોઈ આ ગટર પાઇપલાઇનની ગંદકી છેક સોસાયટીમાં પ્રસરતી હોવાથી રહીશો પણ તંગ આવી ગયા છે. આ અંગે રહીશોએ જિલ્લા કલેકટર એ. ઓરંગાબાદકરનું લેખિતમાં રજૂઆત કરી છે. જો આ પાઇપ લાઇન રીપેરીંગ નહીં થાય તો ઇન્દિરાનગર અને રામનગર રસ્તા રોકો આંદોલન કરી વિરોધ દર્શાવશે.