રાઈડ શરૂ કરવા મંજુરી આપવા કોઈ જવાબદારી લેવા તૈયાર નથી
અમદાવાદ
આ વર્ષે ૧૪ જુલાઈને રવિવારના રોજ શહેરના કાંકરિયા ખાતે રાઈડ તૂટી પડવાની ઘટનાને ચાર માસ વિતી ગયા છે. ૨૫ ડિસેમ્બરથી શહેરના કાંકરિયા લેકફ્રન્ટ ખાતે અમપા દ્વારા પ્રતિ વર્ષે આયોજિત કરાતા કાંકરિયા કાર્નિવલનો આરંભ થશે. સાત દિવસ સુધી ચાલતા આ કાર્નિવલની રોનક આ વર્ષે મોટી રાઈડની ગેરહાજરીમાં ફિક્કી બની રહેશે. શહેરના લોકો માટે સૌથી આઘાતજનક ઘટના તો એ છે કે, રાઈડ તૂટી પડવાની ઘટના અને આ ઘટનામાં બે લોકોના મોત બાદ પણ ન તો સરકારી તંત્ર, ન તો પોલીસ કે ન તો મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈ રાઈડ ચાલુ કરવાની બાબતમાં જવાબદારી લેવા તૈયાર નથી.
૧૪ જુલાઈએ શહેરમાં રાઈડ તૂટી પડવાની ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા આ મામલે આર એન્ડ બીના તજજ્ઞોની એક તપાસ કમિટી બનાવી હોવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત જ્યાં સુધી બીજી કોઈ જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી અમદાવાદ સહિત રાજ્યના તમામ શહેરોમાં રાઈડને લગતી પ્રવૃત્તિ અટકાવી દેવામાં આવી હોવાની જાહેરાત કરાઈ હતી.
આ ઘટનામાં સંડોવાયેલા મુખ્ય આરોપી ઘનશ્યામ પટેલ સહિત અન્યોની પોલીસે ધરપકડ કરી હતી. આ તરફ વિપક્ષ કોંગ્રેસ દ્વારા મૃતકોના પરિવારજનોને દસ-દસ લાખ વળતર આપવાની સાથે ઈજાગ્રસ્તોને પણ વળતર આપવાની માંગણી કરાઈ હતી. આ ઘટનાને ચાર માસ પસાર થઈ ગયા છે. કાંકરિયા લેકફ્રન્ટ ખાતે મોટી રાઈડસ અને ટ્રેન બંધ હોવાના કારણે અગાઉ જેમ પ્રવાસીઓનો ધસારો જોવા મળતો હતો તે હવે ફરી એક વખત આ બંને પ્રવૃત્તિ શરૂ થાય એની રાહ જોઈ રહ્યું છે. પરંતુ તંત્રમાંથી આ અંગેની જવાબદારી લેવા કોઈ તૈયાર થતું નથી. સૌથી મોટો સવાલ છે, ૨૫ ડિસેમ્બરથી કાંકરિયા ખાતે કાર્નિવલ શરૂ થવા જઈ રહ્યો છે.
રાઈડ સંચાલકોની ગાંધીનગર સુધી રઝળપાટ
૨૫ ડિસેમ્બરથી કાંકરિયા ખાતે શરૂ થઈ રહેલા કાર્નિવલ પહેલા મોટી રાઈડ શરૂ થઈ શકે એ માટે રાઈડસના સંચાલકોએ છેક ગાંધીનગર સુધીની રઝળપાટ કરી નાંખી છે. છતાં આજદિન સુધી એનું કોઈ હકારાત્મક પરિણામ આવી શક્યું નથી. એક રાઈડ સંચાલકને આ અંગે પૂછતાં તેમણે કહ્યું, અમે અનેક વખત ગાંધીનગર ખાતે નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ અને ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજાને પણ આ મામલે મળી ચૂક્યા છીએ. લેખિત રજૂઆત પણ કરી છે. નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે એમ કહ્યું, ત્રણ સભ્યોની કમિટીની રચના થઈ ચૂકી છે, પણ ચાર મહિના થયા કોઈ નિવેડો આવતો નથી.
અમપા ભાજપ પણ અનિર્ણિત અવસ્થામાં
અમપાના સ્થાયી સમિતિના ચેરમેન અમૂલ બળવંતરાય ભટ્ટે કાંકરિયા ખાતે શરૂ થઈ રહેલા કાર્નિવલ અગાઉ રાઈડ શરૂ થઈ શકે એ માટે તંત્રના અધિકારીઓને રોડ અને બિલ્ડિંગ વિભાગના અધિકારીઓ સાથે વાતચીત કરવા કહ્યું હતું, પરંતુ ૧૪ જુલાઈ-૨૦૧૯ના રોજ બનેલી રાઈડની દૂર્ઘટના બાદ હવે અમપાના અધિકારીઓ બધુ ફુંકી ફુંકીને કરવાના મૂડમાં હોઈ તેઓ કહે છે, આર એન્ડ બી પરમિશન આપે પછી રાઈડ ચાલુ કરવા અંગે કોઈ નિર્ણય કરી શકાય.
ટ્રેન એક સપ્તાહમાં શરૂ કરાશે
૨૫ ડિસેમ્બરથી કાંકરિયા કાર્નિવલની શરૂઆત થઈ રહી છે. આ અગાઉ કાંકરિયા પ્રાણી સંગ્રહાલયના સુપ્રિન્ટેન્ડન્ટ આર. કે. શાહુનો સંપર્ક કરતા તેમણે કહ્યું, રાઈડ અંગે તો હું નિશ્ચિત કશું ન કહી શકું પરંતુ જે ટ્રેન મેઈન્ટેનન્સ માટે ગત જૂન મહિનાથી બંધ હતી તે આગામી સપ્તાહમાં ક્લિયરન્સ સર્ટિફિકેટ મળી ગયા બાદ ફરીથી શરૂ કરાશે.
અમપાએ ફૂડ સ્ટોલના ટેન્ડર બહાર પાડયા
અમપા દ્વારા શરૂ થઈ રહેલા કાંકરીયા કાર્નિવલ માટે ફૂડ સ્ટોલ માટેના ટેન્ડરો બહાર પડાયા છે. આ સિવાય રાઈડને લગતા હજુ સુધી કોઈ ટેન્ડર કે અન્ય પ્રક્રિયા હાથ ધરાઈ નથી.
ઘનશ્યામ પટેલનો છુટકારો
૧૪ જુલાઈ-૨૦૧૯ને રવિવારની સાંજે પોણા પાંચ વાગ્યાની આસપાસ કાંકરિયામાં રાઈડ તૂટી પડવાની ઘટનામાં બે લોકોનાં મોત થયા હતા. આ ઘટનાના મુખ્ય આરોપી ઘનશ્યામ પટેલને એક સપ્તાહ અગાઉ પોલીસની કસ્ટડીમાંથી છોડવામાં આવ્યા હોવાનું વિશ્વસનીય સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. ચાર મહિના કેદમાં રહેલા રાઈડના કોન્ટ્રાકટર અને એક સમયે સુપરસ્ટાર એમ્યૂઝમેન્ટ પાર્ક અને જલધારા વોટર પાર્કને લઈને જેની આગળ પાછળ મોટા મોટા રાજકીય નેતાઓ પણ ફરતા હતા એવા ઘનશ્યામ પટેલનો આજે કોઈ ભાવ પણ પૂછતું નથી.
અડધો ડઝન નાની રાઈડ ચાલે છે
જુલાઈમાં બનેલી ઘટના બાદ હાલની પરિસ્થિતિમાં કુલ છ જેટલી નાની રાઈડને મણિનગર પોલીસ દ્વારા ચલાવવા માટે મંજૂરી આપવામાં આવી હોઈ તે ચાલી રહી હોવાનું લેકફ્રન્ટના સત્તાવાર સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.