વૃક્ષનું વાવેતર કરવા માટે અનેક સંસ્થાઓ અને સરકાર લોક જાગૃતિઓના કાર્યક્રમો કરતા હોય છે. ઉપરાંત અનેક જગ્યાએ વૃક્ષારોપણ કરવામાં આવતું હોય છે. તેમ છતાં પણ રાજકોટ શહેરમાં સૌથી ઓછા વૃક્ષોની સંખ્યા બચી છે. ત્યારે વિજયભાઈએ એવું વિચાર્યું કે લોકો મુત્યુ પછી પણ યાદ રાખે તેવા આશયથી વૃક્ષા રોપણની શરૂઆત પોતાના વતન ફતેહપુરથી કરી હતી.
સરકાર દ્વારા પર્યાવરણની જાળવણી અને વાતાવરણના શુદ્ધિકરણની માત્ર વાતો કરવામાં આવે છે પરંતુ કોઈ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી. સરકાર દ્વારા કોઈપણ કાર્યક્રમમાં માત્ર વૃક્ષોરોપણને મહત્વ આપવાની વાતો કરવામાં આવે છે. પરંતુ વૃક્ષોનું યોગ્ય જતન કરવામાં નથી આવતું. તો ક્યારેક વૃક્ષારોપણએ માત્ર ફોટો સેશન બનતું હોય છે. ત્યારે વૃક્ષારોપણની વાતો કરતી સરકારને શરમાવે તેવી પ્રવૃતિ પડધરીના મૂળ રહેવાસી વિજયભાઈ કરી રહ્યા છે. વિજયભાઇએ ચાર વર્ષમાં 2 લાખ 18 હજાર વૃક્ષો વાવી તેને ઉછેરવાનું કાર્ય પણ કરે છે. રાજકોટ શહેરના મુખ્ય માર્ગો તેમજ 150 ફૂટ રિંગ રોડ પર માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી સુધી ઠેર-ઠેર વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન પણ કરે છે.
માત્ર વૃક્ષારોપણ કરવું એ મહત્વનું નથી સાથે તેની જાળવણી કરવી પણ એટલી જ મહત્વની બાબત છે. ત્યારે 2 લાખ 18 હાજરથી વધુ વૃક્ષો વાવી તેની જાળવણી માટે વિજયભાઈએ વૃક્ષારોપણની ફરતે ગ્રીન કલરની નેટ નાખી વૃક્ષોનું જતન કરે છે. વૃક્ષોના જતન માટે 184 લોકોનો સ્ટાફ તેમજ ઝાડને પાણી આપવા માટે 55 જેટલા ટેન્કર અને ટ્રેક્ટર પણ રાખવામાં આવ્યા છે. તેમજ વિજયભાઈ કહ્યું કે આગામી 5 વર્ષમાં પડધરીમાં જ 10 લાખ વૃક્ષો વાવી તેનો ઉછેર કરવો છે.
વિજયભાઈએ 4 વર્ષમાં જ 2 લાખ 18 હજાર એટલા વૃક્ષો વાવ્યા છે અને આગામી 5 વર્ષમાં પડધરીમાં જ બીજા 10 લાખ વૃક્ષો વાવવા છે. તેમજ રાજકોટમાં પણ વધુ વૃક્ષો ઉછેરવામાં આવશે. અને તેઓ કહે છે કે સમાજના સપોર્ટથી ગુજરાતને પણ ગ્રીન કરી દેવું છે અને વધુમાં તેઓ ઉમેરે છે કે વૃક્ષો પાછળ જેટલો ખર્ચ કર્યો તે સમાજે આપેલો છે તેથી સમગ્ર મિલકત એ સમાજની છે અને સમાજ માટે છે.