રાજકોટમાં ડેન્ગ્યૂનો કેર યથાવત્, રાજકોટ DDO પણ તાવમાં સપડાયા

રાજકોટ,12

લંબાતા ચોમાસા અને કોર્પોરેશનની ઘોર બેદરકારીના કારણે શહેરમાં ડેન્ગ્યૂના કેસમાં પ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં ડેન્ગ્યૂના નવા આઠ કેસ નોંધાયા છે, જ્યારે જામનગરમાં પણ ડેન્ગ્યૂના કારણે મૃત્યુઆંક 10 થઈ ગયો છે.

રાજકોટ શહેરમાં રોગચાળાના કેરથી રાજકોટ ડીડીઓ પણ બચી નથી શક્યા. રાજકોટના જિલ્લા વિકાસ અધિકારી અનિલકુમાર રાણાવસિયાને ભારે તાવના પગલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જિલ્લા આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર બે દિવસથી ડીડીઓની તબિયત ખરાબ હતી, જેની તપાસમાં વાઈરલ ફીવર હોવાનું નિદાન થતાં તેમને આરામ કરવાની સલાહ અપાઈ છે, જેથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

રાજકોટ શહેરમાં ડેન્ગ્યૂના વાવરની વાત કરીએ તો, ચાલુ સિઝનમાં કુલ 300થી વધુ કેસ નોંધાયા છે. આ ઉપરાંત તાવ, શરદી, ઊધરસ સહિત વાઈરલ ઈન્ફેક્શનના કેસ પણ મોટા પ્રમાણમાં નોંધાયા છે. શુક્રવારના દિવસ દરમિયાન ડેન્ગ્યૂના નવા આઠ કેસ નોંધાયા છે. કોર્પોરેશન દ્વારા શહેરીજનોને અનુરોધ કરવામાં આવ્યો છે કે, તાવ આવતાં જ તેઓ 104 નંબર પર ફોન કરી જાણ કરે, જેથી કોર્પોરેશનની ટીમ ઘરે આવીને પ્રાથમિક સારવાર પૂરી પાડશે.

રાજકોટમાં ભારે રોગચાળાના પગલે કોર્પોરેશન દ્વારા ગંદકી દૂર કરવા અને મચ્છરનું બ્રીડિંગ ન થાય તેના માટે પૂરતાં પગલાં ન લેવાયાં હોવાનું સાબિત થાય છે. જો કે રહીરહીને પણ કોર્પોરેશન દ્વારા શહેરમાં ફોગિંગ કરવામાં આવી રહ્યું છે, ઉપરાંત રજાના દિવસોમાં પણ મેલેરિયા વિભાગના કર્મચારીઓ કામ કરી રહ્યા છે.

કોર્પોરેશન દ્વારા ડેન્ગ્યૂ સામે લડવા માટે ખાસ એક્શન પ્લાન બનાવ્યો છે. જે મુજબ મનપાએ એક દિવસ ત્રણ વોર્ડ અભિયાન હાથ ધર્યું છે. જે મુજબ કોર્પોરેશન દ્વારા એક દિવસમાં ત્રણ વોર્ડમાં ફોગિંગ કરવામાં આવશે. મનપા રોગચાળાથી સૌથી વધુ પ્રભાવિત વિસ્તારને અગ્રતા આપી પ્રથમ ફોગિંગ કરી જરૂરી પગલાં લેવાઈ રહ્યાં છે. કોર્પોરેશન દ્વારા વિવિધ શાળા-કોલેજમાં પણ મચ્છરની ઉત્પત્તિ અંગે ચેકિંગ કરવામાં આવશે.