રાજકોટ,તા.12
રાજકોટની જીવાદોરી સમાન ભાદર-1 ડેમની સપાટી આજે સવારે 32 ફૂટે પહોંચી જતા હવે ઓવરફલો થવામાં ફક્ત બે ફુટ બાકી રહ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન ભાદર-1 ડેમમાં વધુ એક ફૂટ નવા પાણીની આવક થઈ છે.
વધુમાં રાજકોટ મહાનગરપાલિકાના ઈજનેરી સૂત્રોના જણાવ્યા મુજબ હાલમાં નર્મદા ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે. ત્યારે ભાદર-1 ડેમમાં સૌની યોજના હેઠળ સતત નર્મદાનીર ઠાલવવામાં આવી રહયું છે તદઉપરાંત ભાદર ડેમનાં ઉપરવાસનાં ગામોમાં છુટા છવાયા ઝાપટા વરસતા વરસાદી પાણીની આવક પણ થઈ રહી છે આ મુજબ નર્મદાની અને વરસાદી પાણી બન્નેની આવક થતા ડેમની સપાટીમાં ઝડપભેર વધારો થઈ રહ્યો છે આમ છતાં હજુપણ ઓવરફ્લો થવામાં બે ફૂટ જેટલું બાકી છે. સિંચાઇ વિભાગે સ્પષ્ટતા કરી હતી કે ભાદર ડેમ હજુ ઓવરફલો થયો નથી ટૂંક સમયમાં ડેમ પૂર્ણ સપાટીએ ભરાતાની સાથે જ હેઠવાસના ગામોને સાવચેત રહેવા ચેતવણી જાહેર કરાશે.