રાજકોટ મ્યુનિ. કોર્પો.ના સત્તાપક્ષના આજીવિકા યોજના કૌભાંડનો પર્દાફાશ

રાજકોટ,11

રાજકોટઃમ્યુનિ. કોર્પોરેશનના આજીવિકા યોજના કૌભાંડ અંગે કોંગ્રેસ પક્ષે ગંભીર આરોપો કર્યા છે, કોંગ્રેસના જણાવ્યા મુજબ આજીવિકા યોજનાના નામે કોર્પોરેશનમાં 3 કરોડથી વધુનું કૌભાંડ આચરવામાં આવ્યું છે, જે અંગે પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ડો.હેમાંગ વસાવડાએ એક પત્રકાર પરિષદ યોજી હતી.

સંસ્થાઓ માત્ર કાગળ પર જ

પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ડો.હેમાંગ વસાવડાના જણાવ્યા પ્રમાણે યોજના અંતર્ગત તાલીમ લીધા વિના જ કર્મચારીઓને નોકરીએ રાખવામાં આવ્યા હતા, ઉપરાંત તેમણે તાલીમ લીધી હોવાના ખોટા પુરાવા પણ મૂકવામાં આવ્યા છે. આમ સત્તાધારી પક્ષ દ્વારા આઉટ સોર્સિંગના નામે કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. કોંગ્રેસના જણાવ્યા પ્રમાણે મોટાભાગની સંસ્થાઓ પાસે તાલીમ કેન્દ્ર જ નથી. શહેરની 70 સંસ્થામાં તપાસ કર્યા પ્રમાણે મોટાભાગની સંસ્થા માત્ર કાગળ પર જ અસ્તિત્વ ધરાવતી હોવાનું જાણવામાં આવ્યું છે. જેથી મોટાભાગની સંસ્થાઓ દ્વારા તાલીમાર્થીઓને તાલીમ જ અપાઈ નથી, માત્ર બોગસ ડોક્યુમેન્ટ રજૂ કરી તાલીમ આપી હોવાનું જણાવવામાં આવ્યું છે.

કોન્ટ્રાક્ટ બેઝ આઉટસોર્સ

કોંગ્રેસના આક્ષેપ પ્રમાણે શહેરી આજીવિકા મિશન યોજના અંતર્ગત 3.50 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. યોજના પ્રમાણે જે-તે સંસ્થાને કામ સોંપવામાં આવે છે, અને તાલીમાર્થીને તાલીમ આપી તેને નોકરી આપવા અંગે રૂ.20 હજાર ચૂકવવાના રહે છે. જો કે આ સમગ્ર યોજનાને કોન્ટ્રાક્ટ બેઝ પર આઉટ સોર્સ કરવામાં આવી છે, જેમાં કોન્ટ્રાક્ટ પરના કર્મચારીને 10 હજારના માસિક વેતનથી હંગામી ધોરણે રાખવામાં આવે છે.

યોગ્ય તપાસ કરવાની કોંગ્રેસે માગણી કરી

વિપક્ષ કોંગ્રેસ દ્વારા આ સમગ્ર કૌભાંડ અંગે ઊંડાણપૂર્વકની તપાસની માગણી કરવામાં આવી છે. જેમાં કોંગ્રેસે ખાસ તો યોજના અધિકારી જિજ્ઞાબહેન અને હર્ષદ પટેલ સામે યોગ્ય તપાસની માગણી કરી છે. આ બંને અધિકારી અંગે કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે તેમણે હંગામી કર્મચારીઓને ધમકાવીને યોગ્ય રિપોર્ટ કરવાની ધમકી આપી છે. જેથી કોર્પોરેશનના શાસક પક્ષ વિરુદ્ધ યોગ્ય તપાસ જરૂરી બને છે.