રાજ્યભરમાં કોંગો ઉપરાંત ડેન્ગ્યુ, મેલેરીયા, ઝેરી મેલેરિયા અને વાયરલ ઇન્ફેક્શનના કેસો

અમદાવાદ, તા.૦૭

રાજ્યમાં કોંગોના હાહાકારને કારણે પાંચ લોકોના મૃત્યુ થયાં છે. તો બીજી બાજુ ડેન્ગ્યુ, ઝેરી મેલેરિયા અને વાયરલ ઇન્ફેક્શનના પણ ઘણા કેસો જોવા મળી રહ્યાં છે. જેથી રાજ્ય સરકાર દ્વારા  દવાયુક્ત સાડા ચાર લાખ મચ્છરદાનીનું વિતરણ કરવા આવશે, એમ આરોગ્ય વિભાગના સૂત્રો જણાવે છે.

રાજ્યમાં સારા ચોમાસાને કારણે કેટલાય વિસ્તારોમાં પુરની સ્થિતિ સર્જાઈ છે. તો બીજી બાજુ પાણીજન્ય રોગોના કેસમાં પણ વધારો જોવા મળી રહયો છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના એક ઉચ્ચ અધિકારી જણાવે છે કે, હોસ્પિટલની દૈનિક ઓપીડીમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને  ઝેરી મેલેરિયાના કેસોમાં સતત વધારો થયો છે. જેમાંથી કેટલાક દર્દીઓને ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ પણ કરવામાં આવે છે.

એમ.ડી ફિઝિશિયન ડો.પ્રવિણ ગર્ગ જણાવે છે કે, ચોમાસામાં પાણીજન્ય રોગોમાં વધારો થાય એ સ્વાભાવિક છે. અલબત્ત ડેન્ગ્યુ કે ઝેરી મેલેરિયાના કેસમાં લોકો ડોકટર પાસે ચેકઅપ કરાવી બ્લડટેસ્ટ કરાવવાને બદલે મોટેભાગે લોકો સેલ્ફ મેડીકેશન કરતાં હોય છે. જેને કારણે દર્દીની તબિયત વધુ કથળે છે. આથી ડેન્ગ્યુ ઝેરી મેલેરિયાની બીમારીમાં સત્વરે લોકોએ તબીબી સારવાર લેવી જોઈએ.

આરોગ્ય વિભાગના જોઈન્ટ ડાયરેક્ટર ડો.બી.એસ. જેસલપુરા જણાવે છે કે, વરસાદને કારણે ડેન્ગ્યુ, ઝેરી મેલેરિયા અને વાયરલ ઇન્ફેક્શન જેવા પાણીજન્ય રોગો જોવા મળી રહ્યા છે. જોકે તેમાં સતત ઘટાડો પણ થઈ રહ્યો છે.

અલબત્ત સરકાર દ્વારા ગત વર્ષનાં અસરગ્રસ્ત વિસ્તારો અને આંકડા આધારે સંભવિત વિસ્તારોમાં ઇનર રેસિડ્યુલ સ્પ્રે(જતુનાશક દવા)નો છંટકાવ કરવામાં આવ્યો છે તેમજ સરકાર અસરગ્રસ્ત વિસ્તારમાં સાડા ચાર લાખ જેટલી દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ કરશે. જોકે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ડેન્ગ્યુ મેલેરિયાના કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે.