રિક્ષાના મિટર ભાડાનો ગેરકાયદે ધંધો છતાં કલેક્ટર પર દબાણ

અમદાવાદ રીક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા અમદાવાદ કલેકટર આવેદનપત્ર આપી વિરોધ કર્યો હતો. અમદાવાદમા જાહેર રોડ પર આડેધડ રિક્ષાઓ પાર્ક કરવામાં આવતી હતી. જેના કારણે ટ્રાફિકના પ્રશ્નો પણ ઉપસ્થિત થતા હતા. આ ટ્રાફિક સમસ્યા માટે પ્રથમ વખત પોલીસે અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં કુલ 19 હજાર રિક્ષાઓ માટે 30,120 સ્ટેન્ડ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં મોટા ભાગના સ્ટેન્ડ એએમટીએસ અને બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે નક્કી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

અમદાવાદમાં પોલીસ અને કોર્પોરેશન દ્વારા અભિયાન ચલાવતા ટ્રાફિકની સમસ્યામાં ઘણો ફરક પડી ગયો હતો. હવે તે અંગે રિક્ષા ચાલકો વિરોધ કરી રહ્યાં છે.

આવેદન પત્ર ના મુદ્દાઓ નીચે મુજબ છે.

શહેરમાં રીક્ષા ડ્રાઈવર ને આત્મવિલોપન કરવા માટે જે કોઈ પણ પોલીસ કર્મચારી દ્વારા મજબૂર કરવામાં આવ્યો હતો તે પોલીસ કર્મચારીને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે. અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ અને પોલીસ દ્વારા ઈ-મેમો બાબતે હેરાન ગતિ રિક્ષા ડ્રાઈવરને થઈ રહી છે. રીક્ષા ડ્રાઈવરોને પૂરતા પ્રમાણમાં રીક્ષા સ્ટેન્ડ આપેલા નથી. નવા રીક્ષા સ્ટેન્ડો ફાળવવામાં આવે.

અમારી રજૂઆત પ્રમાણે યોગ્ય જગ્યાએ અને યોગ્ય સ્થળે ફાળવવામાં આવે. અમદાવાદ શહેરમાં રીક્ષા ડ્રાઈવરોને 207/283/188 જેવી કલમો લગાવીને લોકઅપમાં પૂરવામાં આવી રહ્યાં છે.  રિવર ફ્રન્ટ પર રીક્ષાને જવાની પરવાનગી આપવામાં આવે. વારંવાર સીએનજી ગેસના ભાવ સતત અસહ્ય વધારો થઈ રહ્યો છે તો તેની ઉપર કોઈપણ જાતનો નિયંત્રણ કેમ કરવામાં આવતું નથી.

રીક્ષાના વીમામાં અસહ્ય ભાવ વધારાના લીધે રીક્ષા ડ્રાઇવરો રીક્ષા પાસિંગ કરાવી શકતા નથી. બીજા રાજ્યોમાં બેજ હટાવી દેવામાં આવ્યા છે, હાઇકોર્ટની સૂચના હોવા છતાં બેઝ માટે રીક્ષા ડ્રાઈવરોને હેરાન કરાય છે.

આવી બાબતો અંગે અમદાવાદ કલેક્ટરને આવેદન અમદાવાદ રીક્ષા ચાલક એકતા યુનિયનના પ્રમુખ વિજય મકવાણાએ આપ્યું હતું.

અમદાવાદમાં એક લાખથી વધું રિક્ષા છે જેમાં ફ્લેગ મીટરના સ્થાન યાંકી મીટર લગાવે છે. જે કાયદા વિરૃદ્ધ છે. સુરતમાં પણ એક લાખ રિક્ષાઓ છે તેઓ મીટર પર ચલાવતા નથી. રાજકોટ, ગાંધીનગર, વડોદરા અને રાજ્યમાં તમામ સ્થળે આ રીતે 6 લાખ રિક્ષાઓ મુસાફરો પાસેથી રોજના 25 કરોડ રૂપિયાની છેતરપીંડી કરીને વધારે ભાડું લેવામાં આવી રહ્યું છે તેથી પોલીસ લોકોના હિતમાં તેમની તપાસ કરી રહી છે ત્યારે અમદાવાદના રિક્ષા ચાલક તેનો વિરોધ કરીને કાયદા વિરૃદ્ધ કામ કરવા માંગે છે અને સત્તાવાળાઓ ઉપર દબાણ લાવી રહ્યાં છે.