અમદાવાદ,તા.19 રેલવેમાં પ્રવાસ કરનારાઓ તેમના રેલવે પ્રવાસની ટિકીટ ખરીદે છે ત્યારે તેમને તેની સાથે માત્ર 50 પૈસાની ચૂકવણી સામે રૂા.10 લાખનો પ્રવાસ વીમો મળે છે. આ પ્રવાસ દરમિયાન તેમને જીવલેણ અકસ્માત નડે તો તેવા સંજોગોમાં તેમના સ્વજનને વીમા કવચ પેટે રૂા.10 લાખ સુધીની રકમ મળી શકે છે. રેલવે પ્રવાસ દરમિયાન જીવલેણ અકસ્માતનો ભોગ બનેલી વ્યક્તિના સ્વજનો વીમાની રકમનો ક્લેઈમ પણ કરી શકે છે.
કાયદેસર ટિકીટ ધરાવનારાઓને જ વીમાની સુવિધા
કોઈપણ પેસેન્જર આઈઆરસીટીસી-ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશનની વેબસાઈટના માધ્યમથી તેના પ્રવાસ માટેની ટિકીટનું બુકિંગ કરાવે છે તો તેવા સંજોગોમાં તેને આ વીમો મળી શકે છે. વીમો લેવો હોય તેઓ વીમો લઈ શકે છે. તેને માટે ચાર્જ પણ ચૂકવવો પડે છે. માત્ર 50 પૈસા ભરીને પેસેન્જર રૂા.10 લાખના મૂલ્યનો વીમો મેળવી શકે છે. આ ઇન્સ્યોરન્સને ટ્રેન ટ્રાવેલ ઇન્સ્યોરન્સ તરીકે ઓળખાવવામાં આવે છે. માત્રને માત્ર કાયદેસર ટિકીટ ધરાવનારાઓને જ આ વીમાની સુવિધા મળી શકે છે.
પેસેન્જરે વીમા કંપનીમાં કલેઈમ મુકવો પડે છે
આઈઆરસીટીસીના સૂત્રોનું કહેવું છે કે આ વીમો એ ઇન્ડિયન રેલવેમાં પ્રવાસ કરતાં પ્રવાસીઓ અને વીમા કંપનીઓ વચ્ચેનો એક કરાર જ છે. પેસેન્જર તેનો વીમો લેવાનું પસંદ કરે તો તેવા સંજોગોમાં પેસેન્જરે વીમા કંપનીમાં ક્લેઈમ મૂકવો પડે છે. ટિકીટ બુક કરાવનાર પેસેન્જરે વીમો લીધો છે કે નહિ તેની જાણકારી તેને એસએમએસના માધ્યમથી કરવામાં આવે છે. તેવી જ રીતે પેસેન્જરે રજિસ્ટર કરાવેલા ઈ-મેઈલ આઈડી પર પણ મેેસેજ આવે છે. આ મેસેજ ઇન્સ્યોરન્સ કંપની તરફથી મોકલવામાં આવેલો હોય છે. આ ઈ-મેઈલ મેસેજ સાથે લિન્ક મોકલવામાં આવે છે. આ લિન્ક પર ક્લિક કરવાથી એક ફોર્મ ખુલે છે. આ ફોર્મમાં પ્રવાસ કરનારા પેસેન્જરે તેના નોમિનીની વિગતો ભરવાની હોય છે. વીમાના પ્રીમિયમના નાણાં સહિતની રકમ રેલવે ટિકીટના બુકિંગ માટે ચૂકવ્યા બાદ રેલવે ટ્રેનમાં પ્રવાસ કરનારા પ્રવાસીને એક નોટિફિકેસન મળશે. તેમ જ એક ઇ-મેઈલ પણ મોકલવામાં આવશે. વીમા કંપની તરફથી આ ઈ-મેઈલ મોકલવામાં આવે છે. તેની સાથે જ તેમને પોલીસીને લગતા દસ્તાવેજો પણ મોકલી આપવામાં આવે છે.
પાંચ વર્ષથી નાની વયના બાળકો અને વિદેશી નાગરિકોને વીમો નહી
આઈઆરસીટીસીની સત્તાવાર વેબસાઈટ પરથી ટિકીટ બુક કરાવનાર કોઈપણ ભારતીય પેસેન્જર આ વીમા માટે પાત્ર ગણાય છે. તેવી જ રીતે રેલવેની એપ પરથી પ્રવાસ માટેની ટિકીટનું બુકિંગ કરાવનાર ભારતીય નાગરિક પણ આ વીમા માટે પાત્ર ગણાય છે. પાંચ વર્ષથી નાની વયના બાળકો અને વિદેશી નાગરિકોને ટ્રેન ટ્રાવેલિંગ ઇન્સ્યોરન્સ માટે પાત્ર ગણવામાં આવતા નથી.
કેટલો વીમો આપવામાં આવશે?
ટ્રાનના આ પ્રવાસ દરમિયાન પેસેન્જરનું અવસાન થાય કે પછી તેને કાયમી પંગુતા આવી જાય તેવી કોઈ ઇજા થાય તો તેવા સંજોગોમાં તેમને રૂા.10 લાખ સુધીનો મહત્તમ વીમો મળી શકે છે. ટ્રેનમાં પ્રવાસ દરમિયાન ઇજા થાય અને આંશિક પંગુતા આવે તો તેવા સંજોગોમાં પેસેન્જરને રૂા.7.5 લાખ વીમા ક્લેઈમ તરીકે મળી શકે છે. જોકે પેસેન્જરને ખાલી ઇજા થાય તો તેને હોસ્પિટલ સારવાર માટે રૂા. 2 લાખ સુધીનો ખર્ચ આપવામાં આવે છે. તેમ જ તેમના શબને એક જગ્યાએથી બીજી જગ્યાએ એટલે કે અકસ્માતના સ્થળેથી તેના ઘર સુધી લઈ જવા માટે રૂા.10,000 સુધીના ઘર આપવામાં આવે છે.