લોકોના દર્દ દૂર કરતા ઢબુડી માતા તેમની સામેના પ્રચારથી કણસે છે

અમદાવાદ, તા.25

આપણે ત્યાં માણસોને ઈશ્વર અને વિજ્ઞાન કરતા કહેવાતા બાબાઓ અને માતાજીઓમાં વધુ શ્રધ્ધા છે. જેના કારણે ચોક્કસ ટોળકીઓ ગરીબ અને મુશ્કેલીમાં મુકાયેલા લોકોનો લાભ ઉઠાવી રહી છે. પોતાને રૂપાલની જોગણી અને ઢબુડી માતા તરીકે ઓળખવતા ધનજી ઓડ ગુજરાતના ગામે ગામ પોતાની ગાદી સ્થાપિત કરી રહ્યા છે.  જો કે ઢબુડી માતાનો દાવો છે કે તે કોઈની પાસે પૈસાની માગણી કરતા નથી આમ છતાં ત્યાં આવનારા લાખો લોકોની રહેવા-જમવાની વ્યવસ્થાનો એક વ્યવસ્થીત ધંધો ચાલી રહ્યો છે. વ્યવસ્થા સંભાળનાર પણ ઢબુડી માતાના નજીકના છે. આ ઢબુડી માતા સામે  રાજકોટના વિજ્ઞાન જાથાના જયંત પંડયા અને અંધ શ્રધ્ધા વિરૂધ્ધ ઝુંબેશ ચલાવતા સરલ મોરીએ જંગ શરૂ કરતા હવે સ્થિતિ એવી આવી છે કે લોકોને પરચો બતાડતા ઢબુડી માતા પોતે વિજ્ઞાન જાથાનું નામ પડતા પોતાની ગાદીનો કાર્યક્રમ પડતો મૂકે છે.

મૂળ ગાંધીનગર નજીક આવેલા રૂપાલના વતની ધનજી ઓડનો દાવો છે કે તેની ઉપર જોગણી માતાની કૃપા થઈ છે અને તે લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવે છે. લોકોની બીમારી, નોકરી, લગ્ન જેવા નહીં ઉકેલાતા પ્રશ્નો ઉકેલી આપે છે. ઘનજી ઓડે પોતાનું નામ ઢબુડી માતા રાખ્યું છે અને તેમના ભકતો તેમને રૂપાલની જોગણીના નામે ઓળખે છે. ઢબુડી માતા રાજયના વિવિધ શહેરોમાં પહોંચે તે પહેલાં તેમની ટોળકી ત્યાં પહોંચી જાય છે અને માતાના પરચાઓની કહાની લોકોને કહે છે. ત્યાર બાદ માતા નક્કી કરેલા સમયે ત્યાં પહોચે છે જયાં ઘનજી ઓડ માથા ઉપર ચૂંદડી ઓઢી ઘૂણવા લાગે છે.

ઢબુડી માતા બની ધૂણતા ઘનજી ઓડ  ત્યારે ત્યાં આવેલા લોકોના પ્રશ્નનો ઉત્તર આપે છે. ઢબુડી માતાના ભકતોનો દાવો છે કે કેન્સર જેવી ગંભીર બીમારી પણ દવા વગક મટાડી આપે છે. ભકતોનો દાવો છે કે માતા કોઈની પાસ પૈસાની માગણી કરતા નથી પણ ત્યાં આાવતા લોકો માતા સામે સ્વેચ્છાએ પૈસા મૂકે છે. જે સાંજ પડતાં લાખો રૂપિયા થાય છે. ઢબુડી માતાના કાર્યક્રમ સ્થળે તેમના જ લોકો નારીયેળ, ચૂંદડી સહિત ખાણી પીણીના સ્ટોલ ઊભા કરે છે. જેમાંથી પણ લાખોની કમાણી રોજ થાય છે. આ મામલે હવે વિવિધ સંસ્થાઓએ અંધ શ્ર્ધ્ધા સામે અવાજ ઉપાડતા ઢબુડી માતા પોતાના કાર્યક્રમો પડતા મૂકી રહ્યાં છે. આ મામલે  લડાઈ શરૂ કરનારા વિજ્ઞાન જાથાના  ચેરમેન જયંત પંડયાએ જણાવ્યું કે કોઈ વ્યકિત ધાર્મિક પ્રવચન કરે તેની સામે કોઈ વાંધો નથી, પરંતુ પોતાને દેવીનું સ્વરૂપ કહેનારા ઘનજી ઓડ અંધ શ્ર્ધ્ધા ફેલાવી ગરીબ લોકોને છેતરી રહ્યા છે. જયારે સરલ મોરીએ જણાવ્યું કે આ પ્રકારના અંધ શ્રધ્ધા ફેલાવતા કાર્યક્રમો થાય નહીં તે માટે અમે કલેટકર સહિત ડીએસપીને પણ લેખિતમાં જાણ કરી છે.

ઢબુડી માતા યુ ટયુબ ઉપર પણ જોવા મળે છે

આપણે ત્યાં સારી અથવા ખોટી વાતો સોશિયલ મીડિયાના માધ્યામથી ઝડપથી પ્રસરે છે. ઢબુડી માતાના ભકતોએ યુ ટયુબનો ભરપુર ઉપયોગ કર્યો છે. જેમાં કઈ રીતે ઢબુડી માતા લોકોના દુઃખ દૂર કરે છે, કેવી રીતે નોકરી મળી, બીમારી ભાગી ગઈ અને લગ્ન થઈ ગયા તેવા વીડિયો પણ મૂકવામાં આવે છે. ઢબુડી માતાના પરચા સુધી વાત સિમિત નથી, પણ માતાની વિરૂધ્ધ શંકા કરી બોલનારા ઉપર આફત આવે છે તેવા વીડિયો પણ મૂકયા છે. યુ ટયુબ ઉપર રૂપાલની જોગણીના નામે અનેક વીડિયો જોવા મળે છે.

ઢબુડી માતાની મદદે પત્રકારો અને કલેકટરો પણ આવે છે 

વિજ્ઞાન જાથા દ્વારા ઢબુડી માતાના પાંખડ સામે લડાઈ શરૂ કરતા વિજ્ઞાન જાથાને સમજાવવાની જવાબદારી પત્રકારો અને કલેકટરોને સોંપવામાં આવી છે. રાજયમાં વિવિધ સ્થળે ઢબુડી માતા સામે અરજી કરનારા જયંત પંડયાને  ઢબુડી માતા સામે ફરિયાદ નહીં કરવા અનેક લોકોની ભલામણ આવી રહી છે. જો કે, દરેક ભલામણ કરનારા પોતાના ઘરમાં ઢબુડી માતાને કારણે કેવો ફાયદો થયો તેની વ્યકિતગત વાત જ કરે છે. એક પત્રકારે પોતાના ભાઈનું કેન્સર માતાને કારણે મટયું હોવાનું જણાવ્યું હતું જયારે એક કલેકટરે  પોતાના પરિવારની પરેશાની માતાએ દૂર કરી હોવાની વાત કરી હતી, આમ માતા પોતાનું માર્કેટિંગ પણ સારી રીતે કરે છે.