અમદાવાદ,તા:૧૧ વરસાદ પહેલાં કોર્પોરેશન દ્વારા અવનવી પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે, જેમાં રસ્તા પર પાણી ન ભરાય તેની કામગીરી ઉપરાંત વિવિધ રસ્તાઓ પર ખાડા હોય તે પૂરી ચોમાસામાં વાહનચાલકોને નડતરરૂપ ખાડા ફરી ન પડે તે જોવાનું કામ પણ સામેલ છે.
જો કે અમદાવાદના આ વખતના વરસાદે કોર્પોરેશનની પોલ ખોલી નાખી છે. બે દિવસના સિઝનના સારા વરસાદના પગલે વિવિધ વિસ્તારો અને સોસાયટીમાં પાણી ભરાઈ ગયાં હતાં, આ સમયે વરસાદી પાણીના નિકાલ માટેની કોર્પોરેશને નાખેલી પાઈપલાઈન પાણીનું યોગ્ય વહન કરી શકી નહોતી. જો કે કોર્પોરેશન દ્વારા આ અંગે ત્વરિત કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત શહેરના મોટાભાગના રસ્તાઓ પણ ધોવાઈ ગયા હતા, જેમાંથી અમુક રસ્તાઓ તો હજુ હાલમાં જ બનાવવામાં આવ્યા હતા. રસ્તા ધોવાઈ જતાં વાહનચાલકો ભારે હેરાન થયા હતા, અને ઠેરઠેર ટ્રાફિકજામના દૃશ્યો જોવા મળ્યાં હતાં. સરખેજ ચારરસ્તા પર પડેલા મોટામોટા ખાડામાં તો 108 એમ્બુલન્સ પણ ફસાઈ હતી, જેને સ્થાનિકો દ્વારા મહામહેનતે બહાર કાઢવામાં આવી હતી. દરવખતની જેમ વેજલપુર, હાટકેશ્વર ખાતે ભારે પાણી ભરાયું હતું, જેના પગલે વાહનચાલકોને ભારે મુસીબતનો સામનો કરવો પડ્યો હતો. નાગરિકો પાસેથી મસમોટો ટેક્સ એને તેનાથી પણ વધુ વાહનચાલકો પાસેથી દંડ વસૂલવાથી અકળાયેલા નાગરિકો હવે સારા રસ્તાની માગ સાથે કોર્પોરેશન પર રોષ ઠાલવી રહ્યા છે. |