વાંકાનેરના ખેરવા પાસે બે એસ.ટી. બસ વચ્ચેના અકસ્માતમાં 25થી વધુ ઈજાગ્રસ્ત

મોરબી,11

વાંકાનેરના ખેરવા પાસે બે એસ.ટી. બસ વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં 25થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. જાણવા મળ્યા મુજબ ઈજાગ્રસ્તો પૈકી પાંચને ગંભીર ગણાવવામાં આવી રહ્યા છે, જ્યારે એક એસ.ટી. બસના ચાલકને પણ ગંભીર સ્થિતિમાં હોસ્પિટલે ખસેડાયો છે.

જાણવા મળ્યા મુજબ સવારે સાત વાગ્યાની આસપાસ વાંકાનેર-રાજકોટની એસ.ટી. બસ નંબર જીજે-18ઝેડ-0373 અને રાજકોટ-વાંકાનેરની એસ.ટી. બસ સામસામે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે એક એસ.ટી.નો ચાલક બસમાં ફસાઈ ગયો હતો. ફસાયેલા એસ.ટી.ના ડ્રાઈવરને પતરું ચીરીને બહાર કાઢવામાં આવ્યો હતો.

બંને એસ.ટી. બસ વચ્ચેના અકસ્માતમાં 25થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે, જેમને વાંકાનેરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત મુસાફરોને રાજકોટ ખસેડવામાં આવ્યા છે.

અકસ્માતના પગલે સ્થાનિકોએ તાત્કાલિક 108ની ટીમને જાણ કરતાં તાત્કાલિક 108 ઈમર્જન્સી સેવા પહોંચી હતી અને ઘાયલ મુસાફરોને મોરબી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યારે કેટલાક મુસાફરોને સ્થળ પર જ તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી.

જાણવા મળ્યા મુજબ એક એસ.ટી. બસના ચાલકે બેદરકારી દાખવી હોવાનું જણાય છે, જેણે સામેની લેનમાં જઈને ડ્રાઈવિંગ કરતાં અન્ય એસ.ટી. બસ સાથે અકસ્માત સર્જ્યો હતો.