શહેરના મેયર બિજલ પટેલને ડેન્ગ્યુ હોવાની અફવા ફેલાતા ખળભળાટ

મને વાઈરલ ઈન્ફેકશનની અસરના પગલે તાવ, મેયર

અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણાં સમયથી મચ્છરજન્ય રોગચાળાને નિયંત્રણમાં લેવા મ્યુનિ. દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ પરિસ્થતિમાં શહેરના મેયર બિજલ પટેલને ડેન્ગ્યુ થયો હોવાની વહેતી થયેલી અફવાઓને પગલે ખળભળાટ મચી જવા પામ્યો હતો. દરમિયાન આ મામલે મેયરને પુછતા તેમણે  કહ્યુ, મને વાઈરલ ઈન્ફેકશનની અસરને પગલે તાવ છે. જેની હુ સારવાર લઈ રહી છુ. અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણાં સમયથી વિવિધ બાંધકામ સાઈટો, હોસ્પટલો અને અન્ય સાઈટોની સ્થળ તપાસ કરીને મ્યુનિ. દ્વારા બ્રીડીંગ સ્પોટ મળવા સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન ગુરુવારે શહેરના મેયર બિજલ પટેલને ડેન્ગ્યુ હોવાની વાત દિવસભર અફવાની જેમ પ્રસરી હતી. આ મામલે પક્ષનેતા અમિત શાહનો સંપર્ક કરતા તેમણે કહ્યુ, કાલે અમે બે કલાક સાથે હતા. શહેરના વિકાસના કામોની ચર્ચા કરી હતી. આ મામલે મેયર બિજલ પટેલનો સંપર્ક કરતા તેમણે કહ્યુ, મને વાઈરલ ઈન્ફેકશનની અસર છે. જેની હું ત્રણ દિવસથી સારવાર લઈ રહી છું. ઈન્ફેકશનના કારણે વીકનેસ છે. બાકી ડેન્ગ્યુ નથી.

અમદાવાદ શહેરમાં મેલેરીયાના ૫૦૦ ઉપરાંત કેસ

શહેરના વિવિધ સાત ઝોનમાં મ્યુનિ. દ્વારા મચ્છરોનો નાશ કરવા શરૂ કરવામાં આવેલી કાર્યવાહી છતાં મચ્છરોથી ફેલાતા મેલેરીયાના ૫૦૦ ઉપરાંત કેસ છેલ્લા એક સપ્તાહ દરમિયાન સપાટી ઉપર આવવા પામ્યા છે. આ અંગે મળતી માહીતી અનુસાર, મ્યુનિ.ના ખાસ ડ્રાઈવ છતાં શહેરના વિવિધ વિસ્તારોમાં ૨૪ જુલાઈ સુધીમાં મેલેરીયાના ૫૦૦ ઉપરાંત કેસો સપાટી ઉપર આવ્યા છે. ખાનગી દવાખાનાઓ અને હોસ્પટલોમાં વાઈરલ ઈન્ફેકશનના દર્દીઓની લાંબી કતારો જાવા મળી રહી છે. આ ઉપરાંત ઝેરી મેલેરીયાના ૧૨ અને ડેન્ગ્યુના દસ કેસ નોંધાવા પામ્યા છે. ૨૨ જુન સુધીમાં શહેરભરમાંથી કુલ મળીને ૬૮ હજાર ઉપરાંત શહેરીજનોના લોહીના નમુના લઈને તેની તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. ૨૭ હજારથી વધુ કલોરીની ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યુ છે.