મોડાસા : સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભાદરવી પૂનમે દર વર્ષની જેમ આ વર્ષે પણ દૂર દૂરથી ભક્તો પગપાળા, ખાનગી વાહનોમાં, એસટી બસોમાં ભગવાન કાળીયા ઠાકોરના દર્શને ઉમટી પડશે. જિલ્લાઓમાંથી ચૌદશની રાતથી જ ભક્તો પગપાળા પૂનમની વહેલી સવારે શામળાજી આવી પહોંચતા હોઈ તેને અનુલક્ષીને ભગવાનના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટના મેનેજર કનુભાઇ પટેલના જણાવ્યાનુસાર ભાદરવી પૂનમે દર્શનનો સમય આ મુજબ રહેશે. મંદિર ખુલશે સવારે ૫ કલાકે, મંગળા આરતી ૫.૪૫, શણગાર આરતી ૮.૩૦, મંદિર બંધ થશે. બપોરે ૧૧.૩૦ કલાકે(રાજભોગ ધરાવાશે), મંદિર ખૂલશે રાજભોગ આરતી બપોરે ૧૨.૧૫ કલાકે, મંદિર બંધ થશે(ઠાકોરજી પોઢી જશે). બપોરે ૧૨.૩૦ કલાકે, ઉત્થાપન(મંદિર ખુલશે) બપોરે ૨.૧૫ કલાકે, સંધ્યા આરતી સાંજે ૭.૦૦ કલાકે, શયન આરતી રાત્રે ૮.૧૫ કલાકે અને મંદિર મંગલ(મંદિર બંધ થશે) રાત્રે ૮.૩૦ કલાકે. આમ ભાદરવી પૂનમે ભક્તોનો મોટો સમુદાય ઉમટતો હોઈ દર્શનના સમયમાં ફેરફાર કરવા સાથે દર્શનાર્થીઓ માટે આવશ્યક સેવા વ્યવસ્થાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.