ગુજરાતના કાલોલના ડેરોલમાં શિક્ષક દ્વારા તેજશ નામના વિદ્યાર્થીને કાન અને પીઠ પર માર મારવામાં આવતા વિદ્યાર્થીને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી. કૈલાશબેનનો પુત્ર તેજસ છઠ્ઠા ધોરણમાં ડેરોલ સ્ટેશન પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હતો. બે દિવસ પહેલા જ્યારે તેજસ ક્લાસમાં અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ ક્લાસમાં હુરિયો બોલાવતા હતા. ત્યારબાદ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા ભાવેશ નામના શિક્ષકે તેજસને દોષી સમજીને તેના કાન પર તમાચા માર્યા હતા અને પગના અંગુઠા પકડાવીને પીઠ પર ઢીક્કા પણ માર્યા હતા.
શિક્ષક ભાવેશ દ્વારા તેજસને કાનના ભાગે માર મારવામાં આવતા તેને કાનના ભાગે દુખાવો થવા લાગ્યો હતો. દુખાવો વધતા તેજસે સમાગ્ર મામલે માતાને જાણ કરી હતી, તેથી માતા તેજસને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ ગયા હતા. હોસ્પિટલમાં ડોક્ટરે બાળકના કાનના પડદામાં અસર થઇ હોવાના કારણે સીટીસ્કેન કરાવવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત તેજસે શિક્ષકના ડરના કારણે શાળાએ જવાની મનાઈ ફરમાવી હતી. જ્યારે આ બાબતે શાળાના પ્રિન્સીપાલને પૂછવામાં આવ્યું ત્યારે તેમને પોતાનો બચાવ કરતા જણાવ્યું હતું કે. તે દિવસે મારે મીટીંગમાં જવાનુ હોવાથી હું શાળામાં હાજર નહોતી.
પુત્રના ડરને દૂર કરવા માટે અને બાળકને માર મારનારા શિક્ષક સામે કાયદાકીય કાર્યવાહી થાય તે માટે તેજની માતા કેલાશબેન દ્વારા શિક્ષક ભાવેશ વિરુદ્ધ કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. કૈલાશબેન સોલંકીને તેમના પતિ સાથે બનતું ન હોવાના કારણે તેઓ તેમના પતિથી દૂર દસ વર્ષથી પુત્રની સાથે કાલોલ તાલુકાના જેલી ગામે રહે છે.