[:gj]શિયાળુ પાક 50 ટકા ઘડી જશે [:]

[:gj]ખેડૂતોના ખેતરો ખાલી પડ્યા હોવા છતાં પાણીની સગવડના અભાવે તેમાં વાવેતર કરવું શક્ય નથી. ખેડૂતો પણ ઈચ્છી રહ્યાં છે કે પાણીના સંકટ વચ્ચે સરકાર પિયત માટે પાણી છોડે. શિયાળુ અને ઉનાળું પિયત શક્ય ન હોવાથી ખેડૂતો માટે સૌથી મોટા પ્રશ્ન રોજગારીનો છે. મોટાભાગના વિસ્તારોમાં પાણીનું સંકટ હોવાથી ચોમાસું આવે ત્યાં સુધી 8 મહિના રોજગારીનો પ્રશ્નો છે. સાથે જ બહારથી આવતા ખેતમજૂરોએ રોજગારી મેળવવી મૂશ્કેલ બની રહેશે. તો હાલ મજૂરો ઓછા વેતનમાં કામ કરવા તૈયાર છે. પાણી છોડે તો વાવેતર શક્ય છે.

પિયતનું સંકટ

ખેડૂતો દિવાળી બાદ પશુઓના ઘાસચારાનું વાવેતર કરતાં હોય છે. પરંતુ પિયતની સગવડ ન હોવાથી પશુઓના ઘાસચારામાં મકાઈ, જૂવાર, બાજરી, રજકો સહિતના પાકના વાવેતરમાં પણ મોટુ ગાબડુ પડે તેમ છે. શિયાળુ વાવેતર ન થતા પશુઓ માટે ચારો મેળવવો આવનારા દિવસોમાં મુશ્કેલ બનશે. જેથી માલધારીઓ પણ પશુઓને લઈ હિજરત કરી રહ્યાં છે. તેમજ ઘાસચારાના ભાવ પણ ભડકે બળશે.

સૌરાષ્ટ્ર-કચ્છની સ્થિતિ વધુ ચિંતાજનક.

સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, સોરઠ, ઘેડ પંથકનો અમુક વિસ્તાર અને અમરેલીના કેટલાક પંથકમાં પ્રમાણમાં થોડો વરસાદ વરસ્યો હતો. તેમ છતાં પણ અહીં શિયાળું પાકનું વાવેતર 50 ટકા જ રહે તેમ છે. જ્યારે બાકીના વિસ્તારોની સ્થિતિ વધુ ચિંતાજનક છે. મોરબી, જામનગરમાં સૌથી વધુ સંકટ હોવાથી શિયાળું પિયત શક્ય નથી. ઘઉંના પાકને પિયતની પુષ્કળ જરૂરત રહેતી હોવાથી પાણીના સંકટ વચ્ચે છેલ્લે સુધી પાકને પિયત આપવું મુશ્કેલ છે. જેથી પિયતની સગવડ ન હોય તેવા ખેડૂતો માટે ઘઉંનુ વાવેતર કરવું અશક્ય છે. દર વર્ષે રાજ્યમાં ઘઉંનું કુલ વાવેતર 10 લાખ હેક્ટર આસપાસ રહે છે, જે આ વર્ષે પાણીના અભાવે ઘટીને 5 લાખ હેક્ટથી પણ ઓછું રહેવાનો અંદાજ છે.

રાજ્યભરમાં ચાલુ વર્ષે શિયાળુ પાકમાં મોટુ ગાબડુ પડે તેમ છે. વરસાદના અભાવે શિયાળુ પાક માટે છેલ્લા 18 વર્ષની સૌથી ચિંતાજનક સ્થિતિ છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો એવા પણ જ્યાં ચોમાસુ પાક પણ પાણી ન મળતા નિષ્ફળ ગયા છે. તેવા સંજોગોમાં શિયાળુ પિયત શક્ય જ નથી. આ વર્ષે શિયાળું પાકના વાવેતરમાં 50 ટકાથી વધુ ઘટાડો થશે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારને બાદ કરતાં સૌરાષ્ટ્ર-કચ્છની સ્થિતિ વધુ ચિંતાજનક છે. ત્યારે પાણીના પોકાર વચ્ચે જે વિસ્તારોમાં નહેરોની વ્યવસ્થા છે, ત્યાં સરકાર દ્વારા પાણી છોડવામાં આવે તો થોડું ઘણું વાવતેર થઈ શકે તેમ છે. શિયાળું પિયતમાં સૌથી મોટું ગાબડું ઘઉંના વાવેતરમાં પડશે. ઘઉં સાથે ઘાણા, જીરૂ, ચણા, લસણ, ડુંગળી, રાઈ, ચણા તેમજ શાકભાજી સહિતના અનેક પાકોના વાવેતર પર સંકટના વાદળો છવાયા છે.[:]